અમદાવાદ: ગુજરાતમાં સોમવારથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ શકે છે. આ અંગે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 13 થી 16 જુલાઇ વચ્ચે રાજ્યના અનેક ભાગો વરસાદ પડી શકે છે. જેમાં 16 જુલાઇના રોજ અમદાવાદના ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હાલ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી 149 મી રથયાત્રા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
17થી 23 જુલાઇ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે,આ સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમની અસર ગુજરાત સુધી જોવા મળશે. જેની બાદ 17 થી 18 જુલાઇના રોજ બીજી એક તોફાની સિસ્ટમ અરબી સમુદ્રમાં બનશે જેના લીધે 17થી 23 જુલાઇ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી શકે છે.
ખેડૂતોની ચિંતા વધી
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ 12 થી આગામી 18 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ જ સંભાવના નથી. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની ભારે ઘટ છે. મગફળી, કપાસ સહિતના ખરીફ પાકોની વાવણી થઈ રહી છે. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે.
સળંગ અઠવાડિયું કોરુંધાકોર રહેવાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા સળંગ અઠવાડિયું કોરુંધાકોર રહેવાની આગાહી કરવામાં છે. દક્ષિણ ગુજરાત અને રાજ્યના દરિયાકાંઠાના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં સામાન્ય વરસાદ થશે બાકીના જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત છે.