નવી દિલ્હી: સંસદીય સમિતિ દ્વારા ગંભીર ગુનામાં 30 દિવસ સુધી જેલમાં રહેલા વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રીને પદ પરથી દૂર કરવાના બદલે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. આ પૂર્વે તેમને પદ પરથી દૂર કરવાની ભલામણના પગલે વિપક્ષની ચિંતા વધી હતી.
સસ્પેન્શન આપમેળે સમાપ્ત થઈ શકે છે
આ ઉપરાંત સમિતિએ એક એવી પદ્ધતિનો પણ પ્રસ્તાવ મૂક્યો છે જેમાં જો આવા વ્યક્તિઓ આરોપોમાંથી મુક્ત થાય છે અથવા જો કાનૂની કાર્યવાહી નિર્ધારિત સમયમર્યાદામાં આગળ ન વધે તો સસ્પેન્શન આપમેળે સમાપ્ત થઈ શકે છે.
બે ચોક્કસ અને ત્રણ સામાન્ય ભલામણો કરી
આ અંગેની વિગતો મુજબ, 130મા બંધારણ સુધારા બિલની સમીક્ષા કરતી સંયુક્ત સંસદીય સમિતિએ બે ચોક્કસ અને ત્રણ સામાન્ય ભલામણો કરી હતી. ઓગસ્ટ 2025માં રજૂ કરાયેલા આ બિલમાં એવી જોગવાઈ હતી કે જો કોઈ વડાપ્રધાન, મંત્રી અથવા મુખ્યમંત્રી તેમની અટકાયતના 31મા દિવસ સુધીમાં સ્વેચ્છાએ રાજીનામું નહીં આપે તો તેમને આપમેળે પદ પરથી દૂર કરવામાં આવશે.
જોકે વિપક્ષે આ બિલને અન્ય રાજ્યોમાં વિપક્ષની સરકારોને અસ્થિર કરવાનું સાધન ગણાવ્યું હતું. જેમાં મોટાભાગના વિરોધ પક્ષોએ બિલની સમીક્ષા કરતી સંયુક્ત સમિતિથી પોતાને દૂર રાખ્યા હતા.