પિથોરાગઢ : હિમાલયના ઉંચા શિખરો વચ્ચે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલું મંદિર શ્રદ્ધા અને રહસ્યનો અનોખો સંગમ માનવામાં આવે છે. કાલાપાણીનું આ પ્રાચીન મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે. તેમજ તેની સાથે અનેક રહસ્યો પણ જોડાયેલા છે.
પિથોરાગઢ જિલ્લામાં આવેલા કાલાપાણીનું પ્રાચીન કાલી મંદિર સમુદ્રની સપાટીથી આશરે 3,600 મીટરની ઉંચાઇ પર આવેલું છે.આ મંદિર ફક્ત ધાર્મિક રીતે જ મહત્વપૂર્ણ નથી પણ તેની કુદરતી સુંદરતા અને પૌરાણિક કથાઓ લોકોને આકર્ષે છે.
આ અંગેની સ્થાનિક માન્યતા મુજબ કાલી નદી મંદિરના ગર્ભગૃહમાંથી ઉદભવે છે.
તેમજ મંદિરની નજીક વહેતો આ પવિત્ર પ્રવાહ આખરે કાલી નદીમાં પરિવર્તિત થાય છે. આ નદી પાછળથી ભારત અને નેપાળ વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. ભક્તો મંદિર સંકુલમાં વહેતા પાણીને દેવી કાલીના આશીર્વાદ માને છે અને પાણીને ખૂબ જ શ્રદ્ધાથી સાથે લઇ જાય છે.

મહર્ષિ વેદ વ્યાસે અહીં તપસ્યા કરી હતી
તેમજ તેનું પૌરાણિક મહત્વ સમજીએ તો એવી લોકવાયકા છે કે મહર્ષિ વેદ વ્યાસે અહીં તપસ્યા કરી હતી અને સ્વયં માતા કાલીએ તેમને અહીં મંદિર બનાવવાનું સૂચન કર્યું હતું. આ મંદિરની બરાબર સામે 'વ્યાસ ગુફા' આવેલી છે.
કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર
આ મંદિરનું ધાર્મિક મહત્વ જોઇએ તો આ પવિત્ર સ્થળ આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે આ સ્થળનું સંચાલન અને રક્ષણ ભારતીય સેના (ITBP)દ્વારા કરવામાં આવે છે.
પાંડવોની દંતકથાઓ સાથે પણ જોડાયેલું
આ ઉપરાંત સ્થાનિક દંતકથા અનુસાર, આ સ્થળ પાંડવોની દંતકથાઓ સાથે પણ જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ પ્રદેશમાં થોડો સમય વિતાવ્યો હતો. ભીમ શિલા અને યુધિષ્ઠિર માર્ગ જેવા નજીકના ઘણા સ્થળોના નામ આ વાર્તાઓ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
ભોટિયા સમુદાય દેવી કાલીને તેમના રક્ષક દેવતા તરીકે પૂજે છે
આ પ્રદેશમાં રહેતા ભોટિયા સમુદાય દેવી કાલીને તેમના રક્ષક દેવતા તરીકે પૂજે છે. તેઓ માને છે કે દેવી કાલી સમગ્ર ખીણનું રક્ષણ કરે છે અને સાચા હૃદયથી મુલાકાત લેનારા યાત્રાળુઓ માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરે છે. તેમજ કાલાપાણી પહોંચવા માટે ધારચુલાથી મુશ્કેલ પર્વતીય માર્ગો પાર કરવા પડે છે.