ધારી: ગીરમાં સાવજોની વધી રહેલી વસ્તીને કારણે હવે તેઓ ગીર અને બૃહદ ગીર સહિતના વિસ્તારોમાં વિહરતા જોવા મળે છે. ત્યારે અમરેલીના ધારી તાલુકાના હુડલી ગામમાં વરસાદ બાદ સિંહોનું ટોળું ગામમાં આવી ચડતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. એક સિંહણ તેના ત્રણ બચ્ચાઓ સાથે શિકારની શોધમાં નિડર બનીને ગામની શેરીઓમાં લટાર મારતી જોવા મળી હતી. આ દ્રશ્યો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા, જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહીછે.
તસવીરોમાં સિંહણ અને તેના બચ્ચાઓને ગામની શેરીઓમાં કોઈ પણ પ્રકારના ડર વગર ફરતા જોઈ શકાય છે, જેને કારણે ગ્રામજનોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. સદનસીબે, કોઈ પણ પ્રકારના હુમલાની ઘટના બની નથી અને લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરોમાં જ સુરક્ષિત રહ્યા હતા.
ધારી-ગીર વિસ્તારમાં સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે વન વિસ્તારની નજીક આવેલા ગામોમાં સિંહોની અવરજવર વધી ગઈ છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે જંગલોમાં શિકારની પરિસ્થિતિ બદલાય છે, ત્યારે ખોરાકની શોધમાં સિંહ માનવ વસાહતો સુધી પહોંચી જાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આસપાસના ગામોમાં સિંહોનું દેખાવું હવે સામાન્ય બની ગયું છે, જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય છે.
આ મામલે ધારી-ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે, ગીરના જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વધારો થવાને કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે. માનવ-વન્યજીવ સંઘર્ષને રોકવા માટે વન વિભાગની ટીમો દ્વારા ચોવીસ કલાક દેખરેખ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ, વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે સિંહ દેખાય તો તેમને ઘેરવાનો કે તેમની નજીક જવાનો પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.