બલિયાઃ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ૪૨ વર્ષીય વ્યક્તિના કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મારપીટથી થયેલા મૃત્યુ મામલે આજે એક સબ-ઇન્સ્પેક્ટર, એક કોન્સ્ટેબલ અને એક સરપંચ સહિત છ આરોપીઓ સામે હત્યા અને અન્ય ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ જાણકારી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસ રેવતી પોલીસ સ્ટેશનમાં ગાયઘાટ ગામના રહેવાસી વિશાલ ગોંડની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. બૈરિયા સર્કલ ઓફિસર આલોક ગુપ્તાએ જણાવ્યું કે સબ-ઇન્સપેક્ટર સચિન સરોજ, કોન્સ્ટેબલ અંકિત સિંહ, સરપંચ આશુતોષ શંકર સિંહ, સૂરજ કન્નૌજિયા, મનીષ યાદવ અને કન્નૌજિયાના એક સંબંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.
ફરીયાદી વિશાલ ગોંડના જણાવ્યા મુજબ તે ૭ જુલાઇની સાંજે ખેદાન ક્રોસિંગ સ્થિત કન્નૌજિયાની દુકાને માંસ ખરીદવા ગયો હતો ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. એફઆઇઆરમાં આરોપ છે કે ત્યારબાદ સરપંચ આશુતોષ શંકર સિંહ તેના ડ્રાઇવર મનીષ યાદવ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ અનુસાર સબ-ઇન્સપેક્ટર સરોજ અને કોન્સ્ટેબલ સિંહ ૮ જુલાઇના રોજ બપોરે વિશાલના ઘરે પહોંચ્યા અને ઘરની નજીક સૂતેલા તેના પિતા કામજી ગોંડ(૪૨)ને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. વિશાલને પોલીસ સમક્ષ હાજર થવા દબાણ કરવા માટે તેના પિતાને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે.
આઠમી જુલાઇના સાંજે ૪ વાગ્યે સરપંચ અને તેનો ડ્રાઇવર કામજી ગોંડને પોલીસ સ્ટેશનથી લઇ ગયા અને એક ઇંટના ભઠ્ઠા પર તેની સાથે મારપીટ કર્યા બાદ નજીકના બગીચામાં છોડીને ચાલ્યા ગયા હતા. તેમને બેભાન અવસ્થામાં પડેલા જોઇને સ્થાનિક બાળકોએ પરિવારને જાણ કરી હતી. બાદમાં વારાણસીના ટ્રામા સેન્ટર ખાતે ૧૦ જુલાઇના રોજ તેમનું મૃત્યુ થયું હતું.