અમદાવાદઃ હજારો લોકો જ્યાં રોજ આવે છે તે ગિરનાર પર્વત ચડી રહેલા માત્ર 12 વર્ષના બાળકને સિંહે તાણી જતા અને કાળનો કોળિયો બનાવી જતા સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે. બાળકનો પરિવાર ખેડાના મહેમદાવાદના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવ્યો હતો. અહીં બાળક કાકા સાથે પગથિયા ચડી રહ્યો હતો ત્યારે મા6 50 પગથિયા ચડ્યા ત્યાં અચાનક સિંહ તાડુક્યો હતો અને બાળકને તાણી ગયો હતો. ત્યારબાદ માત્ર તેના અવશેષો મળ્યા હતા.
પરિવાર માટે આ આઘાત સહન કરી શકાય તેમ નથી, ત્યારે બાળકનું આખું ગામ શોકમાં ગરકાવ થયેલું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોડજ ગામમાં ઘટના બાદ ભારે ગમગીની છવાઈ ગઈ હતી. રવિવારે સવારે બાળકનો મૃતદેહ વતન લઈ આવવામાં આવ્યો હતો. પરિવારનો એકનો એક દીકરો આ રીતે મૃત્યુ પામતા આખું ગામ હિબકે ચડ્યું હતું. બાળકની અંતિમયાત્રામાં પણ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. સ્થાનિક આગેવાનો પણ આવ્યા હતા.