(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશની આર્થિક પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષી બેઠક બોલાવવા વિનંતી કરી હતી, તેમણે એમ પણ કહ્યું હતું કે દેશના લોકો ઇંધણના વધતા ભાવ અને એલપીજી સબસિડીમાં ઘટાડો જેવા મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે.રાજકીય મતભેદોને બાજુ પર રાખવા જોઈએ અને દેશ સામેના પડકારોનો સામનો કરવા માટે અર્થશાસ્ત્રીઓની સલાહ લેવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે પક્ષો તોડવાના ભાજપના ‘શોખ’ની પણ ટીકા કરી હતી, આ પ્રથાને લોકશાહી માટે હાનિકારક ગણાવી હતી.પત્રકારો સાથે વાત કરતા સુળેએ કહ્યું હતું કે, ‘દેશ પહેલા આવે છે, ત્યારબાદ રાજ્ય, પક્ષ અને પરિવાર. જો દેશ ટકી રહે છે, તો બાકીનું બધું ટકી રહે છે.’બારામતીના સાંસદે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન વિપક્ષ સરકારની પાછળ મજબૂત રીતે ઊભો રહ્યો હતો અને આર્થિક મુદ્દાઓને સંબોધવામાં પણ આવી જ રીતે ટેકો આપવા તૈયાર છે.
યુપીએ યુગ સાથે વર્તમાન પરિસ્થિતિની સરખામણી કરતા, એનસીપી (એસપી) ના કાર્યકારી પ્રમુખે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 108-110 ડોલરને સ્પર્શી ગયા હતા, જ્યારે રૂપિયો ડોલર સામે 60-65 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો આમ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચા હતા.‘આજે, ક્રૂડ ઓઇલના ભાવ ઓછા છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે છે. જ્યારે ડો. મનમોહન સિંહે ઇંધણના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો, ત્યારે ભાજપે ભારે હોબાળો મચાવ્યો હતોે. હવે ભાવ કેમ વધારવામાં આવી રહ્યા છે?’ એમ તેણે પૂછ્યું હતું.
‘પીએમ મોદીએ દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષી બેઠક બોલાવવી જોઈએ,’ એમ તેમણે જણાવ્યું હતું. સુળેએ દેશના વિકાસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના યોગદાનનો પણ બચાવ કર્યો અને કહ્યું હતું કે 12 વર્ષ સત્તામાં રહ્યા પછી પણ ભાજપ કોંગ્રેસને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. ‘જો મેં 12 વર્ષ કામ કર્યું હોત, તો મેં મારા પોતાના કામ વિશે વાત કરી હોત. 12 વર્ષ પછી પણ ભાજપે હજુ પણ કોંગ્રેસ વિશે બોલવું પડે છે. તે જ કોંગ્રેસની સફળતા છે,’ એમ તેમણે પીએમ મોદીના આ સૌથી જૂની પાર્ટીની ટીકા વિશે પૂછવામાં આવતા કહ્યું હતું.