Fri Apr 17 2026

Logo

T20 વર્લ્ડ કપ સુપર-8 પ્રી-સીડિંગ ફોર્મેટ વિવાદ અંગે સુનીલ ગાવસ્કરે શું કહ્યું?

2026-02-22 11:50:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 સ્ટેજની શરૂઆત થઇ ગઈ છે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો સુપર 8 માટે પ્રી-સીડિંગ શેડ્યુલ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC) ની ટીકા કરી રહ્યા છે. 

સુપર 8 માટે પ્રી-સીડિંગ ફોર્મેટમાં ICCએ ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેલી તમામ ટીમોને ગ્રુપ 1 માં રાખી છે આવી છે, જેમાં ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. બીજી તરફ, ગ્રુપમાં બીજા ક્રમે રહેનારી ટીમોને ગ્રુપ-2માં રાખી છે, જેમાં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. ગ્રુપ-1 અને 2ની ટીમો પોતપોતાના ગ્રુપની અન્ય ટીમો સામે મેચ રમશે, મતલબ કે ગ્રુપ સ્ટેજમાં પહેલા રહેનારી બે ટીમો સેમીફાઈનલ પહેલા ટુર્નામેન્ટમાંથી બહાર થાય એ નક્કી છે.


આ વિવાદ વચ્ચે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ICCનો બચાવ કર્યો છે. ગાવસ્કરે કહ્યું કે હવે સવાલ ઉઠવવાનો કોઈ મતલબ નથી, કારણ કે સમય જતો રહ્યો છે. જો લોકોને ખરેખર ચિંતા હતી, તો ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, જ્યારે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે વાંધા ઉઠાવવા જોઈતા હતાં. આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના આયોજનમાં ઘણા લોજિસ્ટિકલ મુદ્દા છે, જે પૂર્વ-સીડિંગ ફોર્મેટને સમજાવી શકે છે.


ગાવસ્કરે કહ્યું, "આ ટુર્નામેન્ટ બે દેશોમાં રમાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છે, ઇમિગ્રેશન અને  કસ્ટમ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે, આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એરલાઇન અને હોટેલ બુકિંગનો હજુ પણ પ્રશ્ન છે; દરેક ટીમમાં અલગ અલગ સંખ્યામાં સભ્યો છે. કેટલીક ટીમો 15 લોકોની સપોર્ટ સ્ટાફ ટીમ સાથે મુસાફરી કરે છે, તેથી કદાચ તેમને 35-40 રૂમની જરૂર હોય. કેટલીક ટીમો 20-22 લોકો સાથે મુસાફરી કરી રહી છે, તેમને ઓછા રૂમની જરૂર છે. આ બધી બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે, અને કદાચ આ જ કારણ છે કે પ્રી-સીડિંગફોર્મેટ અપનાવવામાં આવ્યું."