Thu Jun 11 2026

Logo

એ જ કંપની અને એ જ પરિવાર! સુનેત્રા પવારના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જાણો ચોંકાવનારો મામલો?

2026-06-11 21:00:18
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના ખાનગી વિમાનમાં નવમી જૂનની સાંજે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. વિમાન મુંબઈથી દિલ્હી જઈ રહ્યું હતું ત્યારે બનેલી આ ઘટનાને કારણે એરપોર્ટ પર થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ફ્લાઇટ ટેકઓફ થાય તે પહેલાં જ ખામી ધ્યાનમાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનેત્રા પવારનું ખાનગી જેટ નવમી જૂને સાંજે 5 વાગ્યે મુંબઈથી દિલ્હી માટે ઉડાન ભરવાનું હતું. જોકે, છેલ્લી ઘડીએ પાઇલટને  ટેકનિકલ ખામી હોવાનું ધ્યાનમાં આવ્યું. આ સમસ્યાને કારણે, વિમાનને મુંબઈ એરપોર્ટ પર પૂરા બે કલાક રોકવું પડ્યું હતું. અંતે તમામ ટેકનિકલ પાસાઓની તપાસ કર્યા પછી અને જરૂરી સમારકામ કર્યા પછી, ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા બે કલાક મોડી સાંજે 7 વાગ્યે દિલ્હી માટે રવાના થઈ હતી.

ફ્લાઇટમાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર સાથે મહાયુતિના અગ્રણી નેતાઓ, જેમાં તેમના પુત્ર અને એનસીપી નેતા પાર્થ પવાર, સાંસદ સુનીલ તટકરે અને સાંસદ પ્રફુલ્લ પટેલનો સમાવેશ થાય છે. આ નેતાઓ એક મહત્વપૂર્ણ રાજકીય બેઠક માટે દિલ્હી જઈ રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, જે ખાનગી વિમાનમાં ખામી સર્જાઈ હતી તે 'વીએસઆર' કંપનીનું હતું. ટેકનિકલ ખામી દૂર થયા પછી, બધા નેતાઓએ તેમની બાકીની મુસાફરી એ જ વિમાનમાં સુરક્ષિત રીતે પૂર્ણ કરતા વહીવટીતંત્ર અને પક્ષના કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન થયું તે આ જ વીએસઆર કંપનીનું વિમાન હતું. એનસીપીના શરદ પવાર જૂથના ધારાસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે વિમાનની ગુણવત્તા અને અન્ય મુદ્દાઓ અંગે આક્ષેપો કર્યા હતા અને કંપની સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ આરોપોએ લોકોના મનમાં શંકા જગાવી હતી કે શું અજિત પવારનું મૃત્યુ કાવતરું હતું.