Sat Apr 18 2026

Logo

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી દીધુ, મિડલ ઈસ્ટમાં તણાવ વધવાના એંધાણ

Tehran   2026-04-18 15:52:00
Author: Mumbaisamachar Team
Article Image

તેહરાનઃ હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજ માટે હવે ખોલી દેવામાં આવ્યું છે આવું એલાન કર્યા બાદ અમેરિકાની સૈન્ય નાકાબંધી યથાવત રહેતા ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. આ કારણે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનારા કેટલાક જહાજ પાછા ફરી રહ્યા છે. ઈરાનના મીડિયા રિપોર્ટ અનુસાર જહાજના ટ્રેકિગ ડેટાનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં હોર્મુઝમાંથી ઘણા જહાજ પરત ફરી રહ્યા છે. આ સાથે કડક શબ્દોમાં એવો પણ સંદેશ આપવામાં આવ્યો છે કે, કોઈ સૈન્ય જહાજ કે દુશ્મનોના જહાજને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાનો કોઈ અધિકાર નથી.

જહાજને સૂચિત કરી દેવાયા
હોર્મુઝની આસપાસ રહેલા અને ત્યાંથી પસાર થતા જહાજને આ અંગે સૂચિત કરી દેવામાં આવ્યા છે. પરત ફરી રહેલા જહાજના ટ્રેકિંગ પરથી એટલો ખ્યાલ આવે છે કે, હવે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના જણાવ્યા અનુસાર અમેરિકા દ્વારા ઈરાનના પોર્ટ પર નાકાબંધી યથાવત રાખવામાં આવી છે. આ કારણે હોર્મુઝ જળમાર્ગ ફરી પહેલાની સ્થિતિમાં છે. હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અમેરિકા નાકાબંધીના નામે સમુદ્રી લૂટ અને સમુદ્રી કર અંગેની કાર્યવાહી કરવા માગે છે. આ કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે.
 

ફરી મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ
ઈરાનનું એવું કહેવું છે કે, જ્યાં સુધી અમેરિકા ઈરાનથી આવ-જા કરતા જહાજ માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપતો નથી, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ યથાવત રહેશે. મિડલ ઈસ્ટમાં આ કારણે ફરી તણાવગ્રસ્ત માહોલ ઊભો થયો છે. જો અમેરિકા ઈરાનના પોર્ટ પરથી નાકાબંધી દૂર નહીં કરે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહેશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન સાથે ફાઈનલ સમજૂતી નહીં થાય ત્યાં સુધી નાકાબંધી યથાવત રહેશે. હવે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. હોર્મુઝ બંધ થતા એશિયા સહિત અનેક રાષ્ટ્ર ફરી ચિંતામાં મૂકાયા છે.