જેરૂસલેમઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રસ્તાવ કર્યો છે કે ઇરાન પછી તેલ અને ગેસની આયાત-નિકાસ ઇઝરાયલ થઈને જવી જોઈએ. અરબ ઉપદ્વીપથી ઇઝરાયલના બંદર સુધી પાઇપલાઇન બનાવવાની વાત કરી, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના જોખમોને દૂર કરશે અને વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે. આ યોજના યુદ્ધ પછી અમલમાં મુકી શકાશે તેવું પણ ઇઝરાયાલના વડા પ્રધાને જણાવ્યું છે. શું આ પ્રસ્તાવ ભારત માટે ફાયદાકારક સાબિત થશે?
ઇરાનના મુખ્ય ગેસ પ્લાન્ટ પર હુમલા બાદ આવ્યું નિવેદન
આ નિવેદન ઇઝરાયલના ઇરાનના મુખ્ય ગેસ પ્લાન્ટ પર હુમલા એક દિવસ પછી આવ્યું છે, જેનાથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. નેતન્યાહુએ કહ્યું કે, આ હુમલો ઇઝરાયલ દ્વારા જ કરવામાં આવ્યો હદતો, જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવા હુમલા ન કરવાની વિનંતી કરી હતી. ટ્રમ્પ પર ઇંધણ કિંમતો વધવાને કારણે રાજકીય દબાણ છે. પરંતુ ઇઝરાયલ દ્વારા સતત આવા હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે મધ્યપૂર્વમાં તણાવ વધારે વધ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઇંધણને લઇને જ વિવાદ ચાલી રહ્યો છે.
શું ઇરાન પાસે યુરેનિયમ રાખવાની ક્ષમતા નથી?
નેતન્યાહુનું કહેવું છે કે, યુદ્ધના 20 દિવસ પછી ઇરાન પાસે યુરેનિયમ રાખવા કે મિસાઇલ બનાવવાની ક્ષમતા નથી, જોકે આંતરરાષ્ટ્રીય અણુ એજન્સીના મુખ્ય રાફેલ ગ્રોસીએ કહ્યું કે ઇરાનની મોટાભાગની ક્ષમતા અજેય છે. ઇરાનમાં જમીની કાર્યવાહીની શક્યતા વિશે તેમણે કહ્યું કે હવાઇ હુમલાઓ પૂરતા નથી, જમીની કાર્યવાહી જરૂરી થઈ શકે. જો કે, તે અંગે ઇઝરાયાલ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
ક્રૂડ તેલની કિંમતમાં ધરખમ વધારો થયો
ઇઝરાયલના હુમલાથી બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત 119 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ, જ્યારે LNGની કિંમત 3.25 ડોલરથી વધુ થઈ. હોર્મુઝ માર્ગ બંધ થવાથી વૈશ્વિક સપ્લાયમાં અડચણ આવી રહી છે, પરંતુ કેટલાક દેશો માટે સપ્લાય ચાલુ છે. તેમાં એક ભારત પણ સામેલ છે. ભારતે પણ હોર્મુઝના રસ્તેથી ભારતીય જહાજોને સુરક્ષિત રીતે કાઢ્યાં છે.