નવી દિલ્હીઃ બાવીસ વર્ષ પહેલાં બ્રિસ્બેનના ગૅબા (Gabba)માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં લેગ બિફોર વિકેટ (LBW)ની અપીલમાં સચિન તેન્ડુલકરને ખોટો આઉટ આપ્યો હોવાની ભૂલ નિવૃત્ત અમ્પાયર સ્ટીવ બકનરે (BUCKNOR) છેક હવે કબૂલી છે અને ખેદ વ્યક્ત કર્યો છે. સચિનની 24 વર્ષની શાનદાર કારકિર્દીમાં બકનરનો એ નિર્ણય સૌથી વિવાદાસ્પદ હતો.
1992થી 2007 દરમ્યાન સતત પાંચ વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરવાનો વિશ્વવિક્રમ ધરાવતા વેસ્ટ ઇન્ડિઝના સ્ટીવ બકનરે 2009ની સાલમાં નિવૃત્તિ લીધી હતી. ક્રિકેટ જગતમાં જે અમ્પાયરોને સૌથી વધુ માનભરી નજરે જોવામાં આવે છે એમાં બકનરનો પણ સમાવેશ છે. જોકે 2004માં ગૅબામાં સચિન (SACHIN) આઉટ ન હોવા છતાં તેને એલબીડબ્લ્યૂની અપીલમાં આઉટ આપવાના બકનરના નિર્ણયની વિશ્વભરમાં ખૂબ ટીકા થઈ હતી. ` એ મારી ભૂલ હતી' એવું કહીને બકનરે હવે અફસોસ વ્યક્ત કર્યો છે.
મારા નિર્ણયની રોજ ચર્ચા થાય છેઃ બકનર
પીટીઆઇના અહેવાલ અનુસાર બકનરને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ અમ્પાયર્સ અસોસિયેશન સાથેની મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે `અમ્પાયર તરીકે તમારે કયા સૌથી મુશ્કેલ નિર્ણયોનો સામનો કરવો પડ્યો?' એવા સવાલના જવાબમાં બકનરે કહ્યું, ` સચિન તેન્ડુલકરને લેગ બિફોર વિકેટની અપીલમાં આઉટ આપ્યો એ નિર્ણય મારા માટે સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક હતો. હું જાણું છું કે એ મારી ભૂલ હતી. હજી આજ સુધી લગભગ દરરોજ લોકો આ નિર્ણયની જ વાતો કરતા સાંભળવા મળે છે. મારા એ નિર્ણયની જ ચર્ચા થતી હોય છે. જોકે દરેકના જીવનમાં ભૂલ તો થતી હોય છે.'
ટૉની ગ્રેગે નિર્ણયને આઘાતજનક ગણાવેલો
ગૅબાની એ ટેસ્ટમાં પેસ બોલર જેસન ગિલેસ્પીના બૉલમાં સચિન વિરુદ્ધ એલબીડબ્લ્યૂની જોરદાર અપીલ થતાં બકનરે તેને આઉટ આપી દીધો હતો. સચિને બૉલ છોડી દેવાનો પ્રયાસ કર્યો હતો અને બૉલ તેના પૅડના ઉપરના ભાગ પર લાગ્યો હતો. સચિન આઉટ નહોતો એમ છતાં ઉગ્ર અપીલને વશ થઈને બકનરે તેને આઉટ જાહેર કર્યો હતો. ઍક્શન રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બૉલ જો સચિનના પૅડને ન લાગ્યો હોત તો સ્ટમ્પ્સની ઉપરથી પસાર થઈ ગયો હોત. સ્વ. ટૉની ગ્રેગ ત્યારે કૉમેન્ટેટર હતા અને તેમણે બકનરના આ નિર્ણયને આઘાતજનક ગણાવ્યો હતો. ચાર મૅચવાળી સિરીઝની એ પહેલી મૅચ હતી જેમાં સૌરવ ગાંગુલીએ 144 રન કર્યા હતા અને એ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી.
પાકિસ્તાન સામે પણ ખોટો આઉટ આપેલો
જમૈકામાં રહેતા બકનર 79 વર્ષના છે. તેમણે 1989થી 2009ની સાલ વચ્ચે કુલ 128 ટેસ્ટમાં અમ્પાયરિંગ કર્યું હતું. યોગાનુયોગ, સચિનની કરીઅર પણ 1989માં જ શરૂ થઈ હતી. સચિનને તેમણે ખોટો આઉટ આપ્યો હોવાની 2004ની ઘટના એકમાત્ર નહોતી. 2005માં ઈડન ગાર્ડન્સમાં પાકિસ્તાન સામેની મૅચમાં અબ્દુલ રઝાકના બૉલમાં સચિન વિકેટકીપરના હાથમાં કૅચઆઉટ થયો હોવાની હળવી અપીલ થઈ હતી એમ છતાં બકનરે સચિનને આઉટ જાહેર કરી દીધો હતો. રિપ્લેમાં જોવા મળ્યું હતું કે એ બૉલમાં સચિનના બૅટ અને બૉલ વચ્ચે ઘણું અંતર હતું.

સચિનની રમૂજી ટિપ્પણી
2024માં ખુદ સચિન તેન્ડુલકરે ચાહકો સાથેની ચર્ચા દરમ્યાન અમ્પાયર બકનર સાથેના સંબંધો વિશે પૂછાતાં મજાકમાં કહ્યું, ` હું બૅટિંગ કરતો હતો ત્યારે બકનરને બૉક્સિંગના ગ્વલ્ઝ પહેરવાનું કહેવું જોઈતું હતું (કે જેથી તેમણે મારી વિરુદ્ધની અપીલમાં આંગળી તો ઊંચી ન કરી હોત).'