Fri May 01 2026

Logo

ટૉસ શ્રીલંકા જીત્યું, પણ બાજી મારી ગયા બ્રિટિશરો...

Pallekele   2026-02-22 20:45:51
Author: Ajay Motiwala
Article Image

પલ્લેકેલઃ ટી-20 વર્લ્ડ કપના સહ-યજમાન શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકાએ રવિવારે બપોરે ઇંગ્લૅન્ડ (England) સામે સુપર-એઇટ મુકાબલા માટેનો ટૉસ જીત્યો ત્યારે શ્રીલંકન ટીમમાં અને હજારો પ્રેક્ષકોમાં આનંદ છવાઈ ગયો હતો અને ત્યાર બાદ બ્રિટિશ ટીમે બૅટિંગ મળતાં શરૂઆતથી જ ધબડકો દેખાડીને 20 ઓવરમાં નવ વિકેટે માંડ 146 રન કર્યા ત્યારે પ્રેક્ષકોમાં ખુશીની કોઈ સીમા નહોતી, પરંતુ છેવટે શ્રીલંકા (SriLanka)ની ટીમનો દાવ 95 રનમાં સમેટાઈ ગયો ત્યારે લોકોએ નિરાશ હાલતમાં પાછા જવું પડ્યું હતું. ઇંગ્લૅન્ડની ટીમે આ મૅચ જીતવાની સાથે સુપર-એઇટના ગ્રૂપ-2માં બે પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. આ ગ્રૂપમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડના એક-એક પૉઇન્ટ છે અને શ્રીલંકાનું ખાતું નથી ખૂલ્યું.

શનિવારે કોલંબોમાં વરસાદ પડતાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડની ટીમે એક-એક પૉઇન્ટ વહેંચી લીધો હતો, પરંતુ પલ્લેકેલમાં શ્રીલંકાના હાથમાં એકેય પૉઇન્ટ ન આવ્યો. શનિવારે રાત્રે ખૂબ વરસાદ પડ્યો હતો એમ છતાં રવિવારે મેઘરાજા પણ તેમની વહારે નહોતા આવ્યા. બ્રિટિશ ટીમે લો-સ્કોરિંગ મૅચમાં 51 રનના મોટા માર્જિનથી જીત હાંસલ કરી હતી.

પાંચેય બ્રિટિશ બોલરને વિકેટ મળી

બૅટિંગમાં ઓપનર ફિલ સૉલ્ટ (62 રન, 40 બૉલ, બે સિક્સર, છ ફોર) તેમ જ બોલિંગમાં વિલ જૅક્સ (4-0-22-3), આદિલ રાશીદ (3.4-0-13-2), જોફ્રા આર્ચર (3-0-20-2), લિઆમ ડૉસન (4-0-27-2) અને જૅમી ઓવર્ટન (2-0-13-1)એ દમદાર પર્ફોર્મ કર્યું હતું.

શનાકાના 30 રન ટીમમાં હાઇએસ્ટ

ઇંગ્લૅન્ડ સામે શ્રીલંકાને માત્ર 147 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ દાસુન શનાકાની ટીમ 100 રન પણ ન બનાવી શકી અને 16.5 ઓવરમાં ફક્ત 95 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. શનાકાના 30 રન ટીમમાં હાઇએસ્ટ હતા.

બોલર્સની મહેનત પર બૅટ્સમેનોએ પાણી ફેરવ્યું

એ પહેલાં, ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં સૉલ્ટની હાફ સેન્ચુરીને બાદ કરતાં બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન પણ નહોતો કરી શક્યો. બ્રિટિશ ટીમે ચોથી ઓવરથી જ વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું અને સમયાંતરે વિકેટ ગુમાવી હતી. 19મી ઓવરના છેલ્લા બૉલમાં આઠમી તથા નવમી વિકેટ તેમણે ગુમાવી હતી. દાસુન શનાકાના સુકાનમાં શ્રીલંકન ટીમે બોલિંગમાં અસરદાર પર્ફોર્મ કર્યું હતું. તમામ દુશાન હેમન્થાને બાદ કરતા બાકીના ચારેય બોલરને વિકેટ મળી હતી જેમાં સ્પિનર દુનિથ વેલાલાગેએ સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી. જોકે પછીથી શ્રીલંકાના જ બૅટ્સમેનોએ દાટ વાળ્યો હતો.