Tue Aug 18 2026

Logo

કથા કોલાજઃ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીશ એવું મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું

2026-07-30 08:52:00
Author: Kajal oza Vaidya
Article Image

 

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 1)
નામ: સ્નેહલતા 
સમય: 2026 
સ્થળ: બાંદ્રા, મુંબઈ
ઉંમર:  71 વર્ષ

ગુજરાતી સિનેમાનો ત્યારે સુવર્ણ યુગ હતો. લોકકથાઓ અને લોકસાહિત્ય પર આધારિત સુંદર ફિલ્મો બનતી. ગુજરાતી ફિલ્મનું સંગીત સૌરાષ્ટ્રના ઘરઘરમાં ગુંજતું... 1974થી 1990 સુધીના સમયમાં 85થી વધુ ફિલ્મોમાં એક જ નામ લોકોને હૈયે વસતું હતું, `સ્નેહલતા'. આજે બાંદરાના મારા સુંદર ઘરમાં બેસીને મુંબઈ શહેરનું અર્બન ફેબ્રિક જોઉં છું ત્યારે મને જ મારો ભૂતકાળ જાણે પાછલા જન્મમાં જીવાયેલી જિંદગી હોય એવો લાગે છે. આજની ગુજરાતી ફિલ્મો સાવ જુદી છે. શહેરી વાર્તાઓ, આધુનિક પાત્રો અને અવનવા પ્રયોગો સાથે બની રહેલી ગુજરાતી ફિલ્મો જોઉં છું ત્યારે મને મારા સમયની ફિલ્મો યાદ આવે છે. 

ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ અને લોકસાહિત્યની, લોકજીભે સચવાયેલી કથાઓને ફિલ્મના પડદે ઉતારીને અમર કરવાનું કામ એ સમયના નિર્માતા અને દિગ્દર્શકોએ કર્યું. એમાંની કેટલીક ફિલ્મો લોકોને આજે પણ યાદ છે. શેઠ સગાળશા (1975), નાટક (1975), ભાદર તારાં વહેતાં પાણી (1976), હલામણ જેઠવો (1977), સદેવંત સાવળિંગા (1977), પાતળી પરમાર (1978), મોટા ઘરની વહુ (1978), ગરવો ગરાસિયો (1979), કોઈનું મીંઢળ કોઈના હાથે (1979), મેહંદીનો રંગ (1981), ભવ ભવના ભેરુ (1981), રાણી રિક્ષાવાળી (1982), ઢોલા મારુ (1983), સંપૂર્ણ મહાભારત (1983) - જેમાં મેં દ્રૌપદીની યાદગાર ભૂમિકા ભજવી હતી. 

હિરણને કાંઠે (1984), નાગમતી નાગવાલો (1984), મચ્છુ તારાં વહેતાં પાણી (1984), મેરૂ માલણ (1985), ભગવાન શ્રી કૃષ્ણ (1985) - રાધા તરીકેની ભૂમિકા, મોતી વેરાણા ચોકમાં (1987), પારસ પદમણી (1987) જેવી અનેક ફિલ્મોમાં જાતજાતનાં પાત્રો ભજવ્યાં. ગરબા, ફાઇટના, ઇમોશન અને સુખદુ:ખના અનેક સીન કર્યા. સાચું કહું તો આ બધાં પાત્રોને હું સદેહે જીવી છું. 

ગુજરાતના ધોમધખતા ઉનાળામાં ગામડાનાં ખેતરો અને ધૂળ વચ્ચે 10થી 15 કિલોના ઘાઘરા પહેરીને નૃત્ય કર્યું છે. સાચેસાચ ઘોડા પર સવારી કરી છે, 10-10 કિલોની તલવાર ઉપાડી છે, હાથમાં દીવા પકડીને નૃત્ય કર્યું છે... અનેક અકસ્માતો અને ભયાનક ક્ષણોનો સામનો કર્યો છે. મારો આ પ્રવાસ બહુ રસપ્રદ રહ્યો છે. સંતોષકારક અને સ્નેહાળ પણ રહ્યો છે. સહકલાકારોએ ખૂબ સહકાર આપ્યો અને ફિલ્મના દર્શકો, ચાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો. એક વ્યક્તિને પોતાની જિંદગીમાં જે કંઈ ઝંખના હોય એ બધી જ પૂરી થઈ છે એમ કહું તો હું જરાય ખોટું નથી કહેતી.

આજે, હું ભાગ્યે જ જાહેર કાર્યક્રમોમાં, ફિલ્મી, ટીવી સિરિયલ કે પાર્ટીમાં જાઉં છું. મારી દીકરી તૃષ્ણા મારો સૌથી મોટો સહારો છે. મારા પતિ સોહનલાલ કંવર 1989માં અમને બંનેને છોડીને ચાલી ગયા. એ પછી મારે માટે ફિલ્મી દુનિયામાં રહેવું નીરસ બની ગયું. અત્યાર સુધી જે ફિલ્મી કારકિર્દી મારા માટે મારા અસ્તિત્વનો પર્યાય હતી એ જ ફિલ્મી કારકિર્દીથી મુક્ત થઈ જવાનું મને યોગ્ય લાગ્યું... હું હવે શાંત અને એકાંત જીવન વિતાવું છું. 

ઘણી વાર ધારાવાહિક કે ટીવી સિરિયલમાંથી ઑફર આવે છે, પરંતુ એક શાંત અને નિરાંતની જિંદગી જીવ્યા પછી આ નવા સમયના કલાકારો, નવી સિસ્ટમ અને મોડર્ન જમાનાની વાર્તાઓ સાથે કદાચ હું ગોઠવાઈ ન શકું એવા વિચારથી મેં પાછા નહીં ફરવાનું જ નક્કી કર્યું છે. આ મારો સંકોચ હોઈ શકે. ઘણા મિત્રો અને પરિવારની વ્યક્તિઓ મને કહે છે કે મારે ફરી એક વાર ફિલ્મી કારકિર્દી, ટેલિવિઝન વિશે વિચારવું જોઈએ, પરંતુ હવે કદાચ એવું નહીં બને. મારા વિશે ઇન્ટરનેટ પર પણ વધુ માહિતી ઉપલબ્ધ નથી. 

કારકિર્દી દરમિયાન મેં બહુ ઇન્ટરવ્યૂ પણ નથી આપ્યા. હું સ્વભાવે જ થોડી ઇન્ટ્રોવર્ટ અને ચૂપ રહેનારી વ્યક્તિ છું. સેટ ઉપર પણ હું ઓછું જ બોલતી. જોકે, ઉપેન્દ્રભાઈ અને નરેશભાઈ સાથેની મારી જોડી સતત લોકપ્રિય રહી. ક્યારેક તો લોકો માનતા કે અમે સાચે જ પતિ-પત્ની છીએ... ગામડામાં જ્યારે અમે કાર્યક્રમોમાં હાજરી આપતા ત્યારે લોકો પૂછતા, `ઉપેન્દ્રભાઈ નથી આવ્યા?' મને હસવું આવતું. ઉપેન્દ્રભાઈ ક્યારેય મને એકવચની નામે બોલાવતા નહીં. એ હંમેશાં સ્નેહલતાબેન કહીને સંબોધતા. સેટ ઉપર પરસ્પરના આદરને કારણે જ અમે એકબીજા સાથે આટલી ફિલ્મો કરી શક્યાં. 

ઉપેન્દ્રભાઈનું વાંચન ગજબ હતું. કોઈ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ એમની પાસે આવે ત્યારે લોકકથા આધારિત ફિલ્મ હોય તો ઉપેન્દ્રભાઈ એમાં પોતાનું જ્ઞાન ચોક્કસ ઉમેરતા. અમે જ્યારે પ્રથમ ફિલ્મ સાથે કરી, 1974માં `હોથલ પદમણી' ત્યારે ઉપેન્દ્રભાઈએ મને ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષા સાથે જોડાયેલી લોકવાર્તાઓની ઓળખ કરાવી. હું ગુજરાતી બોલી શકતી નહીં, પરંતુ ઉપેન્દ્રભાઈએ મારા સંવાદોની લઢણ અને ભાષા બંનેને સુધારવામાં મારી ખૂબ મદદ કરી. ઉપેન્દ્રભાઈ સાથે મેં લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યું. 

એક જૂના કૅમેરામૅન પ્રતાપ દવેએ એમના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, `ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા વચ્ચે ઘણી વાર સંવાદ કરતાં વધુ આંખો બોલતી. દિગ્દર્શક `ઍક્શન' બોલે પછી બંને કલાકારો એકબીજાને જોતાં અને પછી જ સંવાદ શરૂ કરતાં. આ કારણે તેમના પ્રેમ અને વિરહનાં દૃશ્યો અત્યંત સ્વાભાવિક લાગતાં. અનેક દિગ્દર્શકો આ જોડીને `એક ટેકની જોડી' કહેતા. જૂના નિર્માતાઓ આજે પણ કહે છે કે `સ્નેહલતા મેકઅપ કરીને અને સંવાદો યાદ કરીને સેટ પર પહોંચતાં. ઘણી વાર લાઇટિગ તૈયાર થવાની રાહ તેઓ પુસ્તક વાંચીને કે સંવાદો ફરી દોહરાવીને પસાર કરતાં. `સ્ટાર' તરીકે રાહ જોવડાવવાની તેમની ટેવ નહોતી.' 

મેં મારી કારકિર્દીની શરૂઆત મરાઠી નાટકોથી કરી. મારા પિતા મરાઠી રંગભૂમિ અને ફિલ્મોમાં નાનામોટા રોલ કરતા. હું બાળક તરીકે એમની આંગળી પકડીને એમના રિહર્સલમાં અને નાટકો જોવા જતી. એ જ સમયથી મારા મનમાં કદાચ અભિનયનાં બીજ રોપાઈ ગયાં હશે! રંગભૂમિની આવક અનિયમિત હોય. નાટક હોય, સારું ચાલતું હોય ત્યારે ખૂબ પૈસા આવે, પરંતુ ક્યારેક એવું બને કે છ-છ મહિના સુધી મારા પિતા પાસે કામ ન હોય. 

એવા સમયમાં મારા પિતા મને વાર્તાઓ કહેતા. અમે બંને રામાયણ, મહાભારત અને પુરાણોની વાર્તાઓનાં પાત્રો બનીને અભિનય કરતાં... મારા બાબા (પિતા) સાથેની મારી સ્મૃતિઓ બહુ મીઠી છે. મારી મા ઇચ્છતી હતી કે હું ભણું, ડૉક્ટર કે એન્જિનિયર બનું, પરંતુ મારા પિતા બરાબર જાણતા હતા કે મારો રસ અભિનયમાં છે. લગભગ 12 વર્ષની ઉંમરે એમણે પહેલીવાર મને એમના એક મિત્ર, નિર્માતાની ઓળખાણ કરાવી. વિજય ભટ્ટ, એ સમયના ખૂબ જાણીતા નિર્માતા હતા. મારા પિતા પહેલાં એમની સાથે કામ કરી ચૂક્યા હતા. 

વિજય ભટ્ટની એક ફિલ્મ `રામ રાજ્ય' બની રહી હતી. એમને એક નાનકડી પણ નોંધપાત્ર ભૂમિકા માટે ન બાળકી, ન યુવતિ એવી એક મહિલા કલાકારની જરૂર હતી. વિજય ભટ્ટે જોતાં જ મને પસંદ કરી લીધી. એ ફિલ્મથી મારી અભિનય કારકિર્દીની શરૂઆત થઈ. આજે એ બધા જ દિગ્દર્શકો, નિર્માતા અને કૅમેરામેનનો આભાર માનવાની ઇચ્છા થાય કે એમણે મારા અભિનયના પ્રવાસમાં કેટલું બધું શીખવાડ્યું. 

વિજય ભટ્ટ દરેક દૃશ્યને વિસ્તૃત રીતે સમજાવતા. દૃશ્યની આગળ અને પાછળ શું હશે એનો પણ ખ્યાલ આપતા. એને કારણે એક અભિનેતા માટે દૃશ્ય ભજવવું બહુ જ સરળ બની જતું. `મેરે હમદમ મેરે દોસ્ત' (1968)ના નિર્માતા કેવલ કુમાર અને દિગ્દર્શક અમર કુમાર `તુમસે અચ્છા કૌન હૈ' (1969) નિર્માતા અને દિગ્દર્શક પ્રમોદ ચક્રવર્તી, `ચિરાગ' (1969) નિર્માતા પ્રેમજી અને દિગ્દર્શક રાજ ખોસલા હતા. ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીશ એવું તો મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું... મારે દૂર દૂર સુધી ગુજરાતી ભાષા સાથે કોઈ લેવાદેવા જ નહોતી!  (ક્રમશ:)