Wed Aug 19 2026

Logo

કથા કોલાજઃ આપણે જે ન વિચાર્યું હોય એ થાય એનું જ નામ જિંદગી

2026-08-06 08:33:00
Author: Kajal oza Vaidya
Article Image

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 2)
નામ: સ્નેહલતા 
સમય: 2026 
સ્થળ: બાંદ્રા, મુંબઈ
ઉંમર: 71 વર્ષ

આજે 71 વર્ષની ઉંમરે જ્યારે મારી જિંદગી વિશે વિચારું છું ત્યારે સમજાય છે કે હું જે સમયમાં જીવી એ માત્ર મારો જ નહીં, ગુજરાતી ફિલ્મોનો પણ ઉત્તમ સમય હતો. પ્રાદેશિક ભાષાની ફિલ્મો એ સમયમાં ખૂબ ચાલતી. મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોની બૉક્સ ઑફિસ છલકાતી. પ્રેક્ષકોને પોતાની માતૃભાષાનો ગર્વ હતો. ત્યારે મરાઠી અને ગુજરાતી મીડિયમની શાળાઓ પણ ખૂબ હતી. ઘરમાં પણ માતૃભાષા બોલાતી. 

આજે માતૃભાષાનું મહત્ત્વ ઘટતું જાય છે. બાળકોને પોતાની સભ્યતા, એમની ધરતીની વાર્તાઓ સાથે અનુસંધાન નથી રહ્યું. બધાં જ બાળકો સિન્ડ્રેલા અને પિનોકિયો વિશે જાણે છે, પરંતુ એ સમય શેઠ સગાળશા અને ચેલૈયાની કથાઓનો હતો. પોતાનાં માતા-પિતાની પ્રતિષ્ઠા માટે માથું કપાવી નાખનાર દીકરો સૌરાષ્ટ્રની ધરતી પર પાક્યો કે આકાશમાંથી આવેલી અપ્સરા હોથલ પદમણી, આજે હિન્દી ફિલ્મ ‘પહેલી’ જેના પરથી બની એ ફિલ્મ ‘વીર માંગડાવાળો’ કે ‘હમ દિલ દે ચૂકે સનમ’નું મૂળ જ્યાંથી મળે છે એ, ‘દેવરો અને આણલદે’ની કથા ‘શેતલને કાંઠે’ જેવી વાર્તાઓ એ સમયે સિનેમાની કથાઓમાં વણી લેવામાં આવતી. 

બાળકોને શૌર્ય, સત્ય અને સ્નેહના પાઠ ભણાવવાનું કામ સિનેમાની વાર્તાઓ પણ કરતી... આજની વાત જુદી છે! આજે હિન્દી સિનેમા કે ઓટીટી પર જે કથાઓ કહેવામાં આવે છે એને આપણા મૂળ સાથે ઝાઝો સંબંધ નથી. યુવા માનસને વિદેશી માનસિકતા, શરાબ, સિગરેટ તરફ ધકેલવાનું કામ મનોરંજનનાં દરેક માધ્યમ આજે કરી રહ્યાં છે. ક્યારેક એવું પણ લાગે છે કે મેં સમયસર આ મનોરંજનનું વિશ્વ છોડી દીધું એ સારું જ થયું, કારણ કે મારા સ્વભાવ મુજબ હું કદાચ આવી ફિલ્મો ન કરી શકી હોત! હું સ્વભાવે શરમાળ અને ઓછાબોલી છું. 

આજે પણ મને જાહેરજીવન બહુ ગમતું નથી અને ત્યારે પણ ફિલ્મોમાં હોવા છતાં મેં મારા અંગત જીવનને મારા સ્ક્રીન જીવનથી જુદું જ રાખ્યું... એ વખતે મેકઅપ વાન નહોતી. ઍરકન્ડિશન મેકઅપ રૂમ પણ બહુ મોડા આવ્યા. લકી અને લક્ષ્મી સ્ટુડિયોમાં સેટ લાગતા. આઉટડોર માટે સાચાં ગામડાં કે ખેતરો, નદી કિનારે રેતીમાં નૃત્ય કરવું પડતું... તડકામાં રિફ્લેક્ટર્સની સામે કલાકો કામ કરવું પડતું તેમ છતાં ગુજરાતી ફિલ્મોનો એ સુવર્ણ યુગ હતો. ફિલ્મોમાં એટલા બધા પૈસા નહોતા, પરંતુ પ્રેક્ષકોનો પ્રેમ અને લોકપ્રિયતા અદ્ભુત હતી.

હું ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીશ એવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું, પરંતુ આપણે જે ન વિચાર્યું હોય એ થાય એનું જ નામ જિંદગી. 1969માં હેમંત કુમાર દિગ્દર્શિત એક ફિલ્મ ‘ખામોશી’માં મને મહત્ત્વનો રોલ મળ્યો. રાજેશ ખન્ના પોતાના સુપર સ્ટાર્ડમના રસ્તે આગળ વધી રહ્યા હતા ત્યારે એક સાયકોલૉજિકલ વિષય પર આધારિત આ ફિલ્મમાં રાજેશ ખન્નાની હિરોઈન તરીકે હેમંત કુમારે મને સાઇન કરી, પરંતુ રોલ નેગેટિવ હતો... હું ડરતી હતી. 

બહુ મોટી સ્ટાર નહોતી ત્યારે, પરંતુ હિન્દી સિનેમાની એક ફિતરત છે જે વ્યક્તિ જે રોલ કરે એમાં ટાઇપ કાસ્ટ થઈ જાય. મને લાગતું હતું કે પછી મને માત્ર નેગેટિવ્ઝ રોલની ઑફર આવશે, પરંતુ હેમંત કુમારજીએ મને સમજાવી, મેં ‘ખામોશી’ ફિલ્મમાં વહીદા રહેમાન, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર જેવા દિગ્ગજ કલાકારો સાથે અભિનય કર્યો એટલું જ નહીં, ગુલઝાર સાહેબનું લખેલું ગીત ‘હમને દેખી હૈ ઇન આંખો કી મહેકતી ખુશ્બૂ...’ મારા ઉપર ફિલ્માવવામાં આવ્યું. 

સૌએ એ અભિનય અને ફિલ્મની ખૂબ સરાહના કરી. મારી એક આગવી ઓળખ ઊભી થઈ. ફિલ્મોમાં કામ મળવા લાગ્યું, પરંતુ મેં કહ્યું તેમ ધીરે ધીરે નેગેટિવ રોલ્ઝની ઑફર વધવા લાગી. જોકે, કામની જરૂર હતી, એટલે ઑફર નકારવાને બદલે મેં હિન્દી ફિલ્મો સ્વીકારવાનું શરૂ કર્યું. ’69 પછી તુમસે અચ્છા કૌન હૈ (1969) - શમ્મી કપૂર અને બબીતા સ્ટારર. એક શ્રીમાન એક શ્રીમતી (1969) - શશી કપૂર અને શારદા અભિનીત કૉમેડી. ચિરાગ (1969) - સુનીલ દત્ત અને આશા પારેખની મુખ્ય ભૂમિકા. બહરૂપિયા (1971) - ફીરોઝ ખાનની. બે-ઈમાન (1972) - મનોજ કુમાર અને રાખીની સુપરહિટ. જેમાં મારી અને રાજ મેહરાની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય રહી હતી. 

બિજલી (1972) - એક સામાજિક ડ્રામા.  જય હનુમાન (1973) - પૌરાણિક. કોરા આંચલ (1973) - રોમેન્ટિક ડ્રામા જેવી ફિલ્મો મળી રહી હતી, પરંતુ હિરોઈન અથવા મુખ્ય ભૂમિકાની કોઈ ઑફર આવતી નહોતી. એક સારી અભિનેત્રી તરીકે લોકો ઓળખવા લાગ્યા હતા, પરંતુ મારે તો મુખ્ય ભૂમિકા ભજવવી હતી-હિરોઈન બનવું હતું. હિન્દી સિનેમામાં એ સમયે હિરોઈનનો રોલ મળવો સરળ નહોતો. હેમામાલિની ડ્રીમ ગર્લ તરીકે જાણીતાં હતાં, મુમતાઝ, શર્મિલા ટાગોર, જયા ભાદુરી અને આશા પારેખનો એ સમય હતો. 

’71માં ઝીનત અમાન, પરવીન બાબી અને ’73માં ડિમ્પલ કાપડિયા પણ હિન્દી સિનેમામાં પદાર્પણ કરી ચૂક્યાં હતાં. વેસ્ટર્ન લુકની, બોલ્ડ અભિનેત્રીઓનો સમય શરૂ થયો હતો. અંગ પ્રદર્શન માટે હું જરાય તૈયાર નહોતી. ધીરે ધીરે હિન્દી સિનેમાની રૂખ બદલાઈ રહી હતી. જે પ્રકારની વાર્તાઓ અને વાર્તાની ડિમાન્ડ હતી એ હું કરી શકું એમ ન હતી. વળી મારો દેખાવ, ચહેરો, સંસ્કાર અને અભિનયશૈલી પણ ખૂબ પારંપારિક અને ભારતીય હતાં. હવે શું કરવું, એ વિચારે હું મૂંઝવણમાં હતી. ત્યાં જ જાણીતા દિગ્દર્શક રવીન્દ્ર દવે મને મળવા આવ્યા.

એ ગુજરાતી ફિલ્મ ‘રાજા ભરથરી’ની ઑફર લઈને આવ્યા હતા. એમણે ‘જેસલ તોરલ’ નામની સુપરહિટ ફિલ્મ બનાવી હતી. એ નવી ફિલ્મ બનાવી રહ્યા હતા. ગોરખનાથના શિષ્ય રાજા ભરથરીના જીવન પર આધારિત કથા હતી. ભારતીય શાસ્ત્રોમાં ભરથરીનું નામ જાણીતું છે. ‘શૃંગાર શતક’, ‘નીતિ શતક’ અને ‘વૈરાગ્ય શતક’ની રચના ભર્તૃહરિએ કરી છે. એમને સૌરાષ્ટ્રની લોકવાર્તાઓમાં ‘ભરથરી’ તરીકે ઓળખવામાં આવે છે. એમની જીવનકથા પર આધારિત ફિલ્મમાં એમની રાણી પિંગળાના પાત્રમાં મને પસંદ કરવામાં આવી. મારી સાથે જયશ્રી ટી. અને ઉપેન્દ્ર ત્રિવેદી હતાં. ગુરુ ગોરખનાથના રોલમાં એમના મોટા ભાઈ અરવિંદ ત્રિવેદી હતા જે પછીથી રાવણના રોલમાં ખૂબ પ્રસિદ્ધ થયા. 

એ વખતે ગુજરાતી સંવાદો બોલવામાં મને ઘણી તકલીફો પડતી હતી, પરંતુ રવીન્દ્ર દવે, ઉપેન્દ્રભાઈ અને ખાસ કરીને રમેશ મહેતા જેવા સહકલાકારોની મદદથી હું એ ફિલ્મ કરી શકી. મારા ગુજરાતી ઉચ્ચારો એટલા સારા ન હોવા છતાં ‘રાજા ભરથરી’ ખૂબ હિટ થઈ.
 
અવિનાશ વ્યાસનું ગીત ‘ભેખ રે ઉતારો રાજા ભરથરી...’ અને ‘પહેલા પહેલા જુગમાં રાણી’ ગીતો ખૂબ લોકપ્રિય થયાં. એ ફિલ્મ પછી રવીન્દ્ર દવે મારી પાસે ‘હોથલ પદમણી’નો વિષય લઈને આવ્યા. મને લાગતું હતું કે એકાદ ગુજરાતી ફિલ્મ સુધી બરાબર છે, પરંતુ ગુજરાતી સિનેમામાં મારી કારકિર્દી નથી... અન્ય કલાકારોની જેમ મને પણ હિન્દી સિનેમાનો મોહ હતો. અરવિંદ ત્રિવેદીએ એ વખતે મને ખૂબ સુંદર સલાહ આપી. 

મને આજે પણ એમનાં એ વાક્યો યાદ છે. એમણે કહ્યું હતું કે ‘મોટા રાજાના ખંડિયા રાજા થવા કરતાં આપણું નાનું છતાં, સ્વતંત્ર રજવાડું વધુ મહત્ત્વનું છે.’ મને વાત સાચી લાગી. મેં ‘હોથલ પદમણી’ની ઑફર પણ સ્વીકારી લીધી. સ્વર્ગમાંથી આવેલી અપ્સરા, એને પ્રેમ કરતો રાજા અને બંનેના પ્રણય વચ્ચેની શરત સાથે બનાવવામાં આવેલી આ અદ્ભુત પ્રેમકથાને પણ અપ્રતિમ લોકપ્રતિસાદ મળ્યો. 

મને લાગ્યું કે ગુજરાતી ફિલ્મોમાં જ મારું ભવિષ્ય છે. ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકોએ મને આવકારી, સ્વીકારી અને ભરપૂર સ્નેહ આપ્યો ને મેં પણ સ્વયંને ગુજરાતી ફિલ્મોના ચરણમાં સમર્પિત કરી દીધી. એ પછી મેં ગુજરાતી શીખવાનું શરૂ કર્યું. ગુજરાતી ભાષાના શિક્ષક રાખ્યા, જે મને સ્પષ્ટ ઉચ્ચારો અને ચોખ્ખું ગુજરાતી બોલતાં શીખવવા લાગ્યા.

‘હોથલ પદમણી’ પછીની કારકિર્દી જે રીતે સડસડાટ આગળ વધી એ મારો ગુજરાતી ભાષા સાથેનો ઋણાનુબંધ હશે! 1973થી લગભગ 1980 સુધી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મેં અસંખ્ય ફિલ્મો કરી. 

1980 પછી ઉપેન્દ્ર ત્રિવેદીને રાજકારણમાં રસ પડ્યો. એમણે એમએલએ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો ત્યારે અમારી જોડી તૂટી. હું વિચારતી હતી કે હવે શું કરવું, ત્યાં વળી નસીબે મને એક નવી દિશા ઉઘાડી આપી.  (ક્રમશ:)