જ્યોત્સના તન્ના
વિરાટ રાજાની રાણીએ શૃંગારદાસી સૈરન્ધ્રી તરીકે ગુપ્ત વેશે આવેલ દ્રૌપદીને જોઈને તરત પૂછી લીધું, ‘તું કોણ છે, ભદ્રે, દાસી તો ન જ હોય. તું યક્ષી છે, દેવી છે, ગાંધર્વી છે કે અપ્સરા? તું કોણ છે?’ આ જ દાસીવેશમાં મ્લાન દ્રૌપદીને જોઈને વિરાટ રાજાનો સેનાધિપતિ કીચક મુગ્ધ બની ગયો, પૂછ્યું, ‘હે શુભે, દેવરૂપા અને હૃદયને ગમી જાય એવી તું કોણ છે?’ સિંધુરાજ જયદ્રથનો દૂત કોટિકાસ્ય પણ વનમાં દ્રૌપદીને જોઈને પોતાના રાજા વતી પૂછી બેઠો, ‘આવી દેહકાંતિથી ઝગમગતી અનુપમ રૂપવતી વીજળી જેમ નીલ મેઘને પ્રકાશમાન કરે, તેમ વનને શોભાવતી તું કોણ છે? પવનથી ડોલતી ઝગમગતી અગ્નિજવાળા જેવી તું દેવી છે, દેવપત્ની છે કે વળી નાગરાજકન્યા છે?’ પોતે કોણ છે એ જાણવા મથતી દ્રૌપદીની કથા ઘણી લાંબી છે.
દ્રૌપદીને સમજવા તેની કથા જ્યાંથી શરૂ થાય છે તે મહાગ્રંથ મહાભારતમાં જવું પડે. ત્યાર પછી આ અનોખી સ્ત્રીની વાત આખાયે દેશમાં જુદી જુદી રીતે ફેલાઈને આપણી સમક્ષ આવે છે. પૌરાણિક ગ્રંથો, બૌદ્ધ અને જૈન પરંપરાઓ, લોકકથાઓ, ઉપકથાઓ હોય કે મૂળ સંસ્કૃત મહાભારતની સ્થાનિક આવૃત્તિઓ હોય- દ્રૌપદીનું પાત્ર આપણી સામે અનેક રૂપે આવે છે અને આ પાત્ર આપણી સમક્ષ સમકાલીન પણ બની રહે છે. દ્રૌપદીની વ્યથા અને વેદનાની વાત- એક સ્ત્રીની વાત રૂપે સમગ્ર ભારતીય સ્ત્રી સમાજમાં અપનાવાઈ ગઈ છે. સમકાલીન સાહિત્યકારોએ આ વાત પોતપોતાની રીતે મૂલવી છે.
કોણ હતી આ દ્રૌપદી? જ્યાંથી હજી ઈતિહાસ અને દંતકથા જુદાં પડ્યાં નથી તે અતિ પ્રાચીન સમયના ધૂંધળા વાતાવરણમાં એક પાત્ર વિશેષ રૂપથી દેદીપ્યમાન છે, તે છે દ્રૌપદી. યુગોથી તેનું નામ વીસરાયું નથી. પરંપરાથી ભારતની પાંચ મહાસતીઓમાં તેનું નામ આજે પણ પ્રાત: સ્મરણીય લેખાય છે. અહલ્યા, સીતા, તારા અને મંદોદરી સાથે દ્રૌપદી એ પાંચ મહાસતીઓ છે, જેનાં નામ સ્મરણથી પાપ નાશ પામે છે. (ક્રમશ:)