હેમંત વાળા
શ્રીકૃષ્ણનાં ભક્તોને, ગોપીઓને, રાધાને તેઓ રોજ નવીન જાણાય. આ વાત સ્વાભાવિક પણ છે, આમ થવું જ જોઈએ, પરંતુ વાસ્તવિકતામાં શું શ્રીકૃષ્ણ રોજ નવાં હશે, તેવો પ્રશ્ન કોઈકને ઉદ્ભવી શકે. આ પ્રશ્નનો જવાબ ત્રણ સ્તરે આપી શકાય. પ્રથમ, વાસ્તવિક સ્થૂળ ભૌતિકતાના સ્તરે, બીજું, ભાવનાત્મક સમીકરણને આધારે અને ત્રીજું, સૃષ્ટિના સ્વરૂપના સંદર્ભમાં.
બની શકે કે રોજ શ્રીકૃષ્ણ જુદો જ પરીવેશ, જુદો જ શણગાર, પરિધાનની જુદી જ શૈલી અપનાવતા હોય; જેને કારણે તેમનામાં નીત નવીનતા પ્રતીત થતી હોય. જો આ બધાંમાં આટલો બદલાવ શક્ય ન જણાય તો સંભવિત છે કે તેમનાં રોજબરોજના કર્મમાં, લીલામાં વ્યાપક ભિન્નતા હોય. આને કારણે પણ પ્રત્યેક દિન શ્રીકૃષ્ણનું સ્વરૂપ ભિન્ન એટલે કે નવું જણાય. એ પણ બની શકે કે શ્રીકૃષ્ણ દરરોજ ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં ઉપસ્થિત રહેતાં હોય અને તેની અસર શ્રીકૃષ્ણની અનુભૂતિ પર થતી હોય. પરિણામે પ્રત્યેક દિવસે શ્રીકૃષ્ણ નવીન જણાય. ભૌતિક સ્તરે તેમના નૃત્યની, વાંસળીના સંગીતની કે વાણીની મધુરતાની પણ વાત થઈ શકે. આ બધું પણ રોજ નવીન સ્વરૂપ ધારણ કરતું હોઈ શકે. તેમનું સ્મિત પણ રોજ નવું જણાતું હશે.
ભાવનાત્મક દૃષ્ટિએ કૃષ્ણ ભક્તિનું એક એવું અમૃત છે કે જેનો સ્વાદ દરેક દિવસે વધુ મધુર બનતો જાય. રોજ નવા જ પ્રકારની કૃપા, તે કૃપા સાથે ભળેલી નવા જ પ્રકારની પ્રેરણા અને શાંતિ, રોજ ઉભરતી નવા જ પ્રકારની પ્રેમમય લાગણી, આ લાગણીના પ્રવાસમાં રોજ અનુભવાતું વિશેષ સામીપ્ય, રોજ અસ્તિત્વમાં આવતું ભક્તિનું નવું જ સ્વરૂપ અને તેનાંથી ઊભરતી આનંદની નવાં જ પ્રકારની લહેર, આધ્યાત્મિક અનુભૂતિમાં રોજ પ્રતિત થતું નવું ઊંડાણ તેમજ તાજગી, શ્રીકૃષ્ણના અસ્તિત્વમાં રોજ અનુભવાતી નવી જ રસિકતા તેમજ સુંદરતા અને આ બધાં સાથે શ્રીકૃષ્ણ પ્રત્યેનાં પ્રેમ-સમર્પણ માટે ઊભરતી નવી ઊર્જા; સ્વાભાવિક છે કે આ બધી ભાવનાત્મક બાબતોને કારણે શ્રીકૃષ્ણ ‘દિને દિને નવં નવં’ જણાય.
કહેવાય છે કે જ્યારે ભક્ત પોતાનાં ઈશ્વરને-શ્રીકૃષ્ણને સાચા હૃદયથી યાદ કરે છે ત્યારે આપોઆપ ભક્તના જીવનમાં નવાં નવાં આધ્યાત્મિક અનુભવ થતાં રહે. એમ કહી શકાય કે શ્રીકૃષ્ણની કૃપા દ્વારા હૃદયમાં જે શાંતિ, સંતોષ, આનંદ તથા જ્ઞાનની અનુભૂતિ થાય તેનાથી પણ નવીન સકારાત્મક સંભાવના ઊભી થતી રહે.
શ્રીકૃષ્ણની લીલા અનંત છે, તેથી તેની અનુભૂતિમાં ભિન્નતાની સંભાવના છે. શ્રીકૃષ્ણનું સ્વરૂપ, ગીતાનાં વિશ્વરૂપ-દર્શન અનુસાર, અવર્ણનીય રીતે વ્યાપક અને વિસ્તૃત છે, તેથી સ્વાભાવિક રીતે તેમાં રહેલી વિવિધતા સમગ્રતામાં ક્યારેય ધ્યાનમાં ન આવે અને પરિણામે વિવિધ ‘દર્શન’ થતાં રહે. શ્રીકૃષ્ણની કરુણા અખૂટ છે, તે દયાનિધી છે, જેને કારણે પણ તેમની કૃપામાં અકલ્પ્ય વિકલ્પો હોય છે. શ્રીકૃષ્ણ સ્વયં અસીમિત છે, જેનાં વિશે કોઈપણ સીમિત અસ્તિત્વ સંપૂર્ણતામાં તારણ ન બાંધી શકે. આવી અદ્ભુત ઐશ્વરિય વિવિધતાને કારણે શ્રીકૃષ્ણ ‘દિને દિને નવં નવં’ પ્રતીત થાય તે સ્વાભાવિક છે.
ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે તેમની પ્રકૃતિ આઠ સ્વરૂપોમાં વિભાજિત થયેલી છે, અર્થાત્ શ્રીકૃષ્ણ અને પ્રકૃતિ સમન્વયિત છે. પ્રકૃતિ પોતાનું સ્વરૂપ રોજ રોજ બદલે છે. આજે જે વૃક્ષ છે તેમાંથી કાલે બીજ પ્રગટ થશે, તે બીજને રોપવાથી તે અંકુરિત થશે, પછી છોડ અને સંપૂર્ણ વૃક્ષનું સ્વરૂપ ધારણ કરશે. ફરીથી તેમાંથી બીજ પ્રાપ્ત થશે. અહીં એક પણ સમયે એવો નહીં હોય કે જ્યારે પરિસ્થિતિ, જેમની તેમ, ફરીથી સ્થાપિત થાય.
બદલાવ સ્વાભાવિક છે. બદલાવ કુદરતી છે. બદલાવ શાશ્વત છે. બદલાવ સત્ય છે. બદલાવ પ્રત્યેક ક્ષણે છે. બદલાવ નિરંતર છે. બદલાવ સમગ્રતામાં છે અને અંશમાં પણ છે. પ્રકૃતિનું સ્વરૂપ ક્ષણે ક્ષણે બદલાતું હોવાથી એમ ચોક્કસ કહી શકાય કે પ્રત્યેક ક્ષણે તે નવીનતા ધારણ કરે છે. પ્રત્યેક ક્ષણે તે ‘નવં નવં’ હોય છે. જો પ્રકૃતિની આ પ્રકૃતિ હોય તો શ્રીકૃષ્ણ વિશે પણ તેમ કહી શકાય.
ભૌતિક સ્તરે જે નવીનતા અનુભવવામાં આવે તેમાં એક પ્રકારની વાસ્તવિકતાને આધારે ભક્તિમાં આગળ વધી શકાય, જ્યાં પ્રેમમય સેવાનું મહત્ત્વ રહે. જ્યારે નવીનતા ભાવનાત્મક હોય ત્યારે શ્રદ્ધા, વિશ્વાસ તથા સમર્પણ દૃઢ બને. આ પરિસ્થિતિમાં ભક્તિમાં ભાવનાત્મક પ્રખરતા આવે. જ્યારે પ્રકૃતિના સમીકરણ સાથે શ્રીકૃષ્ણની નવીનતા સમજવાનો પ્રયત્ન થાય ત્યારે, ભક્તિ સાથે, જ્ઞાનયોગનો પ્રારંભ થયો તેમ કહી શકાય. ત્રણેય પરિસ્થિતિમાં અંતે તો કૃષ્ણ-ભક્તિમાં જ વધુને વધુ તલ્લીન થવાય.
સમજવાની વાત એ છે કે શ્રીકૃષ્ણ ‘દિને દિને નવં નવં’ તો છે જ પણ અહીં નવીનતા સાથે સુંદરતા પણ જોડાયેલી હોય છે. તેમની સુંદરતામાં પણ રોજ નવીનતા હોય છે. તેમની મધુરતા, તેમની રસિકતા, તેમની પ્રેમાળતા તથા તેમની ચંચળતા પણ પ્રત્યેક દિને નવીન સ્વરૂપ ધારણ કરતાં હશે. શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જેમ વધતો જાય, તેમની ભક્તિ જેમ સુદ્રઢ થતી જાય, આધ્યાત્મિકતાનાં માર્ગ પર જેમ પ્રગતિ થતી જાય; તેમ શક્ય છે કે શ્રીકૃષ્ણની અનુભૂતિમાં પ્રતિત થતી નવીનતામાં વધુ નવીનતા પ્રવેશતી જાય.
એ તો ઘણાં ભક્તોએ અનુભવેલું છે કે શ્રીકૃષ્ણ-ભક્તિમાં દરરોજ નવી મીઠાશની અનુભૂતિ થાય, અંત:કરણને રોજ નવાં પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય અને જીવનનાં માર્ગમાં રોજ નવી આધ્યાત્મિક અનુભૂતિ પ્રકાશિત થાય. ‘દિને દિને નવં નવં’ સર્વથા સત્ય છે.