Wed Aug 19 2026

Logo

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

2026-08-17 18:53:21
Author: Pooja Shah
Article Image

જૂનાગઢઃ શ્રાવણિયા સોમવારે સોમનાથ દાદાના સૌથી પહેલા દર્શન કરવાની અપેક્ષાએ અને ભક્તિનું ભાથું ભરવા માટે હજારોની સંખ્યામાં શિવભક્તો વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સોમનાથના શરણે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને સમગ્ર પરિસર હર હર મહાદેવ તથા જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.



આટલી વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોના પ્રવાહને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અત્યંત સુચારુ અને સફળ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. હજારો યાત્રીઓની ભીડ હોવા છતાં, દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રિકોની સુરક્ષા અને ઝડપી પ્રવેશ માટે મોટી સંખ્યામાં ફ્રિસ્કિંગ ક્યુ ઊભી કરવામાં આવી હતી. યાત્રિકોના સામાનની સુરક્ષા માટે વિશાળ ક્લોકરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડને નિયંત્રિત કરવા અને દર્શનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઝીગઝેગ લાઈન વ્યવસ્થાનું સઘન પાલન કરાવવામાં આવ્યું.

ટ્રસ્ટની આ આગોતરી અને ઉત્તમ વ્યવસ્થાઓના પરિણામે હજારો યાત્રીઓની ઉપસ્થિતિ છતાં તમામ ભક્તોએ અત્યંત સુલભતાથી અને શાંતિપૂર્ણ રીતે મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રશાસન સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આવનાર તમામ ભાવિક ભક્તોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે સતત કાર્યરત છે.