હું એમ કે’તો’કે (2)
આજે આટલું જ - શોભિત દેસાઈ
અટલ બિહારી વાજપેયી, 35 રૂપિયામાં એક્સ-રે અને 7 રૂપિયામાં બ્લડ ટેસ્ટ, અબ્દુલ કલામ
ઘણીવાર તો એમ થાય છે કે કોલમનું નામ ‘આજે આટલું જ ’માંથી ‘વાતોનાં વડાં’ કરી નાંખું, એટલી મજા અઠવાડિયામાં બબ્બે વાર, એક લખાય ત્યારે અને બીજી વાર રવિવારે આવે ત્યારે છે. હવે જુઓને! એક અનહદ, લખલૂંટ અને ભરપૂર પત્ર, કોઇક ખરેખર પોતાની વિચારોની અબજોની સંપત્તિ ન સમાવી શકનાર શ્રીમંત તરફથી મા ના નામે લખાયેલો પત્ર વાંચવા મળ્યો. ચિ. બેન નિર્મલા, જત જણાવવાનું કે જે દેશમાં ગંગા વહે છે એ દેશ ભારતના અસંખ્ય લોકોને તારા બજેટમાં એક જ મુદ્દાનો રસ છે. ઇન્કમ ટેક્સમાંથી, નધરોળ ઇન્કમ ટેક્સ માફીની મર્યાદા કેટલી વધી અને બીજા કેટલા બાદ થઇ શકે એવા ખર્ચાઓનું કશતિં વધ્યું, શું સમજી? એ બાપડા અબજોને બીજાં કશાયમાં રસ નથી કે તેં કયાં અને કયા બંધ બાંધ્યા કે જે કોન્ટ્રેકટરો તોડી શકે, કે સૂતર દોરી સસ્તી કરી કે પોલીએસ્ટર મોંઘી કરી (છે કોઇનામાં હિમ્મત એ કરવાની) કે આ કે તે કે પેલું... એમને લગભગ રડવું જ આવી જાય છે ઇન્કમ ટેક્સ અને સ્ટાન્ડર્ડ ડિંડકશન સેમ તફળય રહે છે તો. અગાઉના બધા નાણાં પ્રધાન આ જ કરતા હતા એટલે તો એમને પાણીચું આપવું પડયું. હવે મારી દીકરી તું ય આવું કરીશ તો તો... તું અને તમે બધા સાનમાં સમજો છો એવું હું સમજું છું. ચાલો ત્યારે...જય મા લક્ષ્મી. લિ. ભારતમાતાનું વહાલ.
*
હવે ગયા રવિવારની અધૂરી વાત આગળ વધારીએ, દરેક વ્યવસાયી માણસ પોતાના વ્યવસાય પૂરતો પૂરો વ્યાવસાયિક હોવો અને રહેવો જ જોઇએ. પણ આ સિદ્ધાંતને ભૂંગળી વાળીને કોઇ કચરાપેટીમાં નાખી દે અને આજુબાજુનું અંધારું દૂર કરવાની શરૂઆત કરે તો તમે કાં તો એને પાગલ કે બુદ્ધપુરુષ ગણો કે નહીં?! એક આડ વાત આગળ વધતા પહેલાં... ભારત દેશ અત્યારે આ ક્ષણે બે પ્રકારના માફિયા માટે સ્વર્ગ બની રહ્યો છે. શિક્ષણ અને આરોગ્યના માફિયા... એય ને 140-145 કરોડની અને સતત વૃદ્ધિ પામતી સદાયની સમૃદ્ધ, હિંદી ફિલ્મોની ભાષામાં વાત કરું તો લહલહાતી હૂઇ ફસલ અને સામ-દામ-દંડ ભેદ નીતિના અતિ પ્રવીણ માફિયા... મજાલ છે કોઇ પણ ગજવાની કે સાબૂત રહી શકે? અરે તું ભૂખે મરતો હોય તો જા હમણાં કહું ત્યાં... મારું ચપ્પણિયું તરભાણું ભર. 30 વરસથી સદાકાળ ચાલનારા એક રમત શોમાં એજયુકેશન માફિયા માટેની જેહાદ (જેહાદ મોહમ્મદે શોધ્યો હતો કે અનામત રાખ્યો હતો આવી કોઇ ચળવળ માટે. ગરીબ બિચારા અણસમજુ અનુસરનારા એમના મહાખેપાની માર્ગદર્શકોના પ્રતાપે ધર્મપરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમજયા) ની વાત કરતાં શોના મહામાનવ એન્કરના સવાલનો જવાબ આપતા બાજુ બેઠેલો મિત્ર માહિતી આપે છે કે આમની, અમારાં મિત્રની આવડી મોટી આવડત અને ફક્ત સત્કર્મ દ્વારા જ પ્રજાને પોતાના બનાવવાના ચુંબકીય આકર્ષણને લઇને એમને એકસો સાત કરોડ રૂપિયા લઇને પોતાના સંસ્થાનમાં સેવા આપવાની ઓફર થયેલી જે અમારા આ નરસિંહ મહેતાએ નકારી, એમ કહીને કે પછી હું મારા વિદ્યાર્થીઓને ફકત બસ્સો રૂપિયામાં ભણાવીને ટકોરાબંધ તૈયાર કરવા માગુ છું એનું શું? આવડો મોટો, ભારત દેશ જેવડો એન્કર સ્તબ્ધ, શોનું સંગીત મૌન, લબુક ઝબુક લાઇટો સ્થગિત, ઓડિયન્સમાં ટાંચણીભેર શાંતિ અને 10 સેકંડ પછી પ્લેકાર્ડ દેખાડયા વગર / જોયા વગરની ગગનભેદી તાળીઓ.
અમુક તત્ત્વજ્ઞાન પરમ સંતોષ આપે છે અને કદરૂપું તત્ત્વજ્ઞાન વરવી સંપત્તિ આપે છે. પરમ સંતોષ ખરેખર બુદ્ધત્વ તરફ ગતિ કરે ત્યારે જ તો આવું વાક્ય નીકળે ને કે જિંદગીએ એ મુકામ પર લાવીને મને મુકયો છે જયાં ગમે છે તો ઘણું પણ જોઇતું કૈં જ નથી. મારું, શોભિતનું એવું માનવું છે કે નામ આગળ મહામાનવ માત્ર નિસ્વાર્થ અવેતન રહીને જિંદગીને પાછું આપનારા માટે જ લાગવું જોઇએ.બાકી નેતા માટે મહાનેતા કે અભિનેતા માટે અભિનય સમ્રાટ કે મહાઅભિનેતા ઇત્યાદી બરાબર છે. જેટલો મહાન શબ્દ છે મહામાનવ એટલી જ એની ગરિમાને સત્યનારાયણ કથાના પ્રમુખો માટે વાપરીને તળીયે બેસાડી છે બધાએ. હવે તો ચેતીએ!!! તો મારા મતનો આ આવતીકાલનો મહામાનવ જાહેર જીવનના પોતાના બે આદર્શ વિશે કહે છે કે અટલ બિહારી વાજપેયીનો સમય આવ્યો વડા પ્રધાનનો ત્યારે એમણે એટલું જ કહ્યું કે ‘કંઇ પણ થાય, આપણો દેશ અખંડ રહેવો જ જોઇએ.’ આપણે એ પેઢી છીએ જેણે એક સાથે બે મહાપુરુષોને જોયા, રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને આ સંયોગ પૃથ્વી પર હવે કોઇને નથી મળવાનો કારણ આ બન્ને એવા લોકો હતા જેમનાં પોતાના પરિવાર - બાલબચ્ચા કાંઇ હતાં જ નહીં. ફકત દેશ જ હતો સર્વસ્વ એમને. અમેરિકાએ વાજપેયીને કહ્યું કે તરત જ કારગિલની લડાઇ બંધ કરો, હું કહું છું તમને લડાઇ બંધ કરવાનું. પાકિસ્તાનનો પ્રધાન મંત્રી અહીંયા બેઠો છે (તુકારો-જાકારો મારો છે) વાજપેયીએ કહ્યું ‘કારગિલની લડાઇ અમે કેવી રીતે બંધ કરીએ? એ તો પાકિસ્તાનનાં હાથમાં છે. એમને જણાવો આતંકવાદીઓ હટાવી લે. લડાઇ બંધ.’ અમેરિકાના પ્રમુખ બોલ્યા ‘અટલજી એ ન ભૂલો, પાકિસ્તાન એક પરમાણુશક્તિ સંપન્ન દેશ છે.’ તરત અટલ બોલ્યા : ‘એમને કહો બૉમ્બ ફેંકે. એ બૉમ્બ ફેંકશે જરૂર પણ બીજા દિવસે આખું પાકિસ્તાન સૂરજ નહીં જોઇ શકે, આ મારું તમને અભય વચન છે.’
ખ્યાલ આવ્યો કોની વાત કરું છું? નહીં? હજુ એક રવિવારની રાહ જુઓ. હરકિસન મહેતા અને અશ્ર્વિની ભટ્ટ મારા રોમરોમમાં છે આ કહેતી વખતે: વધુ રસિક ભાગ આવતા અંકે.
આજે આટલું જ...