Sun Jul 12 2026

Logo

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર વળતરનું 'મોટું સંકટ', જમીનની કિંમત 10 ગણી વધતા મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો...

2026-07-12 15:31:46
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ: ભારતનો મહત્વાકાંક્ષી અને રૂપિ.યા 1.1 લાખ કરોડનો મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અત્યારે એક મોટી કાનૂની અને નાણાકીય મુશ્કેલીમાં ફસાયો છે. જમીન સંપાદન ઓથોરિટી દ્વારા ખેડૂતો અને જમીન માલિકોના વળતરમાં અચાનક કરવામાં આવેલા અઢળક વધારા સામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચીફ પ્રોજેક્ટ મેનેજરે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જો આ વળતર ચૂકવવું પડે, તો પ્રોજેક્ટ પર રૂપિયા 40,000 કરોડનો વધારાનો બોજ પડી શકે છે, જેનાથી પ્રોજેક્ટના ભવિષ્ય સામે જ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ ગયું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઓછણ ગામની જમીન સંપાદન સાથે જોડાયેલો છે. વર્ષ 2018માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અહીં જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 2020માં સત્તાવાળાઓએ તે સમયના બજાર ભાવ મુજબ જમીનની કિંમત રૂપિયા 50 પ્રતિ ચોરસ મીટર નક્કી કરી હતી. આ ગણતરી મુજબ એક જમીન માલિકને અંદાજે રૂપિયા 85.86 લાખનું વળતર મળવાપાત્ર થતું હતું. પરંતુ જમીન માલિકો આ વળતરથી અસંતુષ્ટ હતા અને તેમણે 'લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટીશન એન્ડ રીસેટલમેન્ટ ઓથોરિટી' (LARRA) સમક્ષ વળતર વધારવા માંગ કરી હતી. 

LARRA દ્વારા જમીનની કિંમત સીધી રૂપિયા 50 થી વધારીને રૂપિયા 660 પ્રતિ ચોરસ મીટર કરી દેવામાં આવી, જેના કારણે વળતરની રકમ રૂપિયા 85.86 લાખથી વધીને સીધી રૂપિયા 8.46 કરોડ (લગભગ 10 ગણી વધુ) થઈ ગઈ! એટલે કે, 85.86 લાખની જગ્યાએ કંપનીને હવે  8.46 કરોડ રૂપિયા ચૂકવાવનું રહેવામાં આવતા મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. 

ઓથોરિટીના વળતર પર પ્રોજેક્ટ મેનેજમેન્ટના આક્ષેપો

ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં બુલેટ ટ્રેન ઓથોરિટી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, LARRA એ વળતર નક્કી કરવામાં ગંભીર ભૂલ કરી છે. ઓછણ ગામની આસપાસના જમીનના ખરીદ-વેચાણ દસ્તાવેજો (સેલ ડીડ) ઉપલબ્ધ હોવા છતાં, ઓથોરિટીએ તેને અવગણ્યા હતા. તેના બદલે 14 કિમી દૂર આવેલા 'સિમાર્થા' ગામની જંત્રી કિંમત (રૂપિયા 450 પ્રતિ ચોરસ મીટર) અને 2013ના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના જમીન સંપાદનના જૂના કેસને આધાર બનાવવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ઓથોરિટીની અપીલ અનુસાર, જમીન સંપાદન કાયદાની કલમ 26(1)(b) અને તેના સ્પષ્ટીકરણ-3 હેઠળ આ પ્રકારની ગણતરી માન્ય નથી. નિયમ મુજબ, વળતર હંમેશા સૌથી નજીકના ગામમાં સમાન પ્રકારની જમીનના સરેરાશ વેચાણ મૂલ્યના આધારે જ નક્કી થવું જોઈએ.

હાઈકોર્ટની આગામી સુનાવણી 5 ઓગસ્ટે

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે, જો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જમીન વળતરમાં થયેલા આ વધારાના આદેશો લાગુ થશે, તો વ્યાજ સાથે આ બોજ રૂપિયા 40,000 કરોડ સુધી પહોંચી શકે છે. જો આટલો મોટો આર્થિક બોજ અમારા પર નાખવામાં આવશે, તો કદાચ દેશને બુલેટ ટ્રેન મળી જ નહીં શકે’.

જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ આર. ટી. વચ્છાણીની બેન્ચે આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા ભરૂચ અને સુરત જિલ્લાની આવી ત્રણ અપીલોને સ્વીકારી લીધી છે અને સામાવાળાઓને નોટિસ પાઠવી છે. કોર્ટે પ્રોજેક્ટ ઓથોરિટીને વળતરની રકમમાંથી કેટલી રકમ તેઓ કોર્ટમાં જમા કરાવવા તૈયાર છે, તેનો એક યોગ્ય પ્રસ્તાવ રજૂ કરવા માટે પણ કહ્યું છે. આ ભારતનો સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી તમામની નજર આગામી 5 ઓગસ્ટે થનાર સુનાવણી પર રહેશે.