ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
એક તરફ સ્વર્ગલોક પર અસુરો આક્રમણ કરે છે. દેવતાગણ એનો સામનો કરતાં જ થોડા જ સમયમાં અસુરો પલાયન થવા લાગે છે. દેવરાજ ઇન્દ્ર કહે છે, ‘દેવતાઓની શક્તિ જોઈ અસુરો પલાયન થઈ ગયા, હવે પછી તેઓ હિંમત નહીં કરે અહીં આવવાની.’ સમસ્યાનો અણસાર આપતાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે, ‘દેવરાજ ઇન્દ્ર અસુરો પલાયન થઈ ગયા છે પણ હું ભય હેઠળ છું કારણ કે હજી સુધી, સૂર્યદેવ, ચંદ્રદેવ, અગ્નિદેવ, પવનદેવ અને વરુણદેવ અહીં પહોંચ્યા નથી, તેઓ ક્યાં છે.’
બાજી સંભાળતાં દેવરાજ ઇન્દ્ર કહે છે, ‘ગુરુદેવ ચિંતા ન કરો, પંચતત્ત્વ દેવો કયાંક તો હશે, પણ મને એવું લાગે છે કે અસુરો સ્વર્ગથી કંઈક તો ચોરી જ ગયા હશે?’ એ જ ક્ષણે તેમની નજર કામધેનુની જગ્યા પર પડે છે જ્યાં કામધેનુ દેખાતી નથી. તેઓ દેવગણોને સ્વર્ગલોકથી બીજું કંઇ ચોરાયું નથી તેની ખાતરી કરવા કહે છે.
બીજી તરફ કૈલાસ ખાતે સવારથી નંદી દેખાતા નહોતા. માતા પાર્વતી ભૃંગીને કહે છે કે ‘જઈને સુયશાને પૂછી આવો કે નંદી ક્યાં છે.’ થોડા સમયમાં સુયશા આવી કહે છે કે, ‘નંદી વહેલી સવારે જ ક્યાંક ગયા છે.’ મધ્યાન્હે ભોજન તૈયાર થઈ જતાં સૌ કોઈ ફરી નંદીની રાહ જોવા લાગ્યા. એ જ સમયે નંદી અસ્તવ્યસ્ત હાલતમાં ત્યાં આવી પહોંચે છે.
મનોરંજન ખાતર ભૃંગી કહે છે, ‘નંદી શું તમે ક્યાંક મલ યુદ્ધ કરી આવ્યા હોય તેવું લાગે છે.’ વ્યથિત નંદી કહે છે, ‘પ્રભુ થોડી જ વારમાં સ્નાન કરી તમારી સેવામાં ઉપસ્થિત થાઉં છું.’ નંદીને વ્યથીત જોઇ ભગવાન શિવ તેની પાસે પહોંચે છે. ભગવાન શિવને કહે છે, માતા અને તમારી અનુપસ્થિતિ માં હું બળદ બની સંસારમાં વિચરણ કરી રહ્યો હતો ત્યારે સંસારમાં પશુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે જોઈ હું ખૂબ દુ:ખી છું.
મેં જોયું કે પશુઓએ અત્યાચાર સહેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી, પ્રભુ પશુઓ પર આટલો અત્યાચાર શું કામ? હું કૈલાસ તો આવી પહોંચ્યો પણ મારું મન એવું કહે છે કે સંસારમાં ક્યાંક ને ક્યાંક પશુઓ પર અત્યાચાર ચાલુ જ હશે અને પ્રભુ સંસારના પશુઓની રક્ષા પશુપતિનાથ નહીં કરે તો કોણ કરશે?’ માતા પાર્વતી કહે છે નંદી તમે પૂછી રહ્યા છો એ જ ક્ષણે પૃથ્વીલોક પર પંડયાન વંશના રાજા આર્યવર્તનની રાજ સભામાં કંઇક થઈ રહ્યું છે. મનુષ્યોને પોતાની ભૂલનો આભાસ ‘મણિકા...’ કરાવશે.’
સામે પૃથ્વીલોક પર પંડયાન વંશના રાજા આર્યવતન રાજ સભામાં બધા મંત્રીઓને બોલાવે છે અને તેમના સારથિ વિવેકને કહે છે, હું અત્યારે જ અશ્ર્વશાળાની મુલાકાત લઇને આવ્યો છું. અડધી અશ્ર્વશાળા ખાલી કેમ છે.’ વધુ ચર્ચા દરમિયાન વિવેક કહે છે, ‘મહારાજ હાલમાં આપણને દસ સહસ્ત્ર અશ્ર્વની જરૂર છે.’
* * *
રાજા આર્યવર્તન: ‘મહામંત્રી મણિકા, રાજ્યની અશ્ર્વ શાળાને દસ સહસ્ત્ર અશ્ર્વની જરૂરત છે, તમારો પશુપ્રેમ તો જગવિખ્યાત છે, એટલે આ દસ સહસ્ત્ર અશ્ર્વ ખરીદવાની જવાબદારી હું તમને આપું છું.’
મહામંત્રી મણિકા: ‘પણ મહારાજ દસ સહસ્ત્ર અશ્ર્વની કિંમત રાજકોષને અસર નહીં કરે?’
રાજા આર્યવર્તન: ‘મહામંત્રી મણિકા, તમે રાજકોષની ચિંતા ન કરો, મારા આદેશ પ્રમાણે તમે ફક્ત અશ્ર્વ ખરીદો. મહામંત્રી મણિકા પોતાના રસાલા સાથે અશ્ર્વ ખરીદવા નીકળી પડે છે. તેઓ વિચારે છે કે આટલી ધનરાશિથી રાજ્યના કેટલાય પરિવારોનો ઉદ્દાર થાત. જ્યાં વર્ચસ્વની ચાહના હોય ત્યાં આ વિચાર કોણ સ્વીકારશે? મારું કર્તવ્ય રાજાના આદેશનું પાલન કરવાનું છે. મહામંત્રી મણિકાને રસાલા સાથે જતાં જોઈ એક યાત્રાળુ તેમની પાસે જાય છે.
યાત્રાળુ: ‘મહામંત્રી મણિકાની જય હો, આટલા રસાલા સાથે શું યુદ્ધની તૈયારી કરી રહ્યા છો?’
મહામંત્રી મણિકા: ‘ના મિત્ર! મહારાજ આર્યવર્તનની આજ્ઞા મુજબ દસ સહસ્ત્ર અશ્ર્વ ખરીદવા નીકળ્યો છું.’
યાત્રાળુ: ‘તમારે દસ સહસ્ત્ર અશ્વ ખરીદવા હોય તો તમને એક માણસ અવશ્ય મદદ કરી શકે.’
મહામંત્રી મણિકા: ‘કોણ છે એ માનવ?’
યાત્રાળુ: ‘એમને બધા પશુપૂજક કહે છે. અદ્ભુત વ્યક્તિત્વ, તેઓ માંદા પશુઓની સેવા કરે, તેમની પૂજા કરે, તેમના સંરક્ષણની વાતો કરે અને તેને અમલમાં પણ મૂકે. તેમની સૌથી અદ્ભુત વાત તો એ છે કે તેઓ પશુઓની ભાષા સમજે છે અને પશુઓ પણ તેમની ભાષા સમજે છે. અવશ્ય કોઈ મહા જ્ઞાનિ પ્રતિત થાય છે. સીધા માર્ગે જશો તો રાત્રી સુધીમાં તેમની પાસે પહોંચી જશો.’
મહામંત્રી મણિકાનો રસાલો રાત્રીના સમયે એ પશુપૂજકના આશ્રમ પર પહોંચે છે. એ પશુપૂજક પશુઓની પૂજા કરતો હોય છે. એક સજ્જન પશુઓની ગરીમા વિશે પૂછે છે.
પશુપૂજક: ‘કોઈપણ સમાજની ઉપલબ્ધી તેના ભૌતિક વિકાસથી આંકી નથી શકાતી. સમાજની સંપન્નતાનો એક પ્રમુખ સંકેત એ હોય છે કે તે એના પશુઓ પ્રત્યે કેટલો ઉદાર છે, પશુઓનું સમાજમાં શું સ્થાન છે અને સમાજ પશુઓ પ્રત્યે કેટલી સંવેદના ધરાવે છે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વૃષભનો ઉપયોગ જમીન ખેડવા માટે થવો જોઈએ, પણ એ કાર્યમાં એને યાતના આપવામાં આવે તો એ માન્ય નથી એના પર અત્યાચાર કરવામાં આવે તો એને પાપ કહી શકાય.
અત્યાચાર દ્વારા ઉત્પન્ન થયેલા અનાજને આરોગનાર પણ પાપનો સહભાગી થાય છે. એ અનાજ આરોગનાર માનવી ક્યારેય સુખી થતો નથી, હંમેશાં દુ:ખી જ રહે છે. પશુઓ માણસોની જેમ પોતાની પિડા શબ્દોમાં અવિભવ્યક્ત કરી શકતા નથી, એનો અર્થ એ નથી કે પશુઓને પિડા નથી થતી. તેઓ વિરોધ નથી કરતાં એનો અર્થ એ નથી કે તેઓને પિડા સ્વીકાર છે. જો પશુઓ પોતાની પિડા દર્શાવી શકતાં હોત તો માનવો પોતાની કાર્યપદ્ધતિથી અવશ્ય લજ્જિત થાત. મનુષ્યએ ન વિચારવું કે તે પશુઓનો સ્વામી છે.
મહામંત્રી મણિકા: ‘હે મહાપુરુષ! તમારા આ શબ્દો સાંભળી સંતોષ થયો. આ પ્રકારના વિચારોને સમર્થન આપવાવાળો ફક્ત હું જ નથી, સાથે તમે પણ છો. તમારો એક એક શબ્દ મારા સિદ્ધાંતોને સમર્થન આપી રહ્યા હતાં. હું જે વાત કોઈને સમજાવી ન શક્યો તે વાત તમે કેટલી સરળતાથી બધાને સમજાવી દીધી. તમારી વાતોથી જે શાંતિ મારા મનને મળી છે એ કદાચિત ક્યારેય કોઈની વાતોથી મળી ન હોત. એવું પ્રતિત થઈ રહ્યું હતું કે તમારી વાણી મારા જીવનને પરિપૂર્ણ કરવા જ તમારા મુખેથી નીકળી હોય. હે મહાપુરુષ મારી એક શંકા દૂર કરી મને માર્ગદર્શન કરશો?’
આટલું સાંભળતાં જ પશુપૂજક તેના હાથમાં રમાડી રહેલા શ્વાનના બચ્ચાંને દૂર મૂકી આવે છે. પણ, થોડી જ ક્ષણમાં એ શ્વાનનું બચ્ચું ફરી એ પશુપૂજક પાસે આવીને ઊભી રહે છે. પશુપૂજક એ શ્વાનના બચ્ચાને ઉઠાવતાં કહે છે: ‘હું તને બહુ દૂર છોડી આવ્યો હતો, તને ફરી પાછા મારી પાસે આવવા પણ નહોતું કીધું, પણ તેં તારો માર્ગ પોતે શોધી લીધો, કારણ કે તને પણ એ ગંતવ્ય પસંદ છે જયાં પ્રસન્નતા અને સંતોષની અનુભૂતિ થતી હોય છે.
* * *
બીજી તરફ સ્વર્ગલોક ખાતે અસુરો કામધેનુનું અપહરણ કર્યું હોય છે. કામધેનુ અસુરોના ચુંગાલમાંથી છૂટી પરત સ્વર્ગલોક આવે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘કામધેનુ, તમે ક્યાં ચાલી ગયા હતા.’
કામધેનુ: ‘દેવરાજ મારી સુરક્ષાની જવાબદારી તમારી છે, અસુરોએ સ્વર્ગલોક પર આક્રમણ કર્યું ત્યારે તમે ક્યાં હતાં, તેઓ મને પોતાની સાથે લઈ ગયા અને ખૂબ પિડા આપી છે.’
દેવરાજ ઇન્દ્ર: ‘કામધેનુ... તમે તમારી હદ વટાવી રહ્યા છો. સ્વર્ગલોક આવી ગયા છો તો ખુશ રહો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ કામધેનુ તો પરત ફરી છે, પણ હવે તમે ચિંતા કરો કે સૂર્યદેવ, ચંદ્રદેવ, અગ્નિદેવ, પવનદેવ અને વરુણદેવ ક્યાં છે?’
દેવરાજ ઇન્દ્ર: ‘ગુરુદેવ તમે ચિંતા ન કરો સૂર્યદેવ, ચંદ્રદેવ, અગ્નિદેવ, પવનદેવ અને વરુણદેવને શોધવા હું સ્વયં જઈ રહ્યો છું.’
(ક્રમશ:)