ભરત પટેલ
ભગવાન શિવના આશિર્વાદ લેતા મહામંત્રી મણિકા કહે છે, ‘માફ કરો પ્રભુ! તમારી આટલી નજદીક તમારા સાંનિધ્યમાં રહીને પણ તમને ઓળખી ન શક્યો.’ પ્રસન્ન ભગવાન શિવ કહે છે, ‘મણિકા જેણે સ્વને (પોતાને) ઓળખી લીધો હોય તેણે અન્યને ઓળખવાની શું જરૂર? જાઓ મણિકા સંસારમાં ભ્રમણ કરો અને તમારા કાવ્યોથી મનુષ્યોના હૃદયમાં પશુઓ પ્રત્યેની સંવેદનશીલતા જાગ્રત કરી શકો ત્યાં સુધી ભ્રમણ કરો. એ જ તમારો માર્ગ અને મંઝીલ પણ છે.’ ભગવાન શિવના આશિર્વાદ લઈ મહામંત્રી મણિકા અને રાજા આર્યવર્તન પોતાના રાજ્ય તરફ વિદાય થાય છે.
બીજી તરફ દેવગુરુ બૃહસ્પતિ અને દેવરાજ ઇન્દ્ર માતા કામધેનુની જ્યેષ્ઠપુત્રી સૌરભીને મળે છે. દેવગુરુ બૃહસ્પતિ કહે છે, ‘સૌરભી તમારી માતા કામધેનુ સ્વર્ગને ત્યાગી અહીં આવ્યા છે?’ સૌરભીનો નાકાર મળતાં જ દેવરાજ ઇન્દ્ર તાડૂકી ઉઠે છે અને કહે છે, ‘સૌરભી તમે ખોટું તો નથી બોલતા તમારી માતાના કહેવાથી?’ આટલું સાંભળતાં જ સૌરભી પણ ક્રોધિત થતાં કહે છે, ‘દેવરાજ તમે અહીંથી જઈ શકો છો માતા મારી સાથે નથી, પણ હું તમને એટલું કહીશ કે મેં પંચતત્ત્વ દેવતાઓને કોઈની સાથે ઉત્તર પૂર્વ તરફ જતા જોયા છે.’
સૌરભીના કહેવાથી દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ ઉત્તર પૂર્વ તરફ પ્રયાણ કરે છે. એ જ સમયે માતા કામધેનુની ચીસ તેમને સંભળાય છે તેઓ તે તરફ દોડે છે. તેઓ જુએ છે કે અરુણાસુર માતા કામધેનુને પ્રતાડિત કરતો નજરે પડે છે. દેવરાજ ઇન્દ્ર તેને ચેતવણી આપતાં કહે છે કે, ‘કામધેનુને છોડી દે.’ અરુણાસુર દેવરાજ ઇન્દ્ર સમક્ષ શરત મૂકતાં કહે છે, ‘હું તમને પડકારું છું, જો તમે યુદ્ધમાં વિજેતા બનશો તો હું કામધેનુને છોડી દઈશ.’ બંને વચ્ચેના યુદ્ધમાં અરુણાસુરના શસ્ત્રથી દેવરાજ ઇન્દ્ર મૂર્છિત થઇ જાય છે. અરુણાસુર દેવગુરુ બૃહસ્પતિ અને કામધેનુને બંદી બનાવી પોતાની સાથે લઈ જાય છે.
આકાશ માર્ગે દેવર્ષિ નારદ તેમને લલકારે છે તેના જવાબમાં અરુણાસુર કહે છે કે, ‘દેવર્ષિ નારદ તમારું કામ નથી યુદ્ધ કરવાનું, હમણાં જ દેવરાજ ઇન્દ્ર મારી સાથે યુદ્ધ કરતાં મૂર્છિત થઇ ગયા છે, તો તમારી શું વિસાત? અહીંથી ચાલ્યા જાવ અને પશુપતિનાથને જઈને કહો કે,પંચતત્ત્વ દેવતાઓ, બૃહસ્પતિ અને કામધેનુ મારા કબજામાં છે. તમારામાં શક્તિ હોય તો એમને છોડાવી લઈ જાવ. અન્યથા મારી મૃત માતાને જીવિત કરી આપો હું દેવતાઓને છોડી દઈશ.’
અરુણાસુરને રોકી ન શકતાં દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવને જણાવે છે કે અરુણાસુરે પંચતત્ત્વ દેવતાઓ, દેવગુરુ બૃહસ્પતિ અને કામધેનુને બંદી બનાવ્યા છે, તે કહે છે કે ‘પશુપતિનાથને કહો કે મારી મૃત માતાને જીવિત કરી આપો હું દેવતાઓને છોડી દઈશ.’
*
દેવર્ષિના મુખે આટલું સાંભળતાં જ માતા પાર્વતી ઊભા થઈ કહે છે, ‘સ્વામી મારે જવું પડશે. કામધેનુની રક્ષા માટે જવું જ પડશે. એક સમયે તમે તપસ્યામાં લીન હતા ત્યારે મેં કામધેનુને એની સુરક્ષા માટે વચન આપ્યું હતું.’
ભગવાન શિવ: ‘યોગ્ય સમયે આપણે અવશ્ય હસ્તક્ષેપ કરીશું.’
માતા પાર્વતી: ‘સ્વામી! ત્યાં સુધી અરુણાસુર કામધેનુ પર અત્યાચાર કરતો રહેશે.’
ભગવાન શિવ: ‘ધીરજ ધરો પાર્વતી, હું તમને વચન આપું છું કે કામધેનુની સુરક્ષા હું પોતે સ્વયં કરીશ.’
*
અરુણાસુરનું લક્ષ્ય તો પોતાની માતાને જીવંત કરવાનું હતું, તેણે પંચતત્ત્વ દેવતાઓ, દેવરાજ ઇન્દ્ર, દેવગુરુ બૃહસ્પતિ અને કામધેનુ બધાને બંદી બનાવી લીધા હોવા છતાંય ભગવાન શિવ કે માતા પાર્વતી તેમને છોડાવવા આવ્યા નહીં. કંટાળેલો અરુણાસુરને યુક્તિ સૂઝે છે કે સંસારના પ્રાણીઓનો જો વધ કરવામાં આવે તો ભગવાન શિવ અથવા માતા પાર્વતી તેની સમક્ષ આવશે અને એની માતાને પ્રાણજીવન આપશે. એણે સૈનિકોને આદેશ આપ્યો કે જે પણ પશુઓ દેખાય તેને પકડી તેનો વધ કરવો.
સંસારમાં હાહાકાર મચી ગયો પણ માતા પાર્વતી કે ભગવાન શિવ તેની સમક્ષ ઉપસ્થિત ન થયાં. ક્રોધિત અરુણાસુર અંતે માતા કામધેનુની હત્યા કરવા તૈયાર થયો. તેણે સૈનિકોને આદેશ આપ્યો કે કામધેનુને ઉપસ્થિત કરવામાં આવે. સૈનિકોએ માતા કામધેનુને તેની સમક્ષ ઉપસ્થિત કરતાં જ એ તાડૂક્યો, ‘હે સૈનિકો જૂઓ આ છે કામધેનુ. દૈવી શક્તિવાળી, ચમત્કાર કરવાવાળી. મેં સાંભળ્યું છે કે તું બધી જ ઇચ્છાઓ પૂરી કરનારી છો.’
માતા કામધેનુ: ‘કૃપા પ્રાપ્ત કરવી જોઈએ, છીનવી ન શકીએ. તારા જેવા દુરાચારીને મારા અંતિમ શ્ર્વાસ સુધી મારી કૃપા ક્યારેય પ્રાપ્ત નહીં થાય.’
અરુણાસુર: ‘હું તારી પિડા સમજી શકું છું, ચિંતા ન કર, હવે તું ચોક્કસ તારો અંતિમ શ્વાસ લેશે.’
માતા કામધેનુ: ‘સત્યને સ્વીકારો અરુણાસુર! તમારી માતા મૃત્યુ પામી છે. તેમને ફરી જીવંત કરવાની જીદ છોડી તેમના અંતિમ સંસ્કાર કરો.’
અરુણાસુર: ‘માતા માતાને પ્રાણજીવન આપવા તો નહીં આવ્યા પણ પશુઓની માતા કામધેનુને બચાવવા તમારે અવશ્ય આવવું પડશે પશુપતિનાથ. આવો પશુપતિનાથ આવો, તમારા આગમનમાં વિલંબ ન કરો અન્યથા કામધેનુ અને આ દેવતાઓએ પોતાના પ્રાણ ગુમાવવા પડશે.’
એ જ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે.
ભગવાન શિવ: ‘હું આવ્યો છું દેવતાઓ અને પશુઓની માતાની રક્ષા કરવા, નહીં કે તમારી માતાને પ્રાણજીવન આપવા.’
અરુણાસુર: ‘આપણે જેને પ્રેમ કરતાં હોઈએ તેને જરાય કષ્ટ પડે તો કેટલું દુ:ખ થાય.’
ભગવાન શિવ: ‘પ્રેમ પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ તમારી માનસિકતા પ્રમાણે વિકૃત છે. પ્રેમ વર્ચસ્વથી નહીં આત્મસમર્પણથી મેળવી શકાય છે. શારીરિક સુખ-દુ:ખથી પ્રેમ પ્રભાવિત થતો નથી. પશુઓના જીવનકાળ પહેલા પણ હું તેમની સાથે હતો અને તેમના જીવનકાળ બાદ પણ તેમની સાથે રહીશ. જન્મ અને મૃત્યુ તો કાળનો ક્રમ છે, તે અવિરત ચાલુ રહે છે. ભૂલની જાણ થતાં ભૂલ સુધારવી અનિવાર્ય છે. આજ ક્ષણથી પશુઓ પર અત્યાર કરવાના બંધ કરો, મુક્ત કરી દો આ પશુઓને, મુક્ત કરી દો કામધેનુને, મુક્ત કરી દો દેવતાઓને.’
આટલું સાંભળતાં ચતુર અરુણાસુરે પશુઓ, કામધેનુ અને દેવતાઓને મુક્ત કરી દીધા.
અરુણાસુર: ‘સારું લાગ્યું ને! પ્રિયજન મળતાં સુખાનુભૂતિ થઈને? તમારા કહેવાથી મેં બધાને મુક્ત કરી દીધા, હવે તમે પણ મારી પ્રિય વસ્તુ મને પાછી આપો, મારી મા મને પાછી આપો.’
ભગવાન શિવ: ‘યાદ રાખો અરુણાસુર! આ પશુ મારા નથી જેમ તમારી માતા તમારી નથી. તમારી માતાના અંતિમ સંસ્કાર કરી તેમને મુક્ત કરી આસક્તિ બંધ કરો.’
અરુણાસુર: ‘હું તમારી જેમ મહાન નથી કે જેણે પોતાના પુત્રનું શિષ જ કાપી નાખ્યું. મુક્તિ આપી દેવી જોઈતી હતી તેને. પણ તમે તેને નવજીવન આપ્યું. સંસારને વિપરીત જ્ઞાન આપી રહ્યા છો, અર્થાત્ તમારા પ્રિયજનોને પુન:જીવિત કરવા ઉચિત છે અને હું મારી માતા પુન:જીવિત કરવા ઈચ્છુ એ માનસિક વિકૃતિ?’
ભગવાન શિવ: ‘હા અરુણાસુર! આ માનસિક વિકૃતિ જ છે.’
અરુણાસુર: ‘નહીં પશુપતિનાથ, આ સત્ય નથી, પણ સત્ય તો એ છે કે તમારી નિયતી અને પ્રકૃતિ બંને પક્ષપાતી છે. ખંડન કરી શકો આ સત્યનો. શું નિયતી અને પ્રકૃતિના નિયમો શું અસુરો અને માનવો માટે જ છે. દેવતાઓનું મૃત્યું કેમ થતું નથી. દેવતાઓને જ શું કામ અમરત્વ પ્રાપ્ત છે. તમે વર્ચસ્વની વાત કરો છો પણ વર્ચસ્વની શરૂઆત તો દેવતાઓએ જ કરી છે. અમારી આરાધના નહીં કરો તો અનર્થ થઈ જશે. યજ્ઞ નહીં કરો તો દેવતાઓ પ્રસન્ન નહીં થાય. શું આ મનુષ્યો તમને પ્રેમ કરે છે? તો એના જવાબમાં હું કહીશ કે તેઓ ગભરાયેલા છે આતંકિત છે કે દેવતાઓ પ્રસન્ન નહીં હોય તો જીવનમાં દુ:ખ જ દુ:ખ આવશે.
ભગવાન શિવ: ‘અરુણાસુર પ્રશ્ર્ન નિયંત્રણનો નથી તમારા અહંકારનો છે અને અહંકારી માનવ ક્યારેય અજ્ઞાનના અંધકારથી ક્યારેય મુક્ત થતો નથી. જો પ્રશ્ર્નનો ઉદ્દેશ જિજ્ઞાસાનો અને ભાવ સમર્પણનો હોત તો જ્ઞાનનો પ્રકાશ અંધકારને ચીરી તમારા સુધી અવશ્ય પહોંચ્યો હોત. જે ક્ષણે તમે સમજી જશો એજ ક્ષણે તમારી નગ્નતાનો બોધ તમને થઈ જશે. બધી શંકાઓ દૂર થઈ જશે, ભ્રમ મટી જશે. પ્રકૃતિ ક્યારેય એ નથી જોતી કે કોણે શું મેળવ્યું અને કોણે શું ખોયું. વિચાર કરી જુઓ અરુણાસુર કે તમે તમારી માતાને ફરી પુન:જીવિત કરી પિતા કરતાં વધુ કષ્ટ આપવા તો નથી માગતા ને?’ (ક્રમશ:)