Mon Jun 01 2026

Logo

શિવ રહસ્યઃ હું મારી દિવ્ય દૃષ્ટિથી તેમને જોઈ શકતો નથી, પરંતુ...

2026-06-01 09:10:00
Author: Bharat Patel
Article Image

 

ભરત પટેલ

બ્રહ્માજી કહે છે દેવરાજ તમારે એ વિચાર કરવો જોઇએ કે કામધેનુએ સ્વર્ગનો ત્યાગ શું કામ કર્યો? તમારી ઉપેક્ષા જ કારણભૂત છે કામધેનુને સ્વર્ગનો ત્યાગ કરવા. તમારી ઉપેક્ષાથી અસંતોષાઈને કામધેનુએ સ્વર્ગ છોડી દીધું છે. વિનવણી કરતાં દેવરાજ કહે છે, ઋષિગણ (સપ્તર્ષિ) સ્વર્ગ લોક ખાતે મારી રાહ જોઈ રહ્યા છે મને સહાય કરો. કામધેનુને શોધી તેમને સોંપવાનું મેં એમને વચન આપ્યું છે. હું એ ભયમાં છું કે કામધેનુ ક્યાંક ખોટા હાથમાં ન આવી જાય. 

નારાજ બ્રહ્માજી દેવરાજ ઇન્દ્રને કહે છે, તમે ગૌમાતા કામધેનુનું અપમાન કર્યું છે, હું તમને કોઈ મદદ નહીં કરું. નાસીપાસ દેવરાજ ઇન્દ્ર  ફરી સ્વર્ગલોક પહોંચે છે ત્યાં સપ્તર્ષિ (ઋષિગણ) તેમની રાહ જોતા હોય છે. તેમને જોતાં જ સપ્તર્ષિ પૂછે છે કે, દેવરાજ ક્યાં છે અમારી કામધેનુ. માફી માગતા દેવરાજ ઇન્દ્ર કહે છે, માફ કરો ઋષિગણ, હાલ હું કામધેનુને શોધી નથી શક્યો, દેવતાગણ દરેક દિશામાં તેમને શોધી રહ્યા છે. 

દેવરાજ ઇન્દ્રની સહાય કરતા દેવગુરુ બૃહસ્પતિ કહે છે, માફ કરો ઋષિગણ, દેવતાઓ કામધેનુને શોધી જ રહ્યા છે, થોડા જ સમયમાં તેઓ શોધી લાવશે. સપ્તર્ષિ દેવગુરુ બૃહસ્પતિનું માન રાખતાં કહે છે કે બૃહસ્પતિ તમારા શબ્દોને માન આપી અમે અહીંથી જઈએ છીએ, કામધેનુની ભાળ મળતાં જ અમને સોંપવામાં આવે. 

સપ્તર્ષિ (ઋષિગણ) દેવરાજ ઇન્દ્ર કહે છે, ગુરુદેવ તમે પણ મારો સાથ છોડી દીધો? સમજાવતાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે, દેવરાજ આ સમસ્યા ક્યારેય નિર્માણ ન થાત.... મેં તમને વારંવાર તમારી જવાબદારીઓ પ્રત્યે સભાન કરવાની કોશિશ કરી જોઈ પણ તમે દર વખતે મારા માર્ગદર્શનનો અસ્વીકાર કર્યો. હવે જો તમને યોગ્ય લાગે તો એટલું જણાવીશ કે કામધેનુને ચાર પુત્રીઓ છે. એમાં સૌથી જ્યેષ્ઠ સૌરભી ઉર્ફે નંદિની પૂર્વમાં નિવાસ કરે છે. 

બીજી હર્ષચિકા દક્ષિણમાં નિવાસ કરે છે, ત્રીજી સુભદ્રા પશ્ચિમમાં નિવાસ કરે છે અને ચોથી ધેનુ ઉત્તરમાં નિવાસ કરે છે. દેવરાજ, યાદ રાખો કે કામધેનુને શોધવી અગ્રક્રમે છે પણ ત્યારબાદ પંચતત્ત્વ દેવતાઓને શોધવા આવશ્યક છે. દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ લેતાં તેમને મદદ કરવા દેવગુરુ બૃહસ્પતિ દેવરાજ ઇન્દ્ર સાથે કામધેનુને શોધવા નીકળી પડે છે. 
*
દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ ઉત્તર દિશામાં નિવાસ કરતી ધેનુ પાસે પહોંચ છે.
દેવરાજ ઇન્દ્ર: ‘કામધેનુ સુપુત્રી ધેનુને પ્રણામ.’
ધેનુ: ‘દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિને પણ પ્રણામ. કહો તમારી શું સેવા કરી શકું.’
દેવરાજ ઇન્દ્ર: ‘જુઓ ધેનુ હું અને ગુરુદેવ તમારી માતા કામધેનુને ફરી સ્વર્ગલોક લઈ જવા આવ્યા છીએ.’

ધેનુ: ‘જુઓ દેવરાજ ઇન્દ્ર પહેલા મને એ બતાવો કે મારી માતાને શું થયું છે? તેઓ સ્વર્ગલોકમાં નથી.’
દેવરાજ ઇન્દ્ર: ‘ધેનુ અમારે કામધેનુને શોધવી ખૂબ જરૂરી છે, અન્યથા સપ્તર્ષિ મને શાપ આપી દેશે’.

ધેનુ: ‘હવે મને ખબર પડી રહી છે કે મારી માતા સ્વર્ગલોક ખાતે નથી, તેઓ ક્યાંક ચાલી ગયા છે. મેં ઘણી વાર જોયું છે કે તમે હંમેશાં તેમની ઉપેક્ષા કરતા રહો છો, કેટલો વખત કોઇ પોતાની ઉપેક્ષા સહન કરી શકે, તમારી ઉપેક્ષાથી કંટાળીને મારી માતા ક્યાંક ચાલી ગયાં છે, કાન ખોલીને સાંભળી લો દેવરાજ, માતા કામધેનુને શોધવા માટે હું તમને કોઈ મદદ નહીં કરું, અહીંથી ચાલ્યા જાવ તમે.’
*
ક્રોધિત ધેનુ દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિને કોઈ સહકાર ન આપતાં તેઓ પશ્ર્ચિમમાં રહેતી કામધેનુની પુત્રી સુભદ્રાને મળવા તેના નિવાસસ્થાને પહોંચે છે. તેમને જોતાં જ સુભદ્રા કહે છે:

સુભદ્રા: ‘દેવગુરુ બૃહસ્પતિ અને દેવરાજ ઇન્દ્રનું સ્વાગત છે. કહો તમારી શું સેવા કરું?’
દેવગુરુ બૃહસ્પતિ: પુત્રી સુભદ્રા તુરંત અમારે માતા કામધેનુને મળવું છે.’
સુભદ્રા: ‘દેવગુરુ શું મારી માતા સ્વર્ગલોક ખાતે નથી.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ ઇન્દ્ર દ્વારા વારંવાર થતી ઉપેક્ષાથી કંટાળી તમારી માતા કામધેનુએ સ્વર્ગનો ત્યાગ કર્યો છે. શું તેઓ અહીં આવ્યા છે?’

સુભદ્રા: ‘નહીં દેવગુરુ માતા અહીં આવ્યા નથી. તેઓ ક્યાં હશે. દેવરાજ ઇન્દ્ર તમને યોગ્ય શિક્ષા થવી જોઈએ.’
દેવરાજ ઇન્દ્ર: ‘દેવી મને જે શિક્ષા આપવી હોય તે આપો, પણ પહેલાં મને જણાવો કે માતા કામધેનુ ક્યાં છે?’
સુભદ્રા: ‘મને જ્ઞાત નથી કે માતા ક્યાં છે? હું આશા કરું છું કે તમે કરેલી ભૂલનું પ્રાયશ્ર્ચિત કરશો, હું તમને એટલું તો અવશ્ય કહીશ કે માતાને શોધવા હું તમને કોઈ મદદ નહીં કરું.’

એટલું કહી સુભદ્રા ત્યાંથી ચાલ્યા જાય છે. સુભદ્રા પણ ન સમજતાં દેવગુરુ બૃહસ્પતિ અને દેવરાજ ઇન્દ્ર આગળ વધે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘ગુરુદેવ જુઓ તો ખરા! આપણે તેમની માતાને શોધી રહ્યા છીએ અને તેઓ મને દોષી ઠેરવવા પ્રયત્નશીલ છે, જાણે હું કોઈ ભિક્ષુક ન હોઉં. કેવો જમાનો આવ્યો છે.’
*
બીજી તરફ દેવર્ષિ નારદ બ્રહ્મલોક પહોંચે છે.
દેવર્ષિ: ‘પરમ પિતા મને એ તો જણાવો કે કામધેનુ ક્યાં છે?’
બ્રહ્માજી: ‘હું મારી દિવ્ય દૃષ્ટિથી પણ તેમને જોઈ શકતો નથી. તેઓ ધારશે ત્યારે જ આપણી સમક્ષ ઉપસ્થિત થશે.’

દેવર્ષિ: ‘પરમ પિતા શું આપણે ભગવાન શ્રીહરિ વિષ્ણુના શરણે જવું ન જોઈએ.’
બ્રહ્માજી: ‘અવશ્ય.’
બ્રહ્માજી, માતા સરસ્વતી અને દેવર્ષિ નારદ વૈકુંઠલોક ખાતે પહોંચે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘હું તમારી ઝંખના સમજી શકું છું, પણ અત્યારે કંઈ ન કહી શકાય.’

દેવર્ષિ: ‘પ્રભુ મને એવું લાગે છે સુભદ્રાની આશા ક્યારેય પૂરી નહીં થાય, કેમ કે દેવરાજ ઇન્દ્ર ક્યારેય સમજી નહીં શકે કે કામધેનુનો સ્વર્ગને ત્યાગવાનો ઉદ્દેશ શું છે. દેવરાજ ઇન્દ્ર જ નહીં પશુઓની ઉપેક્ષા કરી તેમને પ્રતાડિત કરનારા પૃથ્વીલોક પર ઘણાં પડ્યા છે. તેમને જ્ઞાત જ નથી કે તેઓ શું કરી રહ્યાં છે. હવે મને આ વાતનું આંકલન કરતાં સમજ પડે છે કે આ બાબતે સંસારને જાગૃત કરવા પશુપાલક રૂપ ધારણ કરનાર ભગવાન શિવ મણિકાને તૈયાર કરી રહ્યાં છે.’
*
સામે પક્ષે દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ માતા કામધેનુને શોધવા તેમની ત્રીજી પુત્રી હર્ષચિકા પાસે જાય છે. હર્ષચિકા પણ તેમને એમ જ કહે છે, ‘માતા કામધેનુ અહીં આવ્યાં નથી અને તેમને ખબર પણ નથી કે માતા કામધેનુ ક્યાં ગયાં છે.’   (ક્રમશ:)