Thu Jun 25 2026

Logo

ચિંતનઃ સત્સંગનું મહત્ત્વ

2026-06-22 13:01:00
Author: Hemu Bhikhu
Article Image

 

હેમુ ભીખુ

કહેવાય છે કે કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિ; આ બધાં જ મર્યાદિત ફળ આપે, જ્યારે સત્સંગનું ફળ અપરિમિત, અમર્યાદિત અને સાથે સાત્વિક અને આધ્યાત્મિક હોય. 

પૌરાણિક માહિતી મુજબ કલ્પવૃક્ષ એ સ્વર્ગનું એવું વૃક્ષ છે જેની પાસે જે કંઈ માંગવામાં આવે તે મળી રહે. અહીં ‘કલ્પ’ શબ્દનું મહત્ત્વ છે, તે કલ્પના કરીને માંગેલી ‘વસ્તુ’ આપે. કલ્પવૃક્ષ સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્યનો નિર્ણય ન કરે; તે તો જે માંગવામાં આવ્યું હોય તે પ્રદાન કરે. 

કામધેનુ સ્વર્ગની ગાય છે જે પણ ઇચ્છિત ભૌતિક સુખ આપી શકે છે. અહીં ‘કામ’ શબ્દનું મહત્ત્વ છે. અહીં માંગણી કામના આધારિત હોય, જેવી કામના તેવી પ્રાપ્તિ. જો કામનામાં સ્પષ્ટતા ન હોય અથવા અપૂર્ણતા હોય તો પરિણામ પણ તે પ્રકારનું પ્રાપ્ત થાય. 

ચિંતામણિના કિસ્સામાં જે પ્રમાણેનું ‘ચિંતન’ હોય તે પ્રમાણેની પ્રાપ્તિ થાય. જો ચિંતન નકારાત્મક હોય તો ખોટું પરિણામ પણ ઉદ્ભવે. આ બધાંમાં ધન માંગવામાં આવે તો ધન મળે, પરંતુ અહીં ધન પ્રાપ્તિ સાથે અહંકાર અને ભૌતિક બંધન પણ આવી શકે. 

સાથે સાથે એમ કહેવાય છે કે અહીં શાંતિ માંગવામાં આવે તો શાંતિ ન મળે, કારણ કે શાંતિ એ વસ્તુ નથી પરંતુ ભાવ છે. કલ્પવૃક્ષ, કામધેનુ કે ચિંતામણિ જ્ઞાન, ભક્તિ, મુક્તિ, પરમ આનંદ કે પૂર્ણતા પ્રદાન ન કરી શકે. તેની માટે તો સત્સંગની આવશ્યકતા રહે.   

કહેવાય છે કે ‘સતાં હિ સંગ: અખિલં પ્રસૂતે’ અર્થાત સજ્જનોના સંગથી - સત્સંગથી સર્વ પ્રકારનાં શુભ ફળ પ્રાપ્ત થઈ શકે. સતાં એટલે સત્યનિષ્ઠ સત્પુરુષો, સંગ: એટલે સંગત, અખિલં એટલે સર્વ પ્રકારનું (શુભ) અને પ્રસૂતે એટલે ઉત્પન્ન કરે છે. 

‘સંગ તેવો રંગ’ સિદ્ધાંત પ્રમાણે સારા લોકોનો સંગ કરવાથી જીવનમાં સારા વિચારો અને સારા ગુણોનો પ્રવેશ થાય, વિવેક અને સંયમ સ્થાપિત થાય, સારા ધર્મનિષ્ઠ કાર્યો માટે પ્રેરણા મળે, જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે, જ્ઞાન અને વિદ્યા પ્રત્યે જિજ્ઞાસા ઊભી થાય, ધર્મ અને સત્ય માટે નિષ્ઠા જાગે અને તે બધાંથી અંતે શાંતિ, સંતોષ, આનંદ અને પૂર્ણતાની અનુભૂતિ થઈ શકે. 

મજાની વાત એ છે કે સત્સંગથી માત્ર ઇચ્છિત બાબતોનો જ નહીં પરંતુ જીવનની સર્વોત્તમ બાબતોનો પણ પ્રવેશ થઈ શકે. સત્સંગ જીવનને યોગ્ય દિશામાં લઈ જાય-સત્સંગ જીવનને સંપૂર્ણ રીતે પરમની અનુભૂતિમાં પરિવર્તિત કરી શકે. એમ કહી શકાય કે જે ‘અંદર’ના ઈશ્વર તરફ લઈ જાય તે સત્સંગ અને જે ‘બહાર’ની દુનિયામાં ફસાવે તે દુસ્સંગ. 

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પણ જણાવાયું છે કે સત્સંગથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ગીતામાં જ્ઞાની પાસે જઈને, તેમની સેવા કરીને, તેમને પ્રશ્નો પૂછીને જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કહેવામાં આવી છે; અહીં પણ સત્સંગનું મહત્ત્વ સ્થાપિત થાય છે. વિવેક-ચુડામણીમાં ‘સત્સંગ-નિસ્સંગ-નિર્મોહ-નિશ્ર્ચલ તત્ત્વ’નો ઉલ્લેખ કરીને આદિ શંકરાચાર્યે સત્સંગનું મહત્ત્વ દર્શાવ્યું છે. સૌ પ્રથમ સત્સંગથી સત્યપ્રેમી લોકોનો સાથ મળે જેનાથી સત્ય અને ધર્મ સમજમાં આવે. અહીંથી અજ્ઞાન દૂર થતાં મનની શુદ્ધિ શરૂ થાય. 

નિસ્સંગ એટલે અસંગતાના તબક્કામાં બાહ્ય વસ્તુઓ પ્રત્યેની આશક્તિ દૂર થાય અને ‘હું અને મારું’નો ભાવ નષ્ટ થાય. અહીં અંદરની તરફનો પ્રવાસ ચાલુ થઈ શકે. નિર્મોહ એટલે કે મોહનો અભાવ ઉભો થતાં વૈરાગ્યની સ્થિતિ પ્રાપ્ત થાય અને પૂર્ણ સત્ય માટે જિજ્ઞાસા જાગે. આ પ્રક્રિયાના અંતમાં નિશ્ર્ચલ તત્ત્વ એટલે કે બ્રહ્મ-સત્યમાં અડગ સ્થિરતા પ્રાપ્ત થાય અને પરમ શાંતિ તેમજ આત્માનુભૂતિ શક્ય બને. આ ચારેય પગથિયાં જીવનને બાહ્ય અશાંતિથી આંતરિક શાંતિ તરફ લઈ જાય છે.

એમ કહી શકાય કે સત્સંગ એટલે આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ. 

સત્સંગનું એક અદ્ભુત, પ્રત્યક્ષ અને સચોટ ઉદાહરણ જેસલ જાડેજાનું છે. જેણે સાત-વીસું મોડબંધા માર્યાં હોય, ઘાસ ચરતી ગાયોને વાઢી હોય, સગી બેન અને તેનાં બે બાળકોની હત્યા કરી હોય, એકંદરે, પ્રતિકાત્મક રીતે કહીએ તો, માથાના જેટલાં વાળ હોય તેટલાં જેણે કુકર્મ કર્યા હોય; તે પણ સતી તોરલના સત્સંગથી પુણ્યશાળી આત્મા બની ગયો હતો. આ તો હમણાંની જ વાત છે. આજે પણ કચ્છના અંજારમાં સતી તોરલ અને જેસલ જાડેજાની સમાધી સાક્ષાત છે. પૌરાણિક ઇતિહાસમાં તો આવાં ઘણાં પ્રસંગ નોંધાયેલાં છે.સત્સંગનું સકારાત્મક,ધાર્મિક તેમજ આધ્યાત્મિક ફળ અમર્યાદિત છે. 

બની શકે કે સત્સંગ પ્રત્યક્ષ સ્વરૂપે ફળ ન આપે પરંતુ તેનાંથી ફળ પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવાય. સત્સંગનો મૂળ અર્થ છે સત્ +સંગ અર્થાત સત્યરૂપ શાશ્વત પરમ સાથેનું જોડાણ. સ્વાભાવિક રીતે આ જોડાણથી અસ્તિત્વ સત તરફ ગતિ કરે. જે પરિસ્થિતિમાં ઇન્દ્રિય નિગ્રહ શક્ય બને, ષડરિપુ પર નિયંત્રણ પ્રાપ્ત થાય, જ્ઞાન માટે જિજ્ઞાસા જાગે, ધ્યાનનો અભ્યાસ કરવાની વૃત્તિ જાગે, સતકર્મો માટે પ્રેરણા મળે, ભક્તિ અને સમર્પણ માટે ઉત્સાહ સ્થાપિત થાય, નિર્મોહીપણું અને વૈરાગ્ય ઊભરે, ઇન્દ્રિયો નિયંત્રણમાં રહે અને આસક્તિ ઘટે, અશાંતિ અને ઉદ્વેગ દૂર થાય, સ્વભાવ તેમજ વ્યવહારમાં સકારાત્મકતા આવે, સૃષ્ટિના સિદ્ધાંતમાં શ્રદ્ધા અને વિશ્વાસ વધે, શાસ્ત્રો પ્રત્યે રુચિ જાગે, અને આ બધાંથી ક્યાંક ‘માંહ્યલો’ જાગી જાય તો તો સત્સંગનો લાભ જે જેસલ જાડેજાને મળ્યો તે દરેક વ્યક્તિને પણ મળી શકે. 

આધુનિક મનોવિજ્ઞાન પણ એ વાત સ્વીકારે છે કે જો નકારાત્મક વિચારધારાવાળા લોકો વચ્ચે રહેવામાં આવે તો વિચારો નકારાત્મક બની શકે અને જો પ્રેરણાદાયક લોકો વચ્ચે રહેવામાં આવે તો જીવનની ગુણવત્તા સુધરી શકે. કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિ કરતાં સત્સંગનું સ્થાન ઘણું ઊંચું છે.