Thu Jun 25 2026

Logo

સંત વાણીઃ તણખો પડ્યો ને ઘર બળ્યું: રવિસાહેબનું અધ્યાત્મદર્શન

2026-06-22 13:11:00
Author: Maheshkumar Makwana
Article Image

મહેશકુમાર મકવાણા  

વાણીને માત્ર સાંભળવી પૂરતી નથી, પણ તેના ઊંડા અર્થને હૃદયમાં ઉતારવો પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભીતરથી સાવ નિર્મળ બની, પોતાના અહંકારનો લય કરે છે ત્યારે વર્ષોના પાપના પોટલાં પળવારમાં ભસ્મ થઈ જાય છે. આવું જ કંઈક રવજી વણિકના જીવનમાં બન્યું. ભાણસાહેબ જેવા સમર્થ ગુરુના જ્ઞાનના એક તણખાએ સામાન્ય ‘રવજી’ને ‘રવિસાહેબ’ બનાવી દીધા. તણખો પડ્યો ને ઘર બાળ્યું, એમ રવિ કે’ છે,

ગુરુજી મેં તો સઘળું પરજાળ્યું, એમ રવિ કે’ છે.
પરથમ તો મેં મારી માતાને મારી, પિતા મેલ્યો પરવારી,
પછી દુનિયા લાગી છે મુને ખારી રે... એમ રવિ કે’ છે.
મામા માર્યા મહિપતિ રાણા, એના દળીને કરી નાખ્યા દાણા,
મટી ગયા એના તાણાવાણા રે... એમ રવિ કે’ છે.
ભાઈ મેં તો માર્યો ભડ, ખોદીને કાઢી નાખી એની જડ,
પછી બેઠો સમદરિયાને તટ રે... એમ રવિ કે’ છે.
કરમના કીધા છે કટકા, એવા લાગ્યા રવિને રંગના ચટકા,
ભાણ ગુરુએ માર્યા ફટકા રે... એમ રવિ કે’ છે.  

ગુરુના ઉપદેશનો ‘તણખો’ એ પરિવર્તનની ચિનગારી છે. રવિસાહેબ જ્યારે કહે છે કે ‘મેં ઘર બાળ્યું’, ત્યારે તે કોઈ ઈંટ-પથ્થરના મકાનની નહીં, પણ ઇન્દ્રિયોના સુખ અને અજ્ઞાનના ઘરની વાત કરે છે. અજ્ઞાનના જૂના ઘરનો ત્યાગ કર્યા વગર જ્ઞાનના રંગમહેલમાં પ્રવેશ શક્ય નથી.  

‘પરથમ તો મેં મારી માતાને મારી, પિતા મેલ્યો પરવારી -આ પંક્તિ ઉપરછલ્લી રીતે હિંસક લાગે, પણ તેનો આધ્યાત્મિક મર્મ ઊંડો છે. અહીં માતા એટલે સાક્ષાત્ માયા, જેની સાથેનો મોહ-સંબંધ તોડવો અનિવાર્ય છે. પિતા એટલે આપણું મન, જે વિચારોનો જનક છે. જ્યારે માયા અને મનનો નાશ થાય છે, ત્યારે જ સંસારના વિષયો ખારા એટલે કે નિરસ લાગે છે.  

‘મામા માર્યા મહિપતિ રાણા’ - અહીં મામા એટલે મમત્વ. મારું-તારું કરવાની વૃત્તિ. આ મમત્વ કોઈ સામાન્ય શત્રુ નથી, પણ મહિપતિ રાણા જેવો શક્તિશાળી છે. રવિસાહેબ તેને માત્ર મારતા નથી, પણ દળીને દાણા કરી નાખે છે. અનાજ દળાઈ જાય પછી તે ફરી ઊગી શકતું નથી; તેમ મમત્વ સમૂળગું નાશ પામે તો જ રાગ-દ્વેષના તાણાવાણાથી મુક્તિ મળે છે. વિવેક રૂપી સુપડાથી તેમણે જીવનનો બધો જ કચરો દૂર કરી આત્માને શુદ્ધ કર્યો છે.  

‘ભાઈ મેં તો માર્યો ભડ’ - ભડ એટલે ભીતર છુપાયેલો મહાબળવાન અહંકાર. તેને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે રવિસાહેબે રોઈ રોઈને મન વાળ્યું છે. આ આંતરિક પરિવર્તન વેદના અને પશ્ર્ચાતાપ વગર શક્ય નથી. જ્યારે અહંકારના મૂળિયાં ઉખડી જાય, ત્યારે સાધક સમદરિયાને તટ એટલે કે અખૂટ આનંદના સાગરે પહોંચે છે.  

અંતિમ ચરણમાં ગુરુ ભાણસાહેબના જ્ઞાનના ફટકાનો મહિમા છે. આ ફટકાથી કર્મનાં બંધનો તૂટીને કટકા થઈ ગયા છે. રવિસાહેબને હવે ઈશ્વરીય પ્રેમના રંગના ચટકા લાગ્યા છે. ગુરુએ તેમને સાચા સંત હોવાનું બાનાનું બિરુદ બતાવ્યું છે. રવિસાહેબની આ વાણીમાં વપરાયેલાં રૂપકો-અજ્ઞાનનું ઘર બાળવું, મમત્વને દળવું કે વિવેકનું સૂપડું-શુષ્ક તત્ત્વજ્ઞાનને જીવંત કવિતામાં ફેરવી નાખે છે. આ રચના આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવાની પ્રેરણા આપે છે.