મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP)ના કોંગ્રેસમાં વિલય થવાની અટકળોએ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. શિવસેનાના રાજ્યસભાના મેમ્બર સંજય રાઉતે કહ્યું હતું કે કોંગ્રેસથી અલગ થયેલા પક્ષોએ હવે કોંગ્રેસમાં ભળી જવું જોઈએ. તેમનો ઈશારો એનસીપીના વિલીનીકરણ તરફ હતો. બીજી તરફ શરદ પવારના પક્ષના ઘણા વિધાન સભ્યો રાઉતના નિવેદનથી ખૂબ જ નારાજ છે અને મહા વિકાસ આઘાડીમાં આંતરિક વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પવાર જૂથના વિધાનસભ્યોએ એનસીપીના વિલય બાબત સંજય રાઉતના જાહેર નિવેદન અથવા વક્તવ્ય સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. રાઉતે પોતાના પક્ષ વિશે વાત કરવી જોઈએ. અમારા પક્ષનું શું કરવું, વિલીનીકરણ કરવું કે નહીં એ નક્કી કરવા જેટલા શરદ પવાર કૌવત ધરાવે છે. વિધાનસભ્યોએ અંગત રીતે એવી લાગણી વ્યક્ત કરી છે કે અન્ય પક્ષના નેતાઓને તેમની આંતરિક બાબતો વિશે વાત કરવાની જરૂર નથી.
મહત્ત્વની વાત એ છે કે શરદ પવારના પક્ષના મોટાભાગના વિધાન સભ્યો કોંગ્રેસમાં ભળી જવા માટે બિલકુલ તૈયાર નથી. સભ્યોની દલીલ છે જે કોંગ્રેસમાં ભળી જવાને બદલે એનસીપીએ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખીને પોતાનું રાજકીય વલણ રજૂ કરવું જોઈએ. અથવા જો કોઈ નિર્ણય લેવો હોય તો સીધા સત્તામાં સહભાગી થવામાં શું ખોટું છે?
એક તરફ દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રાદેશિક પક્ષો વચ્ચે વિલીનીકરણની વાત ચાલી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના વિધાન સભ્યોના આ આંતરિક વિરોધ અને સંજય રાઉત બદલ નારાજગીને કારણે આગામી દિવસોમાં મહા વિકાસ આઘાડીમાં મોટા ફેરફારની સંભાવના છે.
એનસીપી (શરદ પવાર)ની પ્રતિક્રિયા
બીજી તરફ,એનસીપી (શરદ પવાર) એ હાલ કોઈ ઔપચારિક વિલીનીકરણના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. પક્ષના નેતાઓએ કહ્યું છે કે સત્તાવાર રીતે આવી કોઈ ચર્ચા થઈ નથી, જોકે રોહિત પવાર અને સુપ્રિયા સુળેના નિવેદનોએ સંકેત આપ્યો છે કે વિપક્ષની એકતાના પ્રશ્ન પર તમામ વિકલ્પો પર વિચાર કરી શકાય છે.
એનસીપીના કોંગ્રેસમાં વિલય કરવાના સૂચન પર સુપ્રિયા સુળેએ કહ્યું કે સંજય રાઉતજી મારા માટે મોટા ભાઈ જેવા છે. તેમણે એક સારું સૂચન કર્યું છે. મને ખબર નથી કે એ પ્રમાણે થશે કે નહીં.' બીજી તરફ રોહિત પવારે એટલું જ કહ્યું કે 'જ્યારે થશે ત્યારે થશે. થાય પણ ખરું અને ન પણ થાય. સૌથી પહેલા એ જરૂરી છે કે તમામ વિપક્ષી દળો ભેગા થાય અને મોદી સરકાર વિરુદ્ધ મજબૂતીથી ઉભા રહે.'