Sun Jun 14 2026

Logo

PM મોદી ઔરંગઝેબની ધરતીથી આવે છે! સંજય રાઉતના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કહ્યું ગુજરાતનું અપમાન....

2026-06-13 19:00:26
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશમાં એકતરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ કરતાં વધુ દિવસો સુધી દેશના વડા પ્રધાન પદ પર રહીને રેકોર્ડ બનાવ્યાની ઉજવણી થઈ રહી છે. તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાના નેતા સંજય રાઉતે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીને "અઘોરી" અને ક્રૂર વ્યક્તિ તરીકે ઉલ્લેખ કર્યા બાદ રાજકીય વિવાદ શરૂ કર્યો છે. સંજય રાઉતની ટિપ્પણી પર સત્તાધારી ભાજપે આકરી પ્રતિક્રિયા આપી હતી.

કઈ રીતે શરૂ થયો વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત પુણેમાં યોજાયેલી એક પત્રકાર પરિષદથી થઈ હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે તેમણે ક્યારેય મોદી જેવા "અઘોરી" અને ક્રૂર રાજકીય વ્યક્તિત્વને જોયા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાનનું સમગ્ર વ્યક્તિત્વ ભયને પ્રેરે છે. જો કે આ દરમિયાન સંજય રાઉતે એમ પણ કહી દીધું કે મોદી એ જ માટીમાંથી આવે છે જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો.  આ દેશે જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, પીવી નરસિંહ રાવ, રાજીવ ગાંધી, બાબાસાહેબ આંબેડકર અને બાળાસાહેબ ઠાકરે જેવા મહાન નેતાઓ આપ્યા છે. પરંતુ જ્યારે આપણે મોદીના સમગ્ર પાત્ર પર નજર કરીએ છીએ, ત્યારે ડર પેદા થાય છે. આવી વ્યક્તિ ક્યાંથી આવી?".

સંજય રાઉતની આ ટિપ્પણીઓ પર આકરી  પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું હતું કે આ નિવેદનો દર્શાવે છે કે વિપક્ષની હતાશા 'નવા સ્તરે' પહોંચી ગઈ છે અને તે હવે માત્ર પીએમ મોદીને જ નહીં પરંતુ ગુજરાતને પણ નિશાન બનાવી રહી છે. તેમણે કહ્યું હતું કે "તેઓ હતાશાના નવા સ્તરે પહોંચી ગયા છે અને હવે તેઓ માત્ર વડા પ્રધાન મોદી અને બંધારણીય પદનો દુરુપયોગ નથી કરી રહ્યા પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું પણ અપમાન કરી રહ્યા છે."

આગળ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ભૂતકાળમાં મોદી વિરુદ્ધ વારંવાર અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે અને રાજકીય હતાશામાં આવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "કોંગ્રેસ પાર્ટી અને તેના સાથી પક્ષોએ બધી હદો વટાવી દીધી છે. રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી વિરુદ્ધ ઘણા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે વડા પ્રધાન વિરુદ્ધ 150 થી વધુ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે."