મુકેશ પંડ્યા
ગયા પ્રકરણમાં આપણે જોયું કે સનાતન ધર્મમાં અનેક પ્રકારનું જ્ઞાન પીરસાયું છે, પરંતુ દરેક વ્યક્તિ એને હૂબહૂ અનુસરે તેવો આગ્રહ નથી રખાયો.
દરેકને પોતાની રીતે વિચારવાની, બોલવાની અને વર્તન કરવાની છૂટ અપાઈ છે. લોકશાહીની જેમ વાણી સ્વાતંત્ર્યતા એ સનાતન ધર્મનો પણ પાયાનો ગુણ છે. સનાતન ધર્મના અનેક વાહકોએ આ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તેને જરૂર પડયે મઠારી સુધારીને દરેક કાળમાં જીવંત રાખ્યો છે.
બીજું, લોકશાહી દેશમાં જેમ એક સામાન્ય નાગરિક વડા પ્રધાન પદ પર પહોંચી શકે છે તેમ સનાતન ધર્મમાં કોઈ સામાન્ય જીવ પણ શિવ થઈ શકે છે. પરમ પદ પામી શકે છે. નરસિંહ મહેતા જેવા બ્રાહ્મણ હોય કે ગોરા કુંભાર, મીરાંબાઈ જેવા રાજપૂત હોય કે નામદેવ દરજી, સંત એકનાથ હોય કે રોહીદાસ ચમાર દરેક જણે ભક્તિ માર્ગે આગળ વધીને પરમ પદ પ્રાપ્ત કર્યું છે.
વળી પરમ સ્થાને પહોંચવા માત્ર આ એક જ માર્ગ નથી. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ દ્વારા પણ સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરી શકાય છે. સ્વામી વિવેકાનંદ અને યોગી અરવિંદ જેવા સંત જ્ઞાન માર્ગે આગળ વધ્યા હતાં તો શ્રીરામ, કૃષ્ણ, અર્જુન વગેરે કર્મ માર્ગે ઉચ્ચ પદ પામ્યા. આમ આ લોકશાહીયુક્ત ધર્મમાં લોકો પોત પોતાની પસંદગી અનુસાર, પોતાને અનુકૂળ હોય એ પ્રમાણેની ઉપાસના પદ્ધતિ અપનાવીને પોતાના જીવનો અને જીવનનો વિકાસ સાધી શકે છે.
આ ધર્મમાં મનુષ્ય અને ઈશ્વર અલગ અલગ નથી. મનુષ્ય ક્યારેય ઈશ્વર ન બની શકે. તેણે તો ફક્ત ઈશ્વરીય આદેશનું પાલન જ કરવાનું એવું કોઈ ફરમાન સનાતન ધર્મમાં નથી.
મનુષ્ય ચાહે તો પોતાની મહેનત, લગન અને બુદ્ધિથી ઈશ્વર બની શકે છે.
ત્રીજું, તંદુરસ્ત લોકશાહીમાં જેમ વિપક્ષનું અર્થાત વિરોધ પક્ષોનું સ્થાન હોય છે તેમ સનાતન ધર્મ વિરોધીઓને પણ આવકારે છે. સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મને ન અનુસરનારા પણ હિન્દુ જ રહે છે. આ ધર્મ માત્ર વિરોધીઓનો જ નહીં પણ ધર્મમાં ન માનનારા નાસ્તિકોનો પણ સ્વીકાર કરે છે.
કોઈ વ્યક્તિ નાસ્તિક હોય પરંતુ મન, વચન અને કર્મથી સદગુણી હોય, કોઈનું પણ વિચાર, વાણી અને વર્તન દ્વારા અહિત ન કરતો હોય તો એ સદાય આવકાર્ય જ હોય છે. હિન્દુ ધર્મમાં તમને ક્યારેક વિરોધાભાસ કે મત મતાંતરો જોવા મળે તો એ પણ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. સ્વામી વિવેકાનંદે કહ્યું જ છે કે વિવિધતામાં એકતા એ જ સનાતન ધર્મની ખૂબી છે. પાંચેય આંગળીઓ સરખી નથી હોતી પરંતુ એક જ હાથ સાથે જોડાયેલી રહે છે તેમ વિચારો કે આચરણમાં ભિન્નતા હોય કે વિવિધતા હોય છતાંય બધા જ લોકો સનાતન ધર્મ સાથે જોડાયેલા રહે છે.
બીજી એક અગત્યની વાત.
લોકશાહી દેશમાં કોઈ પણ વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય છે તેનો અર્થ એ નથી કે તે સ્વચ્છંદ બની જાય.
જે કોઈ પણ વ્યક્તિ પછી એ આમ હોય કે ખાસ હોય પોતાની મર્યાદા ઓળંગે, ફરજ ભૂલે અને કોઈનું પણ અહિત થાય એવું વિચારે, બોલે કે કાર્ય કરે તો સજા રૂપી ફળ પણ ભોગવે છે. ભલભલા સત્તાધારીઓ પણ પોતાની ફરજ કે કર્તવ્ય ચૂકી જાય તો પ્રજા તેમને પાઠ ભણાવી શકે છે.
આ જ વાત સનાતન ધર્મમાં પણ સમજાવવામાં આવી છે.
દરેક મનુષ્યને પોતાની રૂચિ અને વિવેકબુદ્ધિ પ્રમાણે કર્મ કરવાની છૂટ છે, અધિકાર છે પરંતુ હા!
તેને તે કર્મના ફળ કેવા મળવા જોઈએ તે નિયતી પર છોડાયું છે. માણસને કર્મ કરવાનો જ અધિકાર મળ્યો છે ફળ પર નહીં. આ ફળ ભોગવવામાંથી માત્ર સામાન્ય માણસ જ નહીં પરંતુ સાધુ સંતો કે રામ કૃષ્ણ જેવી વિભૂતીઓ પણ બાકાત નથી રહી. રાજા હોય કે પ્રજા, રાય હોય કે રંક દરેકે કોઈ પણ ભેદભાવ વગર પોતાના કર્મોના ફળ ભોગવવા જ પડે છે. સારા કર્મોના સારા ફળ અને ખરાબ કર્મોના ખરાબ ફળ વહેલા કે મોડા મળીને જ રહે છે.
વેદ હોય કે ઉપનિષદ, પુરાણ હોય કે ભગવદ ગીતા કર્મનો આ સિદ્ધાંત દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારે ચર્ચાયો જ છે. કર્મનો સિદ્ધાંત એ સતાતન ધર્મની ખૂબસુરતી છે. આ સિદ્ધાંતને કારણે જ માણસને પોત પોતાની રીતે કર્મ કરવાની સ્વતંત્રતા મળી છે તો તેના ફળ પર પોતાનો અધિકાર ન હોવાથી એ સ્વતંત્ર હોવા છતાં શિસ્તમાં રહે છે. સત્કર્મ કરવા પ્રયત્ન શીલ રહે છે જ.
આવું સ્વયંસંચાલિત શિસ્તબદ્ધ લોકતંત્ર એ સનાતન ધર્મની દેણ છે પણ અફસોસની વાત એ છે કે આ બધુ જ્ઞાન આજે શાળા કોલેજોમાં શીખવા નથી મળતું અને નવી પેઢી સનાતન ધર્મથી વિમુખ થતી જાય છે.
આ કોલમ શરૂ કરવાનો આશય જ એ છે કે સનાતન ધર્મ અંગે લોકોમાં પ્રસરેલી ભ્રમણાઓ, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાઓ દૂર થાય અને વૈજ્ઞાનિક ઢબે શ્રદ્ધા દ્રઢ થાય. (ક્રમશ: )