નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમના મિડલ-ઑર્ડર બૅટ્સમૅન રિન્કુ સિંહના પિતાની તબિયત ગંભીર થઈ જતાં તે હમણાં આ ટૂર્નામેન્ટ છોડીને ઘરે પાછો આવી ગયો છે. રિન્કુ (Rinku Singh)ના પિતા (Father)ને ગ્રેટર નોઇડાની હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
ભારતની હવે પછીની મૅચ ગુરુવાર, 26મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે રમાશે અને એમાં રિન્કુના રમવાની સંભાવના ખૂબ ઓછી હોવાથી ટીમ મૅનેજમેન્ટે ટીમમાં ફેરફાર કરવો પડશે.
રિન્કુ પારિવારિક કારણસર ટીમ છોડીને પરિવાર પાસે પાછો આવી ગયો છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે તેના પિતા સિરિયસ હોવાથી તે પાછો આવી ગયો છે. તે ટીમ સાથે ચેન્નઈ ગયો હતો, પરંતુ ઘરેથી સમાચાર મળતાં જ વતન પાછો આવવા રવાના થયો હતો.
હાલમાં ટીમ ઇન્ડિયાનો સપોર્ટ સ્ટાફ રિન્કુના પરિવારના સતત સંપર્કમાં છે અને આ સ્ટાફ તેમ જ સમગ્ર ટીમ અને ક્રિકેટ બોર્ડ એવું માને છે રિન્કુ માટે આ સમય તેના પિતાની પડખે રહેવાનો છે.સામાન્ય રીતે રિન્કુને ઓછા બૉલ રમવા મળતા હોય છે, પરંતુ મોટા ભાગે તે એવી ટૂંકી ઇનિંગ્સને ધમાકેદાર બનાવવાનો પૂરો પ્રયાસ કરતો હોય છે.