Thu Jun 18 2026

Logo
IPL 2026:

રાજસ્થાન રોયલ્સના આ નિર્ણય અંગે રવિચંદ્રન અશ્વિને આશ્ચર્ય વ્યક્ત કર્યું...

2026-03-23 15:30:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: IPLની 19મી સિઝન માટે દરેક ફ્રેન્ચાઈઝી તૈયારી કરી રહી છે, રાજસ્થાન રોયલ્સે ટીમની કમાન યુવા બેટર રિયાન પરાગના હાથમાં સોંપી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટના આ નિર્ણય અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. 

નોંધનીય છે કે સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સથી ચેન્નઈ સુપર કિંગ્સમાં ગયો છે અને રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સમાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમની કેપ્ટનશીપ કોને મળશે એ અંગે સસ્પેન્સ હતું. અંતે રાજસ્થાન રોયલ્સે ટીમની કમાન રિયાન પરાગના હાથમાં સોંપવાનો નિર્ણય કર્યો.

રવિચંદ્રન અશ્વિને કહ્યું કે રાજસ્થાન રોયલ્સ એક એવી ટીમ છે જે ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણયો લે છે, તેમને આશા હતી કે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપવામાં આવશે. કેમકે રવીન્દ્ર જાડેજાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ છે.

અશ્વિને જણાવ્યું કે તેમના મગજમાં રવિન્દ્ર જાડેજાનું નામ હતું. તેમને એમ હતું કે રાજસ્થાન રોયલ્સ જાડેજાને કેપ્ટન અને રિયાન પરાગને વાઈસકેપ્ટન નિયુક્ત કરશે.

અશ્વિને એમ પણ કહ્યું કે રિયાન પરાગ પાસે ડોમેસ્ટિક ક્રિકેટમાં કેપ્ટનશીપનો અનુભવ છે. તેણે આસામની ટીમની કેપ્ટનશીપ કરી છે, જેના કારણે રાજસ્થાન રોયલ્સે રિયાનને ટીમની કેપ્ટનશીપ સોંપી છે. 

રિયાન સામે પડકારો:
ટીમના કેપ્ટન સામેના પડકારો અંગે વાત કરતા અશ્વિને જણાવ્યું કે કેપ્ટનશીપ મળવી એ એક વાત છે, પરંતુ સંપૂર્ણ સીઝન દરમિયાન ટીમનું નેતૃત્વ કરવું એ એક સંપૂર્ણપણે અલગ પડકાર છે. IPL જેવી ટુર્નામેન્ટ ઉતાર-ચઢાવથી ભરેલી હોય છે. એક યુવાન કેપ્ટન પર માત્ર મેદાન પર નિર્ણયો લેવાની જ નહીં, પણ ડ્રેસિંગ રૂમના વાતાવરણ સાચવવા, કોચિંગ સ્ટાફ સાથે સંકલન અને પોતાના ફોર્મ જાળવવાની પણ જવાબદારી હોય છે.