ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કહે છે, `હાર પરથી શીખો, સુપર-એઇટ રાઉન્ડને હળવાશથી ન લેવાય'
ચેન્નઈઃ રવિવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે 76 રનના માર્જિનથી પરાજિત થતાં ટી-20 વર્લ્ડ કપમાં ભારતની સતત 12 જીતનો વિજયરથ અટકી ગયો એને પગલે ભારતીય ટીમમાં મોટા પાયે ફેરફાર થશે એવી સંભાવના છે અને એ શક્યતા વચ્ચે ભૂતપૂર્વ ઑલરાઉન્ડર તથા ઍન્કર રવિ શાસ્ત્રીએ પ્લેઇંગ-ઇલેવનમાં સ્પિનર અને વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલ (Axar Patel)ને ફરી સમાવવા સહિત કેટલાક મહત્ત્વના ફેરફાર કરવાની સલાહ આપી છે અને `ધ આઇસીસી રિવ્યૂ'ના છેલ્લામાં છેલ્લા એપિસોડમાં ટીમ ઇન્ડિયા માટે ભાર દઈને કહ્યું છે કે `રવિવારની હાર પરથી શીખો, સુપર-એઇટ રાઉન્ડને હળવાશથી ન લેવાય.'
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની આગામી મૅચ ગુરુવારે ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે રમાશે. વર્લ્ડ નંબર-વન ભારતે સેમિ ફાઇનલમાં પહોંચવા આ મૅચ તેમ જ રવિવારની વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચ મોટા માર્જિનથી જીતવી જરૂરી છે.
શાસ્ત્રી (Shastri)એ વધુમાં કહ્યું, `ભારતીયો સતત 12 મૅચ જીત્યા પછી (પરાજયનો) એક બ્રેક ગમે ત્યારે આવવાનો જ હતો. સારું થયું જલદી આવી ગયો. ટીમ ઇન્ડિયા હવે રણનીતિમાં ફેરફાર કરી શકશે. રવિવારે હાર્યા એના પરથી ખેલાડીઓ એટલું તો શીખ્યા જ હશે કે સુપર-એઇટ રાઉન્ડને હળવાશથી લેવાય જ નહીં. વધુ એક પરાજય ટીમને પ્રચંડ પ્રેશરમાં લાવી દેશે.'
`બાપુ' તરીકે ઓળખાતા અક્ષર પટેલને બદલે વૉશિંગ્ટન સુંદરને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. રવિ શાસ્ત્રીએ કહ્યું, `હવે અક્ષરને ટીમમાં પાછો લાવવો જ રહ્યો. તેના અનુભવની ટીમને ખાસ જરૂર છે. હું તો કહું છું કે બન્ને (અક્ષર અને વૉશિંગ્ટન)ને રમાડો. ટીમમાં ભલે વધુ એક સ્પિનર રાખવો પડે. રવિવારે વરુણ ચક્રવર્તીના કિસ્સામાં બન્યું એમ ક્યારેક કોઈક બોલરની બોલિંગ અસર ન પણ કરે. જો અક્ષર ટીમમાં હશે તો બૅટિંગમાં આઠમા ક્રમ સુધી ડેપ્થ મળશે. હાર્દિક પંડ્યા પાંચમા નંબરે બૅટિંગ કરશે અને શિવમ દુબે છઠ્ઠા નંબરે. સાતમા નંબરે વૉશિંગ્ટનને મોકલી શકાય અને જરૂર લાગે તો અક્ષરને પાંચમા સ્થાને પણ મોકલી શકાય.'
આઠ-આઠ બૅટ્સમેન નિષ્ફળ જાય એ ન ચાલેઃ શાસ્ત્રી
શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયા માટે ઠપકો આપવાની ભાષામાં કહ્યું, `ટી-20 મૅચમાં જો આઠેય બૅટ્સમેન નિષ્ફળ જાય તો ટીમની બૅટિંગ લાઇન-અપમાં કંઈક ખોટું છે એ નક્કી કહી શકાય. ક્યાં ગઈ આપણા બૅટ્સમેનોની આક્રમક સ્ટાઇલની બૅટિંગ? મને લાગે છે કે ભારત વધારાનો એક બોલર ટીમમાં સમાવવાનું ચૂકી જાય છે. આ બહુ મહત્ત્વની વાત છે.'
રિકી પૉન્ટિંગે પણ મુદ્દાની વાત કરી
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને આઇસીસી હૉલ ઑફ ફેમનો પુરસ્કાર જીતનાર રિકી પૉન્ટિંગે પણ કહ્યું કે `ભારતે રવિવારે સાઉથ આફ્રિકા સામે અક્ષર પટેલને ન રમાડીને ભૂલ કરી હતી. મને લાગે છે કે ભારત પોતાની બેસ્ટ ઇલેવનને જ હવે મેદાન પર ઊતારશે. મેં કૉમેન્ટરીમાં સાંભળ્યું કે સાઉથ આફ્રિકાની ટીમમાં ઘણા લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનો હતા એટલે અક્ષરને મોકો નહોતો અપાયો.
જોકે તેમની ટીમમાં કેટલાક રાઇટ-હૅન્ડ બૅટ્સમેનો પણ હતા. અક્ષરના સ્પિનનો કયા સમયે ઉપયોગ કરવો એ જ કૅપ્ટનની ખરી કળા કહેવાય. હું તો કહું છું કે કુલદીપને ઇલેવનમાં સમાવો તો પણ ચાલે, કારણકે રાઇટ-હૅન્ડ કે લેફ્ટ-હૅન્ડ કોઈ પણ બૅટ્સમૅન હોય એનાથી કુલદીપને કોઈ ફરક નથી પડતો. તે બન્ને પ્રકારના બૅટ્સમેનને મૂંઝવી શકે એવો કાબેલ સ્પિનર છે.'