Thu Jun 18 2026

Logo

જમ્મુ-કાશ્મીર જબરદસ્તઃ એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી, 527 રન થયા અને હજીયે ટીમની બૅટિંગ ચાલુ જ છે!

2026-02-25 19:52:00
Author: Ajay Motiwala
Article Image

હુબલી (કર્ણાટક): જમ્મુ-કાશ્મીર પહેલી જ વખત રણજી ટ્રોફી (Ranji Trophy) જીતવાની દિશામાં પૂરપાટ આગળ વધી રહ્યું છે અને એનો પુરાવો મંગળવાર બાદ બુધવારે પણ મળી ગયો જેમાં આ રાજ્યની ટીમે કર્ણાટક (Karnataka) સામેની પાંચ દિવસીય ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં બીજા દિવસની રમતને અંતે પ્રથમ દાવમાં છ વિકેટના ભોગે 527 રન કર્યા હતા અને હજી ગુરુવારે પણ આ ટીમ સ્કોર આગળ વધારશે. કર્ણાટક પહેલા દાવમાં કેટલા રન બનાવશે અને સરસાઈ લઈ શકશે કે નહીં એના પર મૅચના પરિણામનો અને ચૅમ્પિયનપદનો આધાર છે. મૅચમાં હજી ત્રણ દિવસ બાકી છે.

જમ્મુ-કાશ્મીર (J & K)ની ટીમે કર્ણાટકને બોલિંગની તાકાત પહેલાં બૅટિંગમાં પરચો બતાવ્યો જેમાં એક બૅટ્સમૅને સેન્ચુરી કરી અને પાંચ ખેલાડીએ હાફ સેન્ચુરી નોંધાવી. પારસ ડોગરાની કૅપ્ટન્સીમાં જમ્મુ-કાશ્મીરની ટીમે કર્ણાટકના છમાંથી ખાસ કરીને પાંચ બોલરની બોલિંગ ઍનેલિસિસ ખરાબ હાલતમાં જોવા મળી.

જમ્મુ-કાશ્મીરના 6/527ના સ્કોરમાં શુભમ પુંડીરના 121 રન, યાવર હાસનના 88 રન, પારસ ડોગરાના 70 રન, વિકેટકીપર કનૈયા વાધવાનના 70 રન, અબ્દુલ સમદના 61 રન અને સાહિલ લૉત્રાના અણનમ 57 રન સામેલ છે.

સામા પક્ષે કર્ણાટકના બોલર્સમાંથી (બુધવારની રમતના અંત સુધીમાં) શ્રેયસ ગોપાલ (130 રનમાં એક વિકેટ) સૌથી મોંઘો સાબિત થયો છે. શિખર શેટ્ટીને 112 રનમાં એક વિકેટ, વિદ્યાધર પાટીલને 104 રનમાં એક વિકેટ, પ્રસિદ્ધ ક્રિષ્નાને 90 રનમાં ત્રણ વિકેટ મળી હતી, જ્યારે વિજયકુમાર વૈશાકને 60 રનમાં એકેય વિકેટ નહોતી મળી. કરુણ નાયરની બે ઓવરમાં એક રન બન્યો હતો.