ન્યૂ ચંડીગઢમાં રાજસ્થાનની જ બોલબાલા છે, કારણકે ગુજરાત સામે એણે પ્રથમ બૅટિંગ લઈને અનેક વળાંકો વચ્ચે છેવટે 20 ઓવરમાં છ વિકેટે 214 રનનો તોતિંગ સ્કોર નોંધાવીને 2022ની વિજેતા ટીમને 215 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો. વૈભવ (96 રન, 47 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) જવાબદારીપૂર્વકની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો તો રવીન્દ્ર જાડેજા (45 અણનમ, 35 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) પણ યાદગાર ઇનિંગ્સ રમ્યો. કારણ એ છે કે તે હાથની ઈજા થયા પછી પાછો બૅટિંગ કરવા આવ્યો હતો અને છેક સુધી એક છેડો સાચવી રાખ્યો હતો.
ઇનિંગ્સના અંતે આઠમા નંબરનો બૅટ્સમૅન ડૉનોવાન ફરેરા (38 અણનમ, 11 બૉલ, ચાર સિક્સર, બે ફોર) છવાઈ ગયો હતો. તેણે રાશીદ ખાનની 20મી ઓવરમાં હૅટ-ટ્રિક સિક્સર સહિત કુલ પાંચ બૉલમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા.
ગુજરાત વતી રબાડા અને હોલ્ડરે બે-બે વિકેટ તેમ જ ક્રિષ્ના અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી. રાશીદ ખાનને 45 રનમાં અને સુંદરને 23 રનમાં વિકેટ નહોતી મળી.
વૈભવનો નવો રેકૉર્ડઃ 440 બૉલમાં 1,000 રન પૂરા

વૈભવ સૂર્યવંશીએ આઇપીએલમાં સૌથી ઝડપે 1,000 રન પૂરા કરવાનો વિક્રમ રચ્યો છે. તેણે માત્ર 440 બૉલમાં 1,000 રન બનાવ્યા છે. તેણે આન્દ્રે રસેલનો 545 બૉલમાં 1,000 રન બનાવવાનો રેકૉર્ડ તોડ્યો છે. ટિમ ડેવિડ (560 બૉ) ત્રીજા નંબરે છે.