Sat May 30 2026

Logo

ભારત-કેનેડા વેપાર કરારની વાટાઘાટોમાં સંવેદનશીલ ક્ષેત્રને દૂર રખાશેઃ ગોયલ

2026-05-29 20:53:04
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચેના મુક્ત વેપાર કરારની વાટાઘાટોમાં સરળતાથી સમજૂતી થઈ શકે એ દિશામાં કાર્ય કરવાનો અને સંવેદનશીલ ક્ષેત્રોમાં રાહતો આપવા જેવા મુદ્દાઓને દૂર રાખવામાં આવશે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું. 
નોંધનીય બાબત એ છે કે હાલમાં તેઓ કેનેડા સાથેના કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટર્નરશીપ એગ્રીમેન્ટ અંગેની ત્રીજા તબક્કાની વાટાઘાટો માટે ત્રણ દિવસીય ઓટ્ટાવાની મુલાકાતે ગયા છે. 

કેનેડાના વેપાર ખાતાના પ્રધાન મનીન્દર સિદ્ધુ સાથે જ્યારે હું વાટાઘાટોને ઝડપી બનાવવા અંગે વાત કરી રહ્યો હતો, ત્યારે અમે બન્નેએ લીધેલા પ્રાથમિક નિર્ણયોમાં એક નિર્ણય એ હતો કે અમે સારાને વધુ દુશ્મન નહીં બનાવીએ અને જ્યાં સરળતાથી સમજૂતી થઈ શકે એનો કરારમાં સમાવેશ કરીએ અને ભારતીય જનતા અથવા તો ભારતીય વ્યવસાયીકો માટે સંવેદનશીલ છે એવાં ક્ષેત્રોને હાલ દૂર રાખીને આગળ વધવાનો પ્રયાસ કરીએ, એમ તેમણે ઓન્ટારીઓ સેન્ટર ઑફ ઈનોવેશનને સંબોધતાં જણાવ્યું હતું. 

આ કરાર હેઠળ ભારત કૃષિ અને ડેરી ઉત્પાદનોમાં કેનેડાને એક્સેસ નહીં આપે. તેમ જ બન્ને પક્ષો વર્ષના અંત સુધીમાં સમજૂતી માટે વાટાઘાટો પૂર્ણ કરવા અંગે વિચારી રહ્યા છે. બન્ને દેશોએ વર્ષ 2030 સુધીમાં દ્વીપક્ષીય વેપાર જે હાલ 17 અબજ ડૉલરના સ્તરે છે તે વધારીને 50 અબજ ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વધુમાં ગોયલે એમ પણ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન તેઓ સરકારી પ્રતિનિધિઓ, વ્યવસાયીકો, રોકાણકર્તા કંપનીઓ, પેન્શન ફંડ્સ અને વીમા કંપનીઓને મળ્યા હતા. તેમણે કેનેડાની કંપનીઓને રોકાણનો અનુરોધ કરતાં કહ્યું હતું કે ભારત બૌદ્ધિક સંપદાનું રક્ષણ કરવા માટે જાણીતું છે. તેમ જ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકની સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ ધરાવે છે, જેમાં આશરે 2.3 લાખ કંપનીઓ સ્ટાર્ટ અપ તરીકે નોંધાયેલી છે.