Sat May 30 2026

Logo

સીબીએસઇની ઉત્તરવહીમાં ગડબડીના 20 કેસ, ઓએસએમ સિસ્ટમ પર પ્રશ્નાર્થ

2026-05-29 22:43:22
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની(CBSE)નવી ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM)સિસ્ટમ વિવાદમાં સપડાઈ છે. જેમાં પ્રથમ વાર શરૂ કરવામાં આવેલી  ડિજિટલ મૂલ્યાંકન પ્રક્રિયામાં ઉત્તરવહી અદલા બદલીના  20  કેસ પ્રકાશમાં આવ્યા છે.

બોર્ડને સ્પષ્ટતા કરવાની ફરજ પડી

આ ગડબડીની ખબર ત્યારે પડી જ્યારે કેટલાક  વિદ્યાર્થીઓએ પોર્ટલ પર તેમની ઉત્તરવહીની સ્કેન કરેલી નકલો જોઈ હતી. ત્યારે તેમને ખબર પડી કે સ્કેન કરેલી ઉત્તરવહીની કોપી તેમની નથી. જેના લીધે અનેક  વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. તેમજ આ મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં બોર્ડને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. તેમજ  હવે સમગ્ર સિસ્ટમની તપાસ ચાલી રહી છે.

ગ્રેડ પર સીધી અસર

જોકે, આ ગડબડી બાદ વિદ્યાર્થીઓથી લઈને શિક્ષકોનું માનવું છે કે  મૂલ્યાંકન પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓ અને તાલીમના અભાવે ગ્રેડ પર સીધી અસર કરી છે. તેમજ લાખો વિદ્યાર્થીઓએ તેમની સ્કેન કરેલી ઉત્તરવહીઓ મેળવવાની માંગ કરી છે. આ મુદ્દો હવે માત્ર ટેકનિકલ બાબતથી આગળ વધીને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને તેમના કોલેજ પ્રવેશ અંગે ગંભીર ચિંતામાં પરિવર્તિત થઈ ગયો છે.

પ્રાદેશિક સ્તરે પાયલોટ પ્રોજેક્ટની  સલાહ આપી હતી

આ અંગે મળતા અહેવાલો અનુસાર સીબીએસઇએ  ગવર્નિંગ બોડીના સૂચનોને અવગણીને  ઓએસએમ સિસ્ટમને મોટા પાયે લાગુ કરી હતી. તેમજ  સભ્યોએ અગાઉ પ્રાદેશિક સ્તરે પાયલોટ પ્રોજેક્ટની  સલાહ આપી હતી. જાન્યુઆરીમાં  દિલ્હીની કેટલીક શાળાઓમાં ફક્ત 100 શિક્ષકોને સામેલ કરીને મર્યાદિત ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. તેની બાદ આ  સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય 9 ફેબ્રુઆરીએ લેવામાં આવ્યો હતો. તેમજ  વાસ્તવિક મૂલ્યાંકન 7 માર્ચે શરૂ થયું હતું. જેના પછી સમસ્યાઓ સપાટી પર આવવા લાગી છે.