વૉવરિન્કા છેલ્લી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હાર્યો
પૅરિસઃ સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન 39 વર્ષીય નોવાક જૉકોવિચે ફ્રેન્ચ ઓપન (French Open)ના પ્રથમ રાઉન્ડમાં તેનાથી લગભગ અડધી ઉંમરના બાવીસ વર્ષીય જિયોવાની પેરિકાર્ડને 5-7, 7-5, 6-1, 6-4થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જિયોવાનીની હાલમાં 83મી વર્લ્ડ રૅન્ક છે, જ્યારે જૉકોવિચ (Djokovic) ચોથા નંબરે છે.
જૉકોવિચની આ વિક્રમી 82મી ગ્રેન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટ છે. તે વિક્રમજનક 24 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂક્યો છે. તેણે મૅચ પછી કહ્યું, `ફ્રેન્ચ ઓપનના સેન્ટર કોર્ટમાં ફ્રાન્સના જ હરીફ સામે રમવું જરાય આસાન ન હોય. ક્રાઉડ વિરુદ્ધમાં હોય એટલે માનસિક દબાણ આવી જાય. આવી સ્થિતિમાં સારું રમવું અને જીતવું ખૂબ મુશ્કેલ થઈ જાય.'
વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ મેળવનાર ભારતીય મૂળના નિશેશ બસવરેડ્ડીએ આ ટૂર્નામેન્ટના સાતમા ક્રમાંકિત અમેરિકાના ટેલર ફ્રિટ્ઝને 7-5, 7-5, 9-11, 6-1થી હરાવીને બધાને ચોંકાવી દીધા હતા.
દરમ્યાન સ્વિટ્ઝરલૅન્ડનો પીઢ ખેલાડી સ્ટાન વૉવરિન્કા રવિવારે છેલ્લી વખત ફ્રેન્ચ ઓપનમાં રમ્યો હતો. તે આ અંતિમ ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં જેસ્પર ડી યૉન્ગ સામે 6-3, 3-6, 6-3, 6-4થી હારી ગયો હતો. વૉવરિન્કા 2015માં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યો હતો.
મહિલાઓમાં ચાર વખત ચૅમ્પિયન બનેલી ઇગા સ્વૉન્ટેકે ઇમરસન જોન્સને પ્રથમ રાઉન્ડમાં 6-1, 6-2થી હરાવી દીધી હતી.