(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાના ફરી ઉદ્ભવેલા આશાવાદને કારણે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવ્યો હોવાના અહેવાલ સાથે ફુગાવાલક્ષી દબાણની ચિંતા હળવી થતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 73 પૈસાના સુધારા સાથે 94.85ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો અમુક અંશે મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકા અને ઈરાનના વાટાઘાટકર્તાઓ યુદ્ધવિરામ 60 દિવસ સુધી લંબાવવા સહમત થવાની સાથે ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે નવેસરથી વાતચીત કરવા સહમત થયાનાં ગઈકાલના દરિયાપરના અહેવાલોને ધ્યાને લેતા ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના 95.58ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.77ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.78 અને ઉપરમાં 94.85ની રેન્જમાં અથડાઈને અંતે 73 પૈસાના સુધારા સાથે સત્રની ઊંચી 94.85ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ગુરુવારે બજાર બકરી ઈદની જાહેર રજાને કારણે બંધ રહી હતી અને ગત બુધવારે ડૉલર સામે રૂપિયો 12 પૈસા વધીને બંધ રહ્યો હતો.
હાલમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની મંજૂરી પશ્ચાત્ ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાનો આશાવાદ સેવાઈ રહ્યો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ક્રૂડતેલના ભાવમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયામાં સુધારો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો અમેરિકી પ્રમુખ આ પ્રસ્તાવ નામંજૂર કરે અને ક્રૂડતેલના ભાવ વધી આવે તો રૂપિયો દબાણ હેઠળ આવી શકે છે. તેમ છતાં અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 94.70થી 95.60ની રેન્જમાં રહે તેવી ધારણા છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.81 ટકા ઘટીને બેરલદીઠ 92.01 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.11 ટકા વધીને 99.13 આસપાસ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 1092.06 પૉઈન્ટ અને 359.40 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા અને ગત બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1042.70 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના એક્સચેન્જના અહેવાલોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.