મોહમ્મદ રફીના પરમ ચાહક સ્વ. હરીશભાઈ અંજારીઆની યાદમાં ભજનના બદલે વાગ્યા ફિલ્મી ગીતો; ‘તુમ મુઝે યૂં ભુલા ના પાઓગે’ના સૂરોથી આંખો ભીની થઈ
ભુજ: ભુજ શહેરમાં તાજેતરમાં એક એવી અનોખી પ્રાર્થનાસભા યોજાઈ, જેણે પરંપરાગત ભજનો કે ધૂનની રૂઢિને બાજુએ મૂકીને પિતૃવંદના અને સંગીત પ્રીતિનું એક અદભુત ઉદાહરણ પેશ કર્યું છે. સંગીત જગતના સદાબહાર પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીના પરમ ચાહક અને ભુજના વતની હરીશ બિહારીલાલ અંજારીઆનું તાજેતરમાં ૮૦ વર્ષની વયે આકસ્મિક અવસાન થતાં, પરિવારે તેમની જ મનપસંદ શૈલીમાં ફિલ્મી ગીતોના સૂર સાથે ભાવભીની સ્વરાંજલિ આપી હતી.
સ્વ. હરીશભાઈ માત્ર મોહમ્મદ રફીના સામાન્ય ચાહક નહોતા, પરંતુ તેઓ રફી સાહેબના ગીતોના જીવંત જ્ઞાનકોશ (એન્સાયક્લોપીડિયા) સમાન હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન રફીએ ગાયેલા મોટાભાગના ગીતો, તેના સંગીતકાર, ગીતકાર અને તે ગીત કઈ ફિલ્મમાં કયા અભિનેતા પર ફિલ્માવાયું હતું, તે તમામ વિગતો કોઈ ડાયરી વગર પોતાની સ્મૃતિમાં કંઠસ્થ રાખી હતી.
સામાન્ય રીતે શોકસભા કે પ્રાર્થનાસભામાં ગંભીર ભજનો કે ઉપદેશાત્મક વક્તવ્યોની પરંપરા હોય છે. પરંતુ સદ્ગતના મોહમ્મદ રફી પ્રત્યેના અપ્રતીમ પ્રેમને આદર આપવા માટે પરિવારે આ શોકસભાને સંગીતમય બનાવી દીધી હતી. સંભવતઃ રાજ્યમાં આ પ્રકારની આ પહેલી જ પ્રાર્થનાસભા હતી.
પ્રાર્થનાસભા દરમિયાન જ્યારે રફી સાહેબના સદાબહાર ગીતો જેવા કે,
‘તુમ મુઝે યૂં ભુલા ના પાઓગે’
‘મૈં ગાઉં તુમ સો જાઓ’
‘દૂર રહે કર ન કરો બાત કરીબ આ જાઓ’
‘તેરે મેરે સપને અબ એક રંગ હૈ’
'બાહોશો હવાસના દીવાને જેવા ગીતોના સૂર જ્યારે પ્રાર્યહનસભામાં ગુંજ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સગા-સંબંધીઓ અને મિત્રોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. પરિવારે પરંપરાગત રીત-રિવાજોથી ઉપર ઉઠીને સદ્ગતના આત્માની શાંતિ માટે તેમની ગમતી વસ્તુ સંગીત દ્વારા જ તેમને સાચી અંજલિ આપી, જે સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહી છે.
ઉત્સવ વૈદ્ય