Sat May 30 2026

Logo

વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં રૂ. 2433નો ચમકારો, સોનામાં રૂ. 391 વધ્યા

2026-05-29 20:46:50
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાના આશાવાદ સાથે આજે ક્રૂડતેલના ભાવ ઘટી આવ્યા હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી રૂ. 2433નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 389થી 391નો સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નીકળેલી છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2433ના ઉછાળા સાથે રૂ. 2,63,350ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં 68 પૈસાનો સુધારો આવ્યો હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવમાં સુધારો મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 389ના સુધારા સાથે રૂ. 1,55,836 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 391ના સુધારા સાથે રૂ. 1,56,463ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 4528.19 ડૉલર આસપાસ રહ્યા હતા. જોકે, હાજર ભાવમાં સાપ્તાહિક ધોરણે અત્યાર સુધી બે ટકાનો ઘટાડો આવ્યો હતો અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકાના ઘટાડા સાથે 75.51 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

હાલના તબક્કે સોનાના ભાવની વધઘટ ક્રૂડતેલના ભાવની વધઘટ પર અવલંબિત છે. ક્રૂડતેલના ભાવ વધતાં સોનાના ભાવમાં ઘટાડો અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવે તો સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું છે. કેમ કે ક્રૂડતેલના ભાવ ઘટી આવતાં ફુગાવામાં ઘટાડો થવાની અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતી હોય છે, એમ યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું. 

અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકા અને ઈરાનના વાટાઘાટકર્તાઓ યુદ્ધવિરામ 60 દિવસ સુધી લંબાવવા અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પરનાં નિયંત્રણો દૂર કરવા અંગે સહમત થયા હતા. જોકે, હજુ તેને અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની મંજૂરી મળવાની બાકી હોવા છતાં આજે ક્રૂડતેલના ભાવમાં એક ટકા કરતાં વધુ માત્રાનો ઘટાડો આવ્યો હતો અને સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.