(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ જૂનાગઢના માણાવદર પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. નાનડીયા ગામે વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ, પઠાણી ઉઘરાણી અને દબાણપૂર્વક લાખોની કિંમતી જમીન પોતાના નામે લખાવી લેવાની પ્રવૃત્તિથી કંટાળીને ગુંજન ઉર્ફે મેરકા ગોરધનભાઇ આરદેશણાએ ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનું પ્રકાશણાં આવ્યું છે. યુવકે આત્મહત્યા કરતાં પહેલાં મોબાઈલમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
મૃતક ગુંજને ખેતીકામ માટે બાંટવા ગામના કરસન રબારી અને ગગાભાઇ ઉર્ફે રાજુ રબારી પાસેથી રૂપિયા પાંચ લાખ વ્યાજે લીધા હતા. વ્યાજ નિયમિત આપી દીધું હોવા છતાં બંને વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી ગત 21 તારીખે ગુંજનની લાખો રૂપિયાની કિંમતી ખેતીની જમીનનો દસ્તાવેજ બળજબરીપૂર્વક પોતાના નામે કરાવી લીધો હતો. ગુંજને આપધાત પહેલા જે વીડિયો બનાવ્યો તેમાં રડતા-રડતા વ્યાજખોરાના નામ પણ લીધા છે.
આ કેસની વિગતો આપતા કેશોદના એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું કે, તારીખ 25 મે 2026ના રોજ માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનડિયા ગામે એક કરુણ ઘટના બની છે. જેમાં ખેતીકામ કરતા 30 વર્ષીય યુવાન ગુંજન ઉર્ફે મેરકાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં મુખ્ય આરોપીઓ બાંટવાના કરસન રબારી અને ગગાભાઈ ઉર્ફે રાજુ રબારી છે. આ સાથે અન્ય એખ આરોપી વિરેન્દ્ર વિરોજાએ 20 ટકાના ઊંચા વ્યાજદરે નાણાં આપી અને પ્રવીણ નામના શખસે 6 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
ગુંજને વ્યાજના રૂપિયા આપી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો તેને મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને સાથે ગાળો પણ આપી હતી. જેથી યુવક માનસિક રીતે ભાંડી પડ્યો અને જીવનલીલા સંકેલી લીધી છે. દીકરીના મોત બાદ પિતાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરવા અને ખંડણી જેવી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.