શુભમન ગિલની ટીમ બીજી ટ્રોફીથી એક જ ડગલું દૂર, વૈભવની યાદગાર ઇનિંગ્સ પાણીમાં
ન્યૂ ચંડીગઢઃ શુભમન ગિલ (104 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, પંદર ફોર)ના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ (જીટી)એ રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ને સાત વિકેટેહરાવીને ફરી ત્રીજી વખત આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રવિવારે અમદાવાદમાં (સાંજે 7.30 વાગ્યાથી) ગુજરાતનો ફાઇનલમાં ડિફેન્હિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ સામે મુકાબલો થશે.
ગિલ અને સાથી ઓપનર સાઇ સુદર્શન (58 રન, 32 બૉલ, એક સિક્સર, આઠ ફોર) વચ્ચે 12.5 ઓવરમાં 167 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ગુજરાતે 215 રનના લક્ષ્યાંક સામે 18.4 ઓવરમાં 3/219ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.

ગિલ-સુદર્શને અગાઉથી ઘડેલી યોજના અને વ્યૂહરચનાથી રાજસ્થાનના તમામ બોલર્સનો સમજદારીથી સામનો કર્યો હતો. તેમણે બોલરને ખૂબ હંફાવ્યા હતા અને ફીલ્ડર્સને દોડાવ્યા હતા. કમનસીબે સુદર્શન સતત બીજી મૅચમાં હિટવિકેટમાં આઉટ થયો હતો, જ્યારે ગિલે સેન્ચુરી પૂરી કર્યા પછી વિકેટ ગુમાવી હતી.
GT
એ પહેલાં, રાજસ્થાને પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં છ વિકેટે 214 રનનો તોતિંગ સ્કોર નોંધાવીને 2022ની વિજેતા ગુજરાતની ટીમને 215 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. વૈભવ (96 રન, 47 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) જવાબદારીપૂર્વકની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો, પણ સદીથી ચાર રન દૂર હતો ત્યારે ઉતાવળે 100 રન પૂરા કરવાની લાલચમાં કૅચ આપી બેઠો હતો. બિહારનો ટીનેજ-સિતારો વૈભવ સૂર્યવંશી જવાબદારી પૂરેપૂરી સમજીને લાંબી અને ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો, પરંતુ ફરી એક વાર પાકટતા ગુમાવીને તેણે રબાડાના બૉલમાં પોતાના 96 રન પર ડીપ થર્ડ મૅન પર ક્રિષ્નાને આસાન કૅચ આપી દીધો હતો. બે દિવસ પહેલાં હૈદરાબાદ સામે તે 97મા રને આવા જ પ્રકારના સાહસી શૉટમાં આઉટ થતાં ત્રણ રન માટે વિક્રમી સદી ચૂકી ગયો હતો.

રવીન્દ્ર જાડેજા (45 અણનમ, 35 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) પણ યાદગાર ઇનિંગ્સ રમ્યો. કારણ એ છે કે તે હાથની ઈજા થયા પછી પાછો બૅટિંગ કરવા આવ્યો હતો અને છેક સુધી એક છેડો સાચવી રાખ્યો હતો.ઇનિંગ્સના અંતે આઠમા નંબરનો બૅટ્સમૅન ડૉનોવાન ફરેરા (38 અણનમ, 11 બૉલ, ચાર સિક્સર, બે ફોર) છવાઈ ગયો હતો. તેણે રાશીદ ખાનની 20મી ઓવરમાં હૅટ-ટ્રિક સિક્સર સહિત કુલ પાંચ બૉલમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા.ગુજરાત વતી રબાડા અને હોલ્ડરે બે-બે વિકેટ તેમ જ ક્રિષ્ના અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી. રાશીદ ખાનને 45 રનમાં અને સુંદરને 23 રનમાં વિકેટ નહોતી મળી.
વૈભવે રસેલનો રેકૉર્ડ તોડ્યોઃ 440 બૉલમાં 1,000 રન પૂરા
વૈભવ સૂર્યવંશીએ આઇપીએલમાં સૌથી ઝડપે 1,000 રન પૂરા કરવાનો વિક્રમ રચ્યો છે. તેણે માત્ર 440 બૉલમાં 1,000 રન બનાવ્યા છે. તેણે આન્દ્રે રસેલનો 545 બૉલમાં 1,000 રન બનાવવાનો રેકૉર્ડ તોડ્યો છે. ટિમ ડેવિડ (560 બૉલ) ત્રીજા નંબરે છે.
PTI
સુદર્શનની બૅક-ટુ-બૅક ઇનિંગ્સમાં હિટવિકેટ, નવો વિક્રમ
રાજસ્થાન સામે ગુજરાતનો ઓપનર સાઇ સુદર્શન (58 રન, 32 બૉલ, એક સિક્સર, આઠ ફોર) ન્યૂ ચંડીગઢમાં આઇપીએલની ફાઇનલમાં હિટવિકેટમાં આઉટ થયો અને એ સાથે તેણે નવો અનિચ્છનીય વિક્રમ પોતાના નામે કર્યો. તે સતત બીજી ટી-20 મૅચમાં હિટવિકેટમાં આઉટ થયો છે. ક્વૉલિફાયર-વનમાં બેંગ્લૂરુ સામે સુદર્શન હિટવિકેટ થયો હતો. એ દિવસે તેના હાથમાંથી બૅટ છટક્યા પછી સ્ટમ્પ્સને જઈને અડક્યું અને બેલ્સ પડી જતાં તેને આઉટ જાહેર કરાયો હતો. આજે એ જ રીતે શૉટ માર્યા પછી પસીનાને કારણે તેના હાથમાંથી છટકેલું બૅટ સીધું સ્ટમ્પ્સ પર પડ્યું હતું અને તેણે પાછા આવી જવું પડ્યું હતું. તે આઇપીએલમાં ત્રણ વખત હિટવિકેટમાં આઉટ થનારો એકમાત્ર ખેલાડી છે. દરમ્યાન, કૅપ્ટન શુભમન ગિલે સદી પૂરી કરી હતી. 215 રનના લક્ષ્યાંક સામે 15મી ઓવરને અંતે ગુજરાતનો સ્કોર 2/182 હતો. ગિલ 104 રન બનાવીને જોફ્રાના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો.