ન્યૂ ચંડીગઢઃ ગુજરાત ટાઇટન્સ સામેની આઇપીએલ-2026ની સેમિ ફાઇનલમાં રાજસ્થાન રૉયલ્સે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતના સુકાની શુભમન ગિલે સિક્કો ઉછાળ્યો હતો, રિયાન પરાગે હેડ્સનો કૉલ આપ્યો હતો અને હેડ્સ પડતાં તેણે પોતાની ટીમ પ્રથમ બૅટિંગ કરશે એવો નિર્ણય બતાવ્યો હતો. રાજસ્થાનની ટીમમાં કોઈ જ ફેરફાર નથી, જ્યારે ગુજરાતની ટીમમાં સ્પિનર આર. સાઇ કિશોરનું પુનરાગમન થયું છે.
ન્યૂ ચંડીગઢમાં મુલ્લાંપુરની પિચ પર એકસરખી રીતે ટ્રિમ થયેલું ઘાસ છે. બોલરને વિચિત્ર અને અણધાર્યા બાઉન્સ મળે એવી નથી, સમતોલ છે જેથી બૅટ્સમૅન પણ બૉલ પડ્યા પછી એ વિશે પૂરતું અનુમાન કરી શકશે. નોર્થ એન્ડ પરથી જોઈએ તો પિચથી બાઉન્ડરી લાઇન લેગ સાઇડની દિશામાં 69 મીટર અને ઑફ સાઇડની દિશામાં 63 મીટર દૂર છે. સ્ટ્રેઇટ બાઉન્ડરી લાઇન 74 મીટર તથા ફાઇન લેગની દિશામાં 56 મીટર દૂર છે.
પ્રથમ બૅટિંગ કરનારી ટીમ (રાજસ્થાન) 220 કે એનાથી વધુ રન આ પિચ પર બનાવી શકે એમ છે. બે દિવસ પહેલાં 12 છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 29 બૉલમાં 97 રન બનાવનાર રાજસ્થાનના ટીનેજ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી પર ફરી એક વખત સૌની નજર રહેશે. તેને ગુજરાતનો કોઈ સ્પિનર ટાર્ગેટ બનાવશે એવી સંભાવના નકારી ન શકાય. જોકે સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ પાસે પણ ટીમને ઘણી અપેક્ષા હશે. આજે જીતનારી ટીમ રવિવારે અમદાવાદમાં બેંગ્લરૂ સામે ફાઇનલમાં રમશે.
PTI
બન્ને ટીમના ખેલાડીઓઃ
રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ડૉનોવાન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નેન્ડ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુન્જા. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ શુભમ દુબે, સુશાન્ત મિશ્રા, અમન પેરાલા, રવિ બિશ્નોઈ અને તુષાર દેશપાંડે.
ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), સાઇ સુદર્શન, જેસન હોલ્ડર, વૉશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, રાશીદ ખાન, સાઇ કિશોર, કૅગિસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ રાહુલ તેવાટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર અને અર્શદ ખાન.