સિનિયર સિટિઝન કાર ચલાવતા હતા: કાર શાકભાજીના સ્ટૉલ સાથે અથડાતાં નિયતિ શાહે જીવ ગુમાવ્યો
મુંબઈ: મુલુંડમાં રહેણાક સંકુલની બહાર ગુરુવારે સાંજના 74 વર્ષના સિનિયર સિટિઝને કાર પરનો કાબૂ ગુમાવ્યા બાદ તે રસ્તાની બાજુમાં શાકભાજીના સ્ટોલ સાથે અથડાતાં 44 વર્ષની ગુજરાતી મહિલા અને બે વર્ષના બાળકનાં મોત થયાં હતાં. સામેથી આવેલી ટ્રકને જોઇ અકસ્માત ટાળવાના પ્રયાસમાં બ્રેકને બદલે એક્સલરેટર દબાઇ જતાં આ અકસ્માત થયો હતો, એવું સિનિયર સિટિઝને પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું.મુલુંડ પશ્ર્ચિમમાં સિમેન્ટ કંપની રોડ પર સિટી ઓફ જોય કોમ્પ્લેક્સમાં રહેતા મોહન શેષાદ્રી (74) વિરુદ્ધ પોલીસે પૂરપાટ અને બેદરકારીપૂર્વક વાહન હંકારવા અને મૃત્યુ માટે કારણભૂત થવા બદલ ગુનો દાખલ કર્યો હતો. મોહન શેષાદ્રીની પૂછપરછ કરવામાં આવ્યા બાદ તેને નોટિસ પાઠવવામાં આવી છે અને તેને વધુ તપાસ માટે બોલાવવામાં આવશે, એમ મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય જોશીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર મોહન શેષાદ્રી ગુરુવારે સાંજે સાત વાગ્યાની આસપાસ પોતાની કાર રહેણાક સંકુલમાંથી બહાર કાઢી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. શેષાદ્રીએ ગેટમાંથી બહાર નીકળતાની સાથે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તાની બાજુમાં આવેલા શાકભાજીના સ્ટોલ સાથે તે ભટકાઇ હતી. એ સમયે શાકભાજી ખરીદવા આવેલી નિયતિ શાહ (44) અને નજીકમાં બે વર્ષના પુત્ર સાથે ઊભેલી પૂજા રૈયા (30)ને કારે અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં નિયતિ શાહને ગંભીર ઇજા પહોંચી હતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે પૂજા રૈયાને નજીવી ઇજા થઇ હતી. અકસ્માત બાદ પૂજાનો પુત્ર રસ્તા પર પટકાયો હતો અને તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. પૂજાના પુત્રને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં રાતે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલી નિયતિ શાહ મુલુંડમાં રહેતી હતી અને ખાનગી કંપનીમાં કામ કરતી હતી. દરમિયાન શેષાદ્રીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે બિલ્ડિંગના ગેટમાંથી બહાર નીકળ્યા બાદ સામેથી ટ્રક આવતી જોઇને ટક્કર ટાળવા તેણે સ્ટિયરિંગ ફેરવ્યું હતું. જોકે ભૂલથી બ્રેકને બદલે એક્સલરેટર દબાઇ જતાં કારની ગતિ વધી હતી અને તે શાકભાજીના સ્ટોલ સાથે ટકરાઇ હતી.