મુંબઈઃ ભારત વતી રમી ચૂકેલા 26 વર્ષીય લેગ-સ્પિનર રાહુલ ચાહરે (Rahul Chahar) ફૅશન ડિઝાઇનર ઇશાની જોહર (ishani Johar) સાથે લગ્ન બાદ ચાર જ વર્ષમાં છૂટાછેડા લઈ લીધા છે અને રાહુલે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં આ જાહેરાત કરવાની સાથે મૌન તોડતાં જણાવ્યું છે કે `મેં બહુ જ નાની ઉંમરે (બાવીસ વર્ષની વયે) લગ્ન કરી લીધા હતા. એટલી નાની ઉંમરે હું પોતાને પૂરું સમજ્યો પણ નહોતો, જીવનમાં પોતાનું શું મૂલ્ય છે એની પણ મને પૂરતી સમજ નહોતી આવી તેમ જ હું કેવા પ્રકારના જીવનની મહેચ્છા રાખું છું એ પણ બરાબર નક્કી નહોતો કરી શક્યો અને હું લગ્નના બંધનમાં બંધાઈ ગયો હતો.'
છૂટાછેડા લઈ ચૂકેલા ભારતના જાણીતા ક્રિકેટરો દિનેશ કાર્તિક, શિખર ધવન, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ પછી હવે રાહુલ ચાહરનું નામ એ લિસ્ટમાં જોડાયું છે. મોહમ્મદ શમી પત્ની હસીન જહાંથી અલગ રહે છે અને અદાલતમાં વર્ષોથી તેમનો કેસ ચાલે છે.
એક તરફ 27 વર્ષના ઇશાન કિશનના ઘરે થોડા સમયમાં શરણાઈ વાગવાની છે અને 40 વર્ષનો શિખર ધવન તો બીજી વખત પરણવાનો છે. ઇશાન ટૂંક સમયમાં જ લગ્નની બેડીએ બંધાઈ જવાનો છે. તે લગભગ છ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ જયપુરની મૉડેલ અદિતી હુંડિયાને પરણવાનો છે. શિખર આયરલૅન્ડની ફિયૉન્સી સૉફી શાઇન પ્રોફેશનલ ક્નસલ્ટન્ટ છે.
રાહુલ ચાહર અને ઇશાનીએ 2019માં સગાઈ કરી હતી અને 2022માં તેમણે ગોવામાં લગ્ન કર્યા હતા. રાહુલ ચાહર ત્યારે માંડ બાવીસ વર્ષનો હતો. તે ભારત વતી એક વન-ડે તથા છ ટી-20 મૅચ રમ્યો છે. તે મૂળ રાજસ્થાનનો છે અને આઇપીએલમાં મુંબઈ, પુણે, પંજાબ, હૈદરાબાદ વતી રમ્યો છે અને તાજેતરના મિની-ઑક્શનમાં ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ તેને 5.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રાહુલ ચાહેરે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં કોઈના પર પણ દોષ નથી ઢોળ્યો. તેણે જણાવ્યું, ` બે પ્રેમી જીવનમાં એકમેકની નજીક આવે, પરંતુ જો એ તબક્કે એકમેકના કે પોતાના જીવન બાબતમાં સ્પષ્ટતા ન હોય તો એ સ્પષ્ટતાનો અભાવ આગળ જતાં એવી રીતે સામે આવી જાય જેને અવગણી પણ ન શકાય. છેલ્લા 15 મહિના મેં મોટા ભાગે અદાલતના ચક્કર લગાવવામાં જ વીતાવ્યા. જોકે એ સમયગાળામાં હું ધૈર્ય અને મુશ્કેલીમાંથી બહાર આવવાનું સામર્થ્ય શીખ્યો. આવો સમય માનવીને ઘણું શીખવી જતો હોય છે. મારા માટે આ ચૅપ્ટર હવે પૂરું થઈ ગયું છે. આ કોઈ અંત નથી. આ એક મુક્તિ છે. હવે હું આત્મ-સન્માન, શાંતિ અને વધુ સારી પસંદગીનું જીવન જીવવા માગું છું.'