Sun Oct 04 2026

Logo

પુણેમાં એમએસઆરટીસીની બસ ઊંધી વળતાં શાળાના ચાર વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

2026-09-16 16:40:27
Author: Yogesh D. Patel
પુણેમાં એમએસઆરટીસીની બસ ઊંધી વળતાં શાળાના ચાર વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

પુણે: પુણે જિલ્લામાં બુધવારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી) દ્વારા સંચાલિત બસ ટેક્નિકલ ખામીને કારણે ઊંધી વળતાં શાળાના ચાર વિદ્યાર્થી ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
જિલ્લામાં ખેડગાંવ અને સુપા વચ્ચે ઘાટ સેક્શનમાં આ અકસ્માત થયો હતો, જ્યારે 30 પ્રવાસી (જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા)ને લઇ જનારી એમએસઆરટીસીની બસ ચઢાણ પર હતી ત્યારે કોઇક ટેક્નિકલ ખામીને કારણે આગળ વધી શકી નહીં અને પાછળની તરફ સરકવા લાગ્યા બાદ તે ઊંધી વળી ગઇ હતી. અકસ્માતમાં ચાર વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી, એમ પુણે ગ્રામીણ પોલીસને દૌંડ ડિવિઝનના અધિકારીએ જણાવ્યું હતું.

બે વિદ્યાર્થીને નજીવી ઇજા પહોંચી હતી અને ખેડગાંવની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે બાકીના બે વિદ્યાર્થીને વધુ સારવાર માટે લોણી કાલભોર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. બસમાં પ્રવાસ કરી રહેલા અન્ય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે અને તેઓ પરિવારજનો સાથે પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. 

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવાની સૂચના સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસને આપી હતી. (પીટીઆઇ)