Sun Oct 04 2026

Logo

એમપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવકનો માથે દેવાના બોજને કારણે આપઘાત

2026-09-09 17:34:35
Author: Yogesh D. Patel
એમપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવકનો માથે દેવાના બોજને કારણે આપઘાત

પુણે: પુણેમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષાની તૈયારી કરી રહેલા 28 વર્ષના યુવકે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં યુવકે તેના માથે અઢી લાખ રૂપિયાનું દેવું હોવાનું જણાવ્યું હતું. 

મૃતકની ઓળખ પ્રથમેશ દેશમુખ તરીકે થઇ હોઇ તે પરાંદાનો વતની હતો અને નવી પેઠમાં ભાડાના ઘરમાં રહેતો હતો તેમ જ એમપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) કૃષિકેશ રાવલેએ જણાવ્યું હતું. પ્રથમેશ દેશમુખ બુધવારે સવારે ઘરની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને પગલે રહેવાસીઓએ પોલીસને તેની જાણ કરી હતી.

પોલીસને ઘરમાંથી પ્રથમેશે મૃત્યુ પૂર્વે લખેલી બે પાનાંની સુસાઇઢ નોટ મળી આવી હતી, જેમાં 18-19 લોકો પાસેથી તેણે ઉછીના લીધેલા રૂપિયા અને કેટલા રૂપિયા ચૂકવી દીધા તેની માહિતી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પ્રથમેશે શા માટે ઉછીના રૂપિયા લીધા હતા, તે જાણવા માટે તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. ડીસીપી રાવલેએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આત્મહત્યાનો ચોક્કસ સમય જાણી શકાશે.

નોંધનીય છે કે માર્ચમાં યોજાયેલી એમપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર (ગ્રૂપ-2)ની પરીક્ષા પહેલા તેનું પેપર લીક થયું હતું અને આ કેસની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં એમપીએસસીના ત્રણ અધિકારી તથા અન્યોની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)