અરાઉન્ડ ધ વર્લ્ડઃ પુલપિટ રોક
ખડકાળ લાંબી હાઇક પર ખરો નોર્વેજિયન અનુભવ...
પ્રતીક્ષા થાનકી
જ્યારથી નોર્વે આવેલાં, કોઈ ને કોઈ રીતે ભારતીય ભોજન અને મિત્રો વચ્ચે ખાસ પ્રયત્નપૂર્વક કોઈ નોર્વેજિયન અનુભવ કરવા નહોતો મળ્યો. એવામાં સ્ટાવાન્ગર છોડવાનું આવ્યું તે સવારે નક્કી કરી લીધું કે હવે સ્થાનિક જ જમીશું, અને સ્થાનિક માહોલમાં સ્થાનિક અનુભવો જ કરીશું. તે આખો દિવસ અમારે સ્ટાવાન્ગરથી નોર્થ જતો રસ્તો પકડીને એક મોટી હાઇક કરવાની હતી. નોર્વેમાં ટ્રોલ ટુન્ગા અને પુલપિટ રોક જેવી ઘણી લોકપ્રિય હાઇક્સ છે.
આ બધી હાઇકના ખાલી છેલ્લા વ્યૂના ફોટા સાથે ઠેરઠેર બ્રોશર જોવા મળતાં હતાં. અમે તો અમારા રૂટનું અંગત બ્રોશર પહેલેથી જ પ્લાન કરીને આવેલાં. સ્ટાવાન્ગરથી નીકળીને પહેલી જ હાઈક પુલપિટ રોક પર કરવાની હતી. તેના માટે પહેલેથી જ એપાર્ટમેન્ટ છોડતા પહેલાં એકદમ હાઇકિગ અને ટે્રકિગ ગીયરમાં સજ્જ થવાનું નક્કી હતું. સાથે પાવર-બાર, ટે્રઇલ મિક્સ અને બીજું ઘણું બેક-પેકમાં સાથે લેવાની ચર્ચા પણ થઇ હતી. શક્ય હોય એટલો ઓછો સામાન સાથે રાખવાથી માંડીને વરસાદમાં લપસી ન પડાય તે માટેના નુસખાઓની ચર્ચા પણ થઈ.
એવામાં જતા પહેલાં, સ્ટાવાન્ગર છોડતા પહેલાં, એક છેલ્લું નાનકડું શોપિંગ સેવન-ઇલેવનમાં કરી લેવામાં આવે એવું નક્કી થયું. અમે ત્યાં રોકાયાં. માત્ર હેલ્ધી, સ્મૂધી અને એનર્જી કિક માટે કોફી લેવાની વાત હતી. અને ત્યાં ગરમા-ગરમ સમોસાં દેખાઈ ગયાં. આમાં અમારો કોઈ જ વાંક ન હતો. આ સમોસાં પણ સ્થાનિક જ કહેવાય. અમે માણસ દીઠ બે પેક કરાવ્યાં. હાઇક પહેલાં જરા હેલ્ધી નાસ્તો કરવો એનો આગ્રહ હતો, પણ એકવાર ગરમ સમોસાં હાથમાં આવ્યા પછી કોઈએ જરા પણ શરમ કરી નહીં.
ગરમ સમોસાં ખાઈને માણસ ભાગ્યે જ નિરાશ થયો હોય અને તેની એનર્જીમાં તો જરૂર વધારો થયો હોવાની શક્યતા છે. આવું અમે કોઈ રિસર્ચ લેબમાં નહીં, પણ અમારા ડીએનએથી સમજી ચૂક્યાં હતાં કે ઠંડા દેશમાં ગરમ સમોસાં મળે તો હાઇક પહેલાં ન ખાવાં જોઈએ એવું કહેનાર માણસ પર બાકીનું ગ્રુપ ગુસ્સે થઈ જાય. ન ખાવાં જોઈએ કહેનાર પણ પોતાનું સમોસું છોડવા તો તૈયાર ન હતું. અંતે સમોસા પ્રકરણ પૂં થયું અને નોર્વેની ટનલો ચાલુ થઈ.
નોર્થ તરફ જવામાં હવે અમે એક પછી એક પર્વતમાળા વટાવતાં જતાં હતાં. નોર્વે આખામાં 900થી વધુ ટનલો છે. તેમાં કેટલીક તો ખાસ વીસ-પચીસ કિલોમીટર લાંબી પણ છે. તે સમયે અમારા રસ્તામાં પાંચ-સાત કિલોમીટર લાંબી ટનલ તો આવી જ ગયેલી. નોર્વેની ટનલોનું ખાસ અનોખું કેરેક્ટર હોય તેવું લાગવા માંડેલું. પુલપિટ રોકનું પાર્કિંગ આવ્યું પછી ટનલ ક્યાંય ભુલાઈ ગઈ હતી. આ આખી ટ્રેકમાં પાર્કિંગથી નીકળીને પાછાં આવવામાં સરેરાશ પાંચેક કલાક લાગવાની વાત હતી.
અમે માનસિક રીતે તો આ પાંચ કલાકની ટ્રેક માટે તૈયાર હતાં, પણ ત્યાં વરસાદમાં ખરેખર કેવી હાલત થશે તેની કલ્પના પણ નહોતી કરી. હવે નોર્વેમાં વેધર ખરાબ હોય તો હાઇક રૂટ્સ બંધ જ કરી દેવામાં આવે છે. અમે પહોંચ્યાં ત્યારે ઝરમર વરસાદ ચાલુ હતો. આખો દિવસ મધ્યમથી ભારે વરસાદ પડવાની સો ટકા શક્યતા હતી. અમે તડકાની તો અપેક્ષા નહોતી રાખી, પણ સતત ઉપર ચઢાવીને નીચે ઉતારતા રસ્તા પર સતત લસરી પડવાનો આટલો ડર લાગશે એ પણ નહોતું ધાર્યું.
શરૂઆતનો એકાદ કલાક તો વાતો વાતોમાં, માહોલની મજા લેવામાં ક્યાંય વીતી ગયો. તે પછી, ઢાળ અને ચઢાણ સાથે મારી સ્પીડ ઓછી થવા લાગી હતી. એક સમયે તો મેં મારા ગ્રુપને આગળ જવા માટે આશીર્વાદ આપી દીધા હતા. હું શાંતિથી મારી ઝડપે આવીશ. ક્યાંક ખડકો, ક્યાંક કોતરોમાં લોકોના ચાલવાથી ઘસાઈને બની ગયેલાં પગથિયાં, ક્યાંક નાનકડું સરોવર અને ક્યાંક સ્થાનિક પક્ષીઓનો ટાઇમપાસ, બધું મજાનું પણ લાગતું હતું અને હવે ક્યારે અંત નજીક આવશે એ પ્રશ્ન થવા લાગ્યો હતો. આ એવી હાઇક હતી કે તેમાં મન પડે ત્યારે પાછાં જવામાં પણ હવે બે કલાક લાગવાના હતા. આખરે પુલપિટ રોકથી સાવ નજીક પહોંચ્યાં ત્યારે ત્યાંનો વ્યૂ પણ જોવા ન મળ્યો.
સમરનો વરસાદ લોકોને નોર્વેમાં ઘરે રોકી રાખતો નથી. ટૂરિસ્ટ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યાં હતાં. કોઈ ચર્ચના પાદરીને લેક્ચર આપવા માટે બનાવેલ હોય તેવું પુલપિટ જેવું કુદરતી સ્ટ્રક્ચર તો કમસેકમ જોવા મળી જ ગયું. ત્યાં થોકબંધ લોકો વાદળોની ચિંતા કર્યા વિના ગ્રુપમાં ફોટા પડાવવા લાઈન લગાવીને ઊભાં હતાં. ત્યાં પહોંચવામાં લાગેલો એફર્ટ અને હજી ત્યાંથી પાછાં જવામાં લાગવાની હિંમત પછી મને ત્યાં એક ફોટો પડાવવાની પણ ઇચ્છા ન થઈ.
ફિટનેસ લેવલ અને બેલેન્સ બંને આ હાઇક માટે ખાસ જરૂરી છે. ટેકનિકલી તો પુલપિટ રોકને ઇન્ટરમિડિયેટ લેવલની હાઇક કહેવાય છે, પણ વરસાદમાં ગમે ત્યાં લસરી પડવાની શક્યતા હોય ત્યારે જરા આગળ નીકલી ગયેલો, સપાટ ખડક સારા વેધરમાં સુંદર વ્યૂ માટે સ્ટેજ બની જતો હશે તેની કલ્પના કરવી અઘરી લાગતી હતી.
વળતાં મોટાભાગનો રસ્તો પગથિયાં અને ઢાળ ઊતરીને આવવાનું હતું. તેમાં લસરી પડવાની શક્યતા હજી વધુ થઈ ગઈ હતી. મારા માટે વેધરના કારણે કદાચ આ જિંદગીની સૌથી મુશ્કેલ હાઇક બની ચૂકી હતી. ટોમ ક્રુઝ તેની `મિશન ઇમ્પોસિબલ - ફોલઆઉટ' માટે અહીં સ્ટન્ટથી ભર્યું શૂટિગ પણ કરી ચૂક્યો છે. તે સમયે તો હું પણ પોતાની લાઇફ સાથે સ્ટન્ટ જ કરી રહી હોય તેવું લાગતું હતું. આ જ આખો અનુભવ જો વરસાદ વિના, ચોખ્ખા અને કોરા દિવસે થયો હોત તો કદાચ પુલપિટ રોકની અલગ જ યાદ બની રહી હોત. જોકે વરસાદ અને અનિશ્ચિત વેધરથી વધુ યોગ્ય નોર્વેજિયન અનુભવ બીજો શું હોઈ શકે?