Mon May 25 2026

Logo

ઉડતી વાત: જોબ મેળવવી એ બહુ સહેલી છે!

2026-05-23 08:53:00
Author: Bharat Vaishnav
Article Image

 

ભરત વૈષ્ણવ

`ગણપત કમ હિયર' ચંદુએ તેના પીએ ગણપતને ઇન્ટરકૉમ પર સૂચના આપી. ચંદુ એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો બિઝનેસ કરતો હતો. તેની કંપનીમાં કેટલીક પોસ્ટ ભરવા ઍડ્વર્ટાઇઝમેન્ટ આપેલી. બે-ત્રણ જગ્યા સામે ઘણાએ ઈમેલથી અરજી કરેલી.

`સર, કાંઈ કામ છે?' ગણપત દરવાજો ખોલી ચંદુની ચેમ્બરમાં દાખલ થયો. ગણપત ચંદુનો પીએ હતો. પીએ બૉસની ઍર ટિકિટ બુક કરવા, મૅડમને શૉપિંગ કરવા, બૉસના ઘરનો ટપકતો નળ રિપેર કરવા, ગૅસનો બાટલો બુક કરવો, સાળીને ઍરપોર્ટ રિસિવ કરવા જેવાં કામો કરતો હોય છે.

`ગણપત,  આપણે રિક્રૂટમેન્ટ માટે ઍડ આપેલી છે. કેટલી અરજી આવી છે?' ચંદુએ સવાલ પૂછ્યો.
`સર, મારે ચેક કરવું પડશે. એપ્રોક્ષમેટલી ત્રણસો ઈમેલ આવ્યા હશે.'
`ગણપત, એક કામ કર. એ તમામ ઈમેલ મને લૅપટૉપ પર શૅર કર... હું તેને ચેક કરી લઉં,' ચંદુએ સૂચના આપી.

ગણપતે ત્રણસો ઈમેલ બૉસ સાથે શૅર કર્યા  આજકાલ પિંક કૉલર જૉબ. બ્લુ કૉલર, સેમી ગ્રે અને વ્હાઇટ કૉલર પૈકી ભણેલાગણેલા યુવકયુવતીઓ ફર્સ્ટ વ્હાઇટ કૉલર જોબ પર પસંદગીનો કળશ ઢોળતાં હોય છે. નોકરી માટે સતત વાંચન કરીને સોડા બૉટલના કાચ જેવા જાડા ગ્લાસનાં ચશ્માં પહેરતાં હોય છે. નોકરી માટે પ્રિલિમિનરી, ફિઝિકલ ટેસ્ટ, મેઇન પરીક્ષા, ઇન્ટરવ્યૂ એમ કેટકેટલા કોઠા વીંધતા હોય છે. 

ઘણીવાર તો નોકરી મેળવવા ગરજ મુજબ એજન્ટોને લાખો રૂપિયા આપી માથે ઓઢીને રોતા હોય છે. પાંચ હજાર રૂપરડીની દસ જગ્યા માટે પચાસ લાખ અરજી આવે છે. પીએચડીથી લઈને દસમું પાસ પણ અરજી કરે છે. છેલ્લે કેટલાને નોકરી મળે છે? દસ જણને નોકરી મળે, ત્રણ જણનું વેઇટિંગ લિસ્ટ બને. બાકી 49,99,987 યુવાનો પાછા બીજે અરજી કરે છે. 

આપણે ત્યાં નોકરી અને ભણતરનો સંબંધ મારી મચડીને જોડી દેવાયો છે. તમે ડિગ્રી મેળવી એટલે સામા પગલે નોકરીએ તમને કંકુચોખા ચોડવા જ જોઈએ એવું માનવાનો વર્ગ બહુમતીમાં છે. સામા પક્ષે હાલના જમાનામાં નોકરીની જગ્યાની જરૂરત મુજબ ભણેલગણેલ અભણ લાયકાત ધરાવતા નથી તેવો બળાપો કંપનીના વહીવટદારો કરતા હોય છે.

`સર, ગરમ ગરમ ચા,' એમ કહીને પ્યુને ચાનો કપ ટેબલ પર મૂક્યો. ચંદુની વિચારધારા અટકી. ચાની ચુસકી લેતાં લેતા ચંદુએ પહેલી અરજી જોવાનું શરૂ કર્યું.

`સર, મારું નામ શુભ મલ્હોત્રા છે. મારી ઉંમર તેત્રીસ વરસ છે. નોકરી માટે આ મારી એક હજાર એકમી અરજી છે. ઑફિસોના ધક્કા ખાઈને ચપ્પલના તળિયા ઘસાઈ ગયા છે. હું અનાથ છું. મારી જિંદગીમાં મારા નામ સિવાય મારી સાથે કોઈ શુભ ઘટના ઘટી નથી. મને  જૉબની  તાતી જરૂરિયાત છે. હું વગર પગારે પણ નોકરી કરવા તૈયાર છું,' શુભે નોકરી મેળવવા રોદણાં રોયાં હતાં. કદાચ નોકરી મેળવવા માબાપને કાગળ પર મારી નાખેલા.

`વૉટ એ પુઅર ગાય,' ચંદુએ તેના નામ પર ચોકડી મારી. ચંદુએ બીજી અરજી ખોલી.

`સાહેબ. મારું નામ ઉષા છે. મારી ઉંમર ચોત્રીસ વરસ છે. મારી કમનસીબી એ છે કે મારાં લગ્ન ગોઠવાતાં નથી. મને નોકરી મળતી નથી. મે કંપની સેક્રેટરીનો કોર્સ કરેલ છે. ઇન્ટરવ્યૂ આપીને થાકી ગઈ છું. હું ઉષામાંથી સંધ્યા થઈ છું અને સંધ્યામાંથી નિશા થઈ જઈશ. મારે નોકરીની જરૂરત છે. હું તમામ પ્રકારની સેવા આપવા પણ તૈયાર છું. મને નોકરી આપવા પ્રાર્થના છે.' ઉષાની અરજી વાંચીને ચંદુની આંખ ભીની થઈ. ચંદુની તો ખાનગી પેઢી છે. ત્યાં કંપની સેક્રેટરીની પોસ્ટ તો લક્ઝરી ગણાય.

`સર, મારું નામ ભાગ્યશ્રી છે. હું નામ પૂરતી ભાગ્યશ્રી છું. મારા પતિનો અકસ્માત થતાં તે અપાહીજ થઈ ગયા છે. ઘર ચલાવવાની જવાબદારી મારી પર આવી પડી છે. અડધા પગારે પણ નોકરી કરવા તૈયાર છું.' ચંદુએ અરજી વાંચીને ડિલિટ કરી.

એક ભાઈના પિતાજી પારકી સ્ત્રીના મોહમાં ઘર છોડી ભાગી ગયેલ. તેની લાચાર માને ટેકો આપવા નોકરીની ભીખ માગતો હતો. ચંદુનું મન ચકરાવે ચડી ગયું.

એ પછીની એક અરજી પોતાના લૅપટૉપની સ્ક્રીન પર જોતાં ચંદુના હોશકોશ ઊડી ગયા. ચંદુને ચક્કર આવી ગયાં. ગળું સુકાઈ ગયું. આંખે અંધારા આવી ગયા. અરજદારે તેનું નામ  `ડાયા ડૉન' લખ્યું હતું . ડાયાએ બાયોડેટા સાથે ચંદુના બે-ત્રણ  સાવ  અશ્લીલ  ફોટા એટેચ કરેલા. જેને જોતાં જ ચંદુ ધ્રૂજી ઊઠ્યો. ફોટા સાથે આવું કંઈક લખેલું :

`આ તો ટે્રલર છે, ચંદુડિયા. તારા તો આનાથી વધુ ખતરનાક ફોટા એપસ્ટિન ફાઇલમાંથી બહાર આવ્યા છે. એ  ફોટો મારી પાસે છે, એ વાયરલ ન કરવા હોય તો મને નોકરીએ રાખી લે, નહીં તો...' 

ડાયાની આ ઈમેલ ધમકી ખતરનાક બૉમ્બ જેવી હતી. 

બીજા ઉમેદવારોના રિઝ્યુમ તડકે મૂકીને ચંદુએ ગણપત પાસે ડાયાની એપૉઇન્ટમેન્ટનો ઑર્ડર તૈયાર કરાવ્યો. તેના પર સહી કરીને ઑર્ડર ડાયા ડોનને હાથોહાથ પહોંચાડ્યો .

નોકરી મેળવવી એ કાઈ રૉકેટ સાયન્સ નથી. નોકરી મેળવવી કેટલી ઇઝી એટલે કે આસાન કામ છે. આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકવા જેટલું સહેલું છે. અલબત, ડાયા ડોન જેવી કાબેલિયત કે આવડત જોઈએ. ચપટી વગાડવાનું પૂરું થાય તે પહેલાં નોકરી રૂમઝૂમ પગલે દરવાજાને દસ્તક દે છે. જરૂર છે માત્ર ને માત્ર આવડતની....