ને એ મને મળી પણ ગયો!
મસ્તરામની મસ્તી - મિલન ત્રિવેદી
સોસાયટીના ક્લબ હાઉસમાં વાતાવરણ એટલું તનાવગ્રસ્ત હતું કે વગર એસીએ પણ ચારેય બાજુ બરફ જામી ગયો હોય તેવો સન્નાટો પડી ગયો હતો. મે મહિનાના બળબળતા ઉનાળામાં પણ કમિટીના સભ્યો અંદરથી બારણું બંધ કરીને એકબીજાને ધ્રૂજતા ધ્રૂજતા કહી રહ્યા હતા, `આ તો... આ તો એસીની ઠંડીને કારણે શરીરમાં સહેજ ધ્રુજારી છે, બાકી આપણને કોઈના બાપનીય ચિંતા નથી!' પણ ખરી વાત એ હતી કે ક્લબ હાઉસમાં એસી તો ચાલુ જ નહોતું!
આ ધ્રુજારીનું અસલી કારણ ટેબલ પર પડેલો ટપુ ડગલીનો મિસાઈલ જેવો ધમકીભર્યો લેટર હતો.
લેટરમાં ટપુએ કડક શબ્દોમાં લખ્યું હતું: `કમિટીના અબુધ સભ્યો જોગ... આ વખતે સોસાયટીનો `શાંતિ પુરસ્કાર' મને જ મળવો જોઈએ. જો આ પુરસ્કાર બીજા કોઈને આપવાની ભૂલ કરી છે, તો હું મારા મૂળ સ્વભાવ પર આવી જઈશ! તમને બધાને ખબર છે કે મેં આ સોસાયટીમાં કેટલા સમાધાન કરાવ્યા છે!'
ટપુની દહેશતથી જ સોસાયટીના મોટા મોટા જ્વાળામુખીઓ સુષુપ્ત થઈને પડ્યા રહેતા હતા. દેખાવમાં ટપુ એકદમ `ચોકલેટી' અને ગલુડિયા જેવો નિર્દોષ લાગતો હતો, પણ બાવડાનો પૂરો બળિયો હતો. એનાથીય ખતરનાક એનો સ્વભાવ હતો. અસલ `સળીબાજ'! સોસાયટીમાં ક્યાંય શાંતિ ચાલતી હોય તો ટપુ ત્યાં જઈને `શાંતિનો પાયો' હચમચાવી આવતો. ઝઘડો ચાલુ કરાવી અને પછી સમાધાનમાં જતો.
કમિટીના પ્રમુખ મેનનભાઈએ પરસેવો લૂછતાં કહ્યું, `આ ઘોઘર બિલાડાના ગળે ઘંટ કોણ બાંધશે? ટપુને શાંતિ પુરસ્કાર ના આપીએ તો એ આખી સોસાયટીમાં અશાંતિનો દાવાનળ સળગાવી દેશે અને જો એને શાંતિ પુરસ્કાર આપીએ તો `શાંતિ' શબ્દ પોતે આત્મહત્યા કરી લેશે!'
મંત્રી જયેન્દ્રભાઈએ ચશ્માંના કાચ સાફ કરતાં ઉમેર્યું, `સાચી વાત છે. ગયા મહિને જ પ્લોટ નંબર 4 અને 5 વચ્ચે કચરાની ડોલ અંગે ભયાનક યુદ્ધ જામ્યું હતું. ટપુએ વચ્ચે પડીને એવું `સમાધાન' કરાવ્યું કે આજે બંને પ્લોટવાળા પોતાના ઘરનો કચરો ઉપરાંત ટપુના ઘરનો કચરો સોસાયટીની ડસ્ટબીનમાં નાખે છે.'
સોસાયટીનો વાર્ષિક ઉત્સવ નજીક હતો. દર વર્ષે સોસાયટીમાં એવોર્ડ નાઈટ યોજાતી. પણ આ વખતે ટપુ ડગલીના આ `મિસાઈલ લેટર'થી કમિટીના પાંચેય સભ્યોની રાતોની ઊંઘ ઊડી ગઈ હતી.
ટપુની દાદાગીરીના કિસ્સા તો આખી સોસાયટીમાં પ્રખ્યાત (ના, કુખ્યાત !) હતા. એકવાર સોસાયટીના ગાર્ડનમાં બે કૂતરાં ભસતાં હતાં, તો ટપુએ જઈને કૂતરાઓને એવી ત્રાડ પાડી કે કૂતરાઓએ પણ ભસવાનું મૂકીને 6 મહિના મૌન વ્રત લઈ લીધું હતું.
દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે જ્યારે બે શેરી વચ્ચે વિવાદ થયો, ત્યારે ટપુએ વચ્ચે પડીને આખી સોસાયટીના ફટાકડા પોતે જ ફોડી નાખ્યા અને કહ્યું, `લો, હવે કોઈ ઝઘડો જ નહિ!' આનું નામ ટપુનું `સમાધાન'!
ક્લબ હાઉસમાં મીટિગ આગળ વધી. ખૂણામાં બેઠેલા ચુનિયાએ હળવેથી કહ્યું, `સાહેબ, એક કામ કરીએ. ટપુને શાંતિ પુરસ્કાર આપી જ દઈએ. બાકીનું બધું મારી પર છોડી દો.'
એક જ સૂરમાં કમિટીએ હા પાડી. જાન બચી તો લાખો પાયે! જો એને પુરસ્કાર નહીં મળે તો એ ક્લબ હાઉસની કાચની બારીઓ તોડશે, વોટર કૂલરમાં ગટરનું પાણી ભેળવી દેશે અને રાત્રે બે વાગે માઈક પર ભજનો ગાશે!'
`પણ સંવિધાન શું કહે છે?' પ્રમુખે ચિંતા વ્યક્ત કરી : `શાંતિ પુરસ્કારના નીતિ-નિયમો તો જુઓ! આપણે કઈ રીતે ટપુને આ એવોર્ડ આપી શકીએ?'
પરંતુ ચુનિયાએ બાજી સંભાળી સૌને બ્લડપ્રેશર ઊંચું લાવવા લીંબુ શરબત પાયું.
ટપુની `જોયા જેવી થશે' વાળી ધમકીથી કમિટીના સભ્યોના હાથ-પગ ધ્રૂજતા હતા. એવોર્ડ નાઈટના દિવસે આખી સોસાયટી એકઠી થઈ હતી. ટપુ ડગલી આગળની રોમાં સ્ટેજ તરફ મોં રાખીને, છાતી ફુલાવીને, ગોગલ્સ ચડાવીને બેઠો હતો. એના ચહેરા પર સ્પષ્ટ લખ્યું હતું `આજે તો એવોર્ડ મારો જ છે, ને જો નહીં હોય તો સ્ટેજ ઊંધું વાળી દઈશ!'
મંચ પરથી પ્રમુખ મનનભાઈએ માઈક સંભાળ્યું. એમનો અવાજ ધ્રૂજી રહ્યો હતો :
`આદરણીય શેરી મિત્રો... હવે સમય આવી ગયો છે આપણા વર્ષના સૌથી મહાન એવોર્ડ એટલે કે `શાંતિ પુરસ્કાર'ની જાહેરાત કરવાનો. આ વર્ષે આ એવોર્ડ માટે કમિટીએ ખૂબ જ ગંભીર વિચારણા કરી છે. અને આ વર્ષનો `શાંતિ પુરસ્કાર' જાય છે... શ્રી ટપુ ડગલીને!'
તાળીઓનો ગડગડાટ થયો, જેમાં ખુશી ઓછી અને ટપુનો ડર વધારે હતો! ટપુ ડગલી એકદમ વટથી, જાણે ઓસ્કાર જીત્યો હોય તેમ છાતી ઠોકીને સ્ટેજ પર ચડ્યો. પ્રમુખે ધ્રૂજતા હાથે ટપુના હાથમાં સોનેરી ચમકતી ટ્રોફી અને પ્રશસ્તિપત્ર સોંપ્યા.
ટપુએ માઈક આંચકી લીધું અને વિજયી હાસ્ય સાથે બોલ્યો, `ધન્યવાદ! ધન્યવાદ કમિટીના ડાહ્યા સભ્યોનો! મને ખબર જ હતી કે મારી શાંતિ સ્થાપવાની કળાની તમારે કદર કરવી જ પડશે. મેં આ સોસાયટીમાં જે શાંતિ સ્થાપી છે, એ બદલ આ શાંતિ પુરસ્કાર પર મારો જ હક હતો.'
આખી વાતમાં ચુનિયો શાંતિથી બેઠો હતો. હળવેકથી ઊભો થઈ અને ટપુના હાથમાંથી એવોર્ડ લઈ, ટપુના ખભ્ભા પર હાથ મૂકી અને કહ્યું:
`હવે હું આ એવોર્ડ પર લખેલું લખાણ મોટેથી વાંચીને તમને સંભળાવું છું, જેથી તમને ખબર પડે કે `શાંતિ' કોને કહેવાય!'
ચુનિયાએ ચશ્માં ચડાવ્યા અને ટ્રોફી પર નીચે નાના અક્ષરે કોતરેલું લખાણ મોટેથી વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ એ વાંચતો ગયો, તેમ તેમ ટપુનો ચહેરાનો `ચોકલેટી' રંગ ઊડીને ફિક્કો પડવા લાગ્યો અને કાનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા!
ટ્રોફી પર લખેલું હતું: `શ્રી શાંતિભાઈ અને શાંતિબેનનાં સ્મરણાર્થે નાનકડો શાંતિ એવોર્ડ.'
આ એવોર્ડ આપણી સોસાયટીના દિવંગત શાંતિભાઈ અને શાંતિબેનની યાદમાં દર વર્ષે એવા સાવ મૃદુભાષી અને ગરીબડા સભ્યને આપવામાં આવે છે કે જે, સ્વભાવે સાવ શાંત અને પાપભીરૂ હોય.
પોતાની પત્ની સામે જિંદગીમાં ક્યારેય એક શબ્દ પણ બોલ્યા ન હોય અને કાયમ `હા જી હા' કરતા હોય.
પાડોશી ગમે તેટલો કચરો નાખી જાય તો પણ ક્યારેય ઊંચો અવાજ કરીને બોલ્યા ન હોય. મિત્રવર્તુળમાં કાયમ પોતે ઘસાયા હોય અને બીજાનું ભલું કરવા માટે સતત પોતાનું અપમાન સહન કરી જતું કરવાની ભાવના રાખતા હોય.
સમાજમાં અને સોસાયટીમાં કાયમ નમીને, હાથ જોડીને અને બી ને રહેતા હોય. આવા સો ટકા `ગાય જેવા' અને અહિંસક ભલા માણસ તરીકે આ વર્ષે શ્રી ટપુ ડગલીની પસંદગી કરતાં અમને અત્યંત હર્ષ થાય છે!'
આટલું વંચાઈ રહ્યા પછી આખી સોસાયટીમાં ક્ષણભર માટે સન્નાટો છવાઈ ગયો અને પછી એવો ભયાનક હાસ્યનો વિસ્ફોટ થયો કે ક્લબ હાઉસના પતરાં ધ્રૂજી ગયા!
જે ટપુ પોતાની દાદાગીરીના જોરે `શાંતિ પુરસ્કાર' છીનવી લેવા આવ્યો હતો, તે જ ટપુ આખી સોસાયટી સમક્ષ સત્તાવાર રીતે `પોતાની પત્નીથી બી નારો, પાડોશીઓ સામે નમીને રહેનારો અને સાવ ગાય જેવો ગરીબડો માણસ' જાહેર થઈ ચૂક્યો હતો!
ટપુએ કમિટી સામે જોયું. કમિટીના સભ્યો હવે ધ્રૂજતા નહોતા, પણ મનોમન હાસ્ય રેલાવી રહ્યા હતા. ચુનિયાએ પેલો એવોર્ડની ટ્રોફી ફરી ટપુ ડગલીના હાથમાં પકડાવી દીધી. ટ્રોફી હાથમાં પકડીને એવા મોઢે ઊભો હતો જાણે એના મોઢામાં કોઈએ કારેલું ઠાંસી દીધું હોય! એણે કમિટીને ધમકી તો આપી હતી કે `શાંતિ પુરસ્કાર ના મળે તો જોયા જેવી થશે', પણ એવોર્ડ લીધા પછી જે `જોયા જેવી' એની પોતાની થઈ હતી, એવી તો આખી સોસાયટીના ઇતિહાસમાં ક્યારેય કોઈની થઈ નહોતી! એના મનમાં તો થયું કે `ગાંધી ચિંધ્યા માર્ગે હિંસક આંદોલન કરું.' પરંતુ સોસાયટીના બધા સભ્યો આવી અને અભિનંદન પાઠવવા લાગ્યા અને મનની મનમાં રહી ગઈ.
વિચારવાયુ
મેં આઠ યુદ્ધ શાંત કરાવ્યા છે મને શાંતિનો નોબેલ પુરસ્કાર આપો..: દામભાઈ ટ્રમ્પેન્દ્ર
તા. ક.
મેં 25 નવાં યુદ્ધ ચાલુ પણ કરાવ્યા છે તે આ તકે કમિટીએ બંધ બારણે નોંધ લેવી.