યુરોપના `મિલેનિયલ્સ' અને `જેન- ઝી' માં અત્યારે નોનામેક્સિંગ (Nonnamaxxing) અને ગ્રાન્ડમાકોર (Grandmacore) તથા ગ્રાન્ડમા ટુરિઝમના ટે્રન્ડ પ્રચલિત થઈ રહ્યા છે. ઇટાલીમાં નોના એટલે નાની. દાદી-નાની પ્રત્યે જેન-ઝી આકર્ષિત થઈ રહી છે.
સિક્કાની ત્રીજી બાજુ - જ્યવંત પંડ્યા
કેટલીક વાર કોઈ ઘટના બને ત્યારે કંઈક સ્ફૂરણા લેખક તરીકે થતી હોય છે અને પછી તે સ્ફૂરણા સાચી પડે ત્યારે આનંદ થતો હોય છે કે શબ્દ એ કોઈ વ્યર્થ બાબત નથી. તેના પડઘા બ્રહ્માંડ ઝીલે છે ખરું. જ્યારે ગત સપ્ટેમ્બરમાં `80ના લુકનો ટે્રન્ડ AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ના કારણે પ્રચલિત થયો અને રાજકારણીઓ સહિત લોકોએ આ ટે્રન્ડ પ્રમાણે 80માં ભારતમાં માણસો કેવાં કપડાં પહેરતાં હતાં- કેવા ઘર હતાં-કેવી સાઇકલ કે સ્કૂટર હતાં- તેની સાથે પોતાની તસવીરો સાનંદ મૂકી ત્યારે આ લેખકે અન્યત્ર લખ્યું હતું કે `80નો લૂક જ નહીં, ત્યારના જીવનની અનેક સારી વાત ફરી અજમાવવા-અપનાવવા જેવી છે અને હવે જાણવા મળ્યું કે લો આ ટે્રન્ડ પણ શરૂ થઈ ગયો છે. અને આ ટે્રન્ડનું નામ છે Nonnamaxxing. ભારતમાં માતાની માતાને નાની કહે છે અને આ જ પ્રકારનો શબ્દ છે નોના. Nonna. નાનીઓ કેવી રીતે જીવતી હતી તેવી રીતે ચાલો, આપણે પણ જીવીએ. આવો ટે્રન્ડ ધીમેધીમે નવી પેઢી, જેને આજકાલ `જેન-ઝી' કહે છે, તેમાં પ્રચલિત થઈ રહ્યો છે.
યુરોપમાં સૌથી લાંબું જીવનારા લોકોની રીતે સૌથી મોખરે ઇટાલી અને સ્વીડન છે. બંને દેશમાં માણસ સરેરાશ 84 વર્ષ જીવે છે. આપણા ભારતમાં 71 વર્ષ છે. ઇટાલીમાં સદી વટાવી ચૂકેલા લોકોની સંખ્યા પણ વધી રહી છે. બ્લુ ઝોન એટલે જ્યાં સદી વટાવી ચૂકેલા લોકો એ જ ઉત્સાહ અને આનંદ સાથે જીવન જીવતા હોય. વિશ્વમાં પાંચ આવા બ્લુ ઝોન છે. તેમાંથી એક સર્દિનિયા ઇટાલીમાં આવેલો ટાપુ છે જ્યાં આવા ગલઢાઓ મસ્તીથી જીવે છે. તે બધા ઘરમાં રાંધેલું જ જમે છે, કૉનનાં ગાઉન પહેરે છે, મિત્રો સાથે સમય વિતાવે છે.
બસ, આ જ રીતે જીવવું એટલે `નોનામેક્સિંગ'. તમને જેમની સાથે ગમે પછી તે તમારા જૂના મિત્રો હોય કે તમારા કોઈ ઓળખીતા-પાળખીતા, તેની સાથે તમે સમય વિતાવો. ટૂંકમાં જલસા કરો, જેંતાલાલ ! ઘરમાં ઉગેલું તમે રાંધો અને હા, ખાવ પણ ખરા. જીવનની ગતિ ધીમી કરો. બહુ ભાગી લીધું કારકિર્દી પાછળ, શોખ પાછળ. હા, શોખ પાછળ પણ ઘણા ભાગતા હોય છે. સંગીતની કૉન્સર્ટમાં જતા હોય છે. તેના પાસ કે નવરાત્રિના પાસ પાછળ ભાગતા હોય છે. સેલિબ્રિટી આવે ત્યારે ભીડમાં જઈ ચડે અને પછી ભીડનો થાક લાગી જાય. ફોન, મેકઅપ, શર્ટ-પૅન્ટ ઇત્યાદિ કપડાં, દુનિયાને દેખાડવા અમુક-અમુક મહિને કાર લઈને પ્રવાસ.. આ બધું સંતોષ કરતાં દુ:ખ વધુ આપે છે. આપણા પૂર્વજોની વાત છોડો, આપણાં માતા-પિતા ક્યાં દર વર્ષે ફરવાં જતાં હતાં તોય તેમનામાં કેટલી સકારાત્મકતા હતી. તેમને કોઈ મોટિવેશનલ સ્પીકરના પ્રવચન સાંભળવા ટિકિટ લઈને જવું નહોતું પડતું. તેમને એન્ટી ડિપ્રેશન મેડિસિન લેવી પડતી નહોતી. તેમની દિનચર્યા એકધારી (મોનોટોનસ) હોવા છતાં તે આનંદથી દરેક કામ કરતા હતા. કોઈ ફરિયાદ નહોતી. પિતા એક જ કંપની કે સરકારી કચેરીમાં એક જ જગ્યાએ આખી જિંદગી નોકરી કરતા. પગપાળા, સાઇકલ લઈને કે ટે્રનમાં જતા-આવતા. માતા એક જ રસોડામાં સવારે અને સાંજે ગરમીમાં શેકાઈને રસોઈ કરતી, પરંતુ કોઈ ફરિયાદ નહોતી.
એમના જમાનામાં ફિલ્મો જોવાનું દર શુક્રવારે નહોતું થતું. ટીવી પર ફિલ્મ તો શનિ-રવિએ જ આવતી હતી. તે પણ ટીવી ઘરમાં હોય તો જોઈ શકાતું હતું. મનોરંજનનું સૌથી સુલભ સાધન હોય તો રેડિયો પર આવતાં ગીતો. વાંચવા માટે આઠ પાનાંનું એક છાપું જ હતું. દૂરદર્શન પર માત્ર રાતના સાતથી અગિયાર જ કાર્યક્રમો આવતા, પરંતુ આ જિંદગીમાં મન ખુશ રાખે એવી શાંતિ હતી.
આ જ શાંતિ હવે મેળવવા માગે છે નવી પેઢી. તેને જ કહે છે `નોનામેક્સિંગ' અને બીજો આવો જ ટે્રન્ડ એટલે `ગ્રાન્ડમાકોર'. ગ્રાન્ડમાકોર એટલે દાદી-નાની જે કરતાં કે તે કરવાનો ટે્રન્ડ. દાદી અને નાની ભરતગૂંથણ કરતાં તો તે કરવું, છોડ-ઝાડને પાણી પાવું, રાંધવું. ઉદાહરણ તરીકે `યુએસ ટુડે' નામના દૈનિકને એક ગૃહિણી હાનાહ આર્નોલ્ડે કહ્યું, તમારા જીવનને થોડું ધીમે પાડો. મને લાગે છે કે મિલેનિયલ્સ અને જેન-ઝી એવું હવે માનવા લાગ્યા છે કે તે બધા હવે માત્ર કામ, કામ અને કામ કરવા નથી માગતા. તે શોખ પણ પૂરા કરવા માગે છે.
આ ઉપરાંત `ગ્રાન્ડમા ટુરિઝમ' તરફ પણ પશ્ચિમની નવી પેઢી ઝૂકી રહી છે. ભારતમાં દાદા-દાદી હવે સાથે રહેતાં નથી. તેમની પાસે બેસવું, વાતો કરવી, તેમની વાતો ધીરજપૂર્વક સાંભળવી નવી પેઢીને ગમતી નથી તો ગ્રાન્ડમા ટુરિઝમની વાત ક્યાંથી આવે? જોકે વિદેશની પેઢી હવે માનતી થઈ છે કે દાદી-નાની ખૂબ જ પ્રેમથી શીખવે છે. જ્યારે અનિવાર્ય હોય ત્યારે કડક પણ થાય છે, જ્યારે આપણે ભૂલ કરીએ ત્યારે ખીજાય છે અને સારા કામ માટે પ્રોત્સાહિત કરે છે. ગ્રાન્ડમા ટુરિઝમમાં ઘણી વાર સ્થાનિક ઘરડી સ્ત્રી સાથે પણ યુવાનો ફરે છે.
બેએક વર્ષ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `મન કી બાત'માં યુવાનોને એક પ્રેરણા આપી હતી કે તમારાં દાદા-દાદી પાસે બેસો. તેમનો વીડિયો કે ઑડિયો ઇન્ટરવ્યૂ લો. તેમના સમયમાં તેમણે સંઘર્ષમાંથી કેવી રીતે માર્ગ કાઢ્યો, તેમની પાસે દાદીમાના ઓસડિયાં, પોતાના ઘરની પરંપરા, વંશવેલો,જેવો જ્ઞાનનો ખજાનો છે તેને આ રીતે ડૉક્યુમેન્ટ કરો.
જોકે વડા પ્રધાનની `મન કી બાત'ની
આ વાત લોકોએ કાને ધરી નહીં હોય,
કારણ કે ભારતમાં અત્યારે જેન-ઝી નાઇટ લાઇફ, લિવ ઇન રિલેશન ઇત્યાદિ પશ્ચિમી ટે્રન્ડ તરફ ઢળેલી છે, જ્યારે પશ્ચિમમાં
હવે નોનામેક્સિંગ અને ગ્રાન્ડમાકોર તરફ ઝૂકાવ છે.